સુરત: (Surat) સુરત શહેરમાં ગત દિવસોમાં કોવિડ કેસોનું (Case) સંક્રમણ વધી રહ્યું છે. એક જ ઘરમાં રહેતા વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવવાથી સંક્રમિત થવાના કિસ્સા પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેથી ઘરમાં કોઈપણ વ્યક્તિને કોરોનાનાં લક્ષણો જણાય તો તાકીદે ઘરના અન્ય સભ્યોને ટેસ્ટ કરાવી લેવા માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસોમાં એક જ ઘરમાં બે કે તેથી વધુ કેસ નોંધાતા હોય તેવા કિસ્સા વધ્યા છે. આથી શહેરીજનોને મનપા દ્વારા અપીલ (Corporation) કરવામાં આવી રહી છે કે, ઘરમાં કોઈ એક વ્યક્તિ શંકાસ્પદ કોવિડ સંક્રમિત હોય તો ઘરના અન્ય બાકીના સભ્ય ખાસ કરીને વૃદ્ધો, બાળકો ફેમિલીમાં મહત્તમ સંક્રમણ થવાની શક્યતા રહેલી છે. જેથી તાકીદે નજીકના આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ કરવા અને જાતે જ ઘરે આઇસોલેશનમાં રેહવા અને કોવિડ અનુરૂપ વર્તન દાખવવા સૂચન કરાયું છે. આ ઉપરાંત સંક્રમણની ઘાતક અસરથી બચવા, જેમનો કોવિડ રસીનો બીજો ડોઝ બાકી હોય અને જેમનો કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ બાકી હોય, તે તમામને તાકીદે રસીકરણ પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે.
- એક જ ઘરમાં બે કે તેથી વધુ કેસ નોંધાયા હોય તેવાં ઘરોની સંખ્યા
- એક જ ઘરમાં 3 કેસ નોંધાયેલા હોય તેવાં ઘરોની સંખ્યા: 101
- એક જ ઘરમાં 2 કેસ નોંધાયેલા હોય તેવાં ઘરોની સંખ્યા: 546
- એક જ ઘરમાં 4 કે તેથી વધુ કેસ નોંધાયેલા હોય તેવાં ઘરોની સંખ્યા: 62
ડોક્ટરે એપાર્ટ.માં રહેતા લોકોના ખાનગીમાં કોરોના ટેસ્ટ કરી મનપાને જાણ સુધ્ધા ન કરી
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ડ્રીમ હેરિટેજ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ અને ત્યાં જ વસવાટ કરતાં ખાનગી હોસ્પિટલના તબીબે કોરોનાના આંકડા છુપાવવાનો ખેલ શરૂ કર્યો હતો. પરંતુ સ્થાનિક જાગૃત નાગરિકે મનપાને આ બાબતે ફરિયાદ કરી દેતાં આખું ભોપાળું બહાર આવ્યું છે. મનપાની ટીમ દ્વારા ગુરુવારે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમો બિલ્ડિંગમાં મોકલવામાં આવી હતી અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અઠવા ઝોન દ્વારા મિત્તલ હોસ્પિટલના માલિક ડો.પંજક મિત્તલને નોટિસ આપવામાં આવી છે અને બે દિવસમાં લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે.
આ બિલ્ડિંગમાં અગાઉ કેસ મળ્યા હતા. અહીંના દર્દીઓનો ક્વોરન્ટાઇન પિરિયડ ચાલુ છે. આથી સીલ કરવામાં આવ્યું છે. જો કે, આ બિલ્ડિંગમાં આજે કોઈ કેસ નથી. પરંતુ મહત્ત્વની વાત એ છે કે, આ બિલ્ડિંગમાં છેલ્લા દસેક દિવસ દરમિયાન કુલ ૧૭ કેસ આવતાં આ બિલ્ડિંગમાં જ રહેતા અને વેસુના સોમેશ્વરા ખાતે મિત્તલ હોસ્પિટલ ડો.પંકજ મિત્તલ ખાનગી રાહે દર્દીઓના કોરોના ટેસ્ટ કરતા હતા. જેઓ ગત તા.૧૦ જાન્યુઆરીએ ચારેક દર્દી પોઝિટિવ મળી આવ્યા હતા. ખાનગી રાહે કે બજારમાં મળતી કિટથી ટેસ્ટ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ પોઝિટિવ દર્દીઓ મળી આવતાં સરકારની ગાઈડલાઈન મુજબ તેમણે મહાપાલિકાને આ અંગે જાણ કરવાની રહે છે. જે તેઓએ કરી ન હતી. હવે પોઝિટિવ દર્દીઓ નિયમ પાલન કરતા હશે કે કોઈને કહ્યા વગર બેધડક ફરીને અન્યોને ચેપ લગાવાશે, એ બાબતે અસમંજસની સ્થિતિ હોવાથી મામલો વધુ ગંભીર થયો છે. જેના પગલે મનપાએ આ તબીબને નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.