ફ્રાન્સના સમ્રાટ નેપોલિયનના જીવનમાં અશક્ય શબ્દને કોઈ સ્થાન ન હતું અને તેઓ એટલા પરાક્રમી હતા કે અનેક દેશો તેમણે જીતી લઈને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. સમ્રાટ નેપોલિયનના જીવનનો એક પ્રસંગ છે.પ્રસંગ નાનકડો છે પણ નેપોલિયને બહુ સુંદર સંદેશ આપ્યો છે. એક દિવસ સમ્રાટ નેપોલિયન પોતાની પત્ની અને રાજ રસાલા સાથે નગરથી દૂર જંગલમાં શિકાર કરવા અને સહેલગાહ માટે ગયા.જંગલમાં સાંજે લીલી હરિયાળી વચ્ચે નદી હતી ત્યાં તેઓ પોતાનાં રાણી સાથે લટાર મારવા ગયા.લટાર મારી તેઓ પગપાળા જ નજીકના પોતાના પડાવ પર પાછા ફરી રહ્યા હતા. ચાલવા માટે આપોઆપ બની ગયેલી એક નાનકડી પગદંડી જેવું હતું અને તેની બન્ને બાજુ ઝાડઝાંખરાં હતાં અને અમુક કાંટાળા પણ હતા.
સમ્રાટ નેપોલિયન અને રાણી પડાવની દિશામાં જઈ રહ્યા હતા અને સામેની દિશામાંથી એક કઠિયારો લાકડા કાપી તેના ભારા બનાવી પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો.તેના માથા પર મોટા બે લાકડાના ભારા હતા. શરીર પરસેવાથી રેબઝેબ હતું.ખુલ્લા પગ હતા.હાથમાં પણ ઘરના ચુલા માટે ભેગી કરેલી સૂકી ડાળીઓ હતી અને કમર પર કુહાડી ખોસેલી હતી.માથા પરના વજનથી અને દિવસભરના થાકથી થોડો બેવડ વળી ગયેલો કઠિયારો ધીમે ધીમે સમ્રાટ અને રાણી તરફ આવી રહ્યો હતો. કઠિયારો અને સમ્રાટ તથા રાણી એકદમ સામસામે પાસે આવ્યા ત્યારે કઠિયારો તો માથા પરના વજનને કારણે સમ્રાટને ઝૂકીને સલામ કરી શકે તેમ ન હતો.પણ તે અટકીને બાજુ પર હટી સમ્રાટને આગળ જવાનો માર્ગ કરી આપે તે પહેલાં સમ્રાટ પોતે અટક્યા અને રાણીનો હાથ પકડીને રાણી સાથે પોતે બાજુ પર હટી ગયા અને કઠિયારાને આગળ જવાનો માર્ગ કરી આપ્યો.
સમ્રાટનાં રાણીને પોતે ફ્રાન્સના સમ્રાટની પત્ની અને દેશની સામ્રાજ્ઞી હોવાનું બહુ અભિમાન હતું અને સ્વભાવ પણ તેજ હતો એટલે કઠિયારાએ પોતાને અને સમ્રાટને ઝૂકીને સલામ ન કરી તેનો તેમને ગુસ્સો આવ્યો અને વળી સમ્રાટે પોતે બાજુ પર હટીને તેને પહેલાં આગળ જવાનો રસ્તો કરી આપ્યો એટલે તેમનો પારો વધારે ઉપર ગયો.તેમણે છણકો કરીને સમ્રાટને કહ્યું, ‘વાહ, કેવા સમ્રાટ છો તમે, જેને ગરીબ કઠિયારો સલામ પણ નથી કરતો અને તેને સજા કરવાને બદલે વળી તમે માર્ગમાંથી હટીને તેને પહેલાં જવા દો છો.શું તમારી પ્રજા તમને માન આપતી નથી?’
નેપોલિયને કહ્યું, ‘રાણી,કોઈ પણ સમ્રાટના માન કરતાં વધારે માન શ્રમનું છે.જગતમાં શ્રમનું મહત્ત્વ સૌથી વધુ છે કારણ કે શ્રમ કરનાર પોતાનો પરસેવો વહાવી અનેક કામ કરે છે.તેથી શ્રમનું માન જાળવવા મેં કઠિયારાને રસ્તો કરી આપ્યો અને તમને પણ હાથ પકડી બાજુ પર ખસવા કહ્યું. તમે જ કહો, શું મેં ખોટું કર્યું?’ રાણી સમજી ગયાં અને ગુસ્સો કરવા બદલ ક્ષમા માંગી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.