આઇપીએલ 2022ની સિઝન માટેનું મેગા ઓક્શન આવતા મહિને યોજાવાનું છે, જો કે તે પહેલા નવી ઉમેરાયેલી બે ટીમો અમદાવાદ અને લખનઉએ ઓક્શનમાં સામેલ ખેલાડીઓમાંથી પોતાના ત્રણ-ત્રણ ખેલાડી પસંદ કરીને રિટેન કરવાના છે. લખનઉ તરફે કેએલ રાહુલનું નામ બોલાય છે. તો આ તરફ અમદાવાદ ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવશે એવા અહેવાલો આવ્યા છે. અત્યાર સુધી એવું મનાતુ હતું કે અમદાવાદની ટીમ શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવશે. જો કે તેના સ્થાને અચાનક હાર્દિકનું નામ ચર્ચાતા બધાને નવાઇ લાગી છે. હાર્દિકની ફિટનેસની સમસ્યાને કારણે બધા તેનાથી દૂર ભાગવા માંડ્યા છે તેવા સમયે અમદાવાદે તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરીને એક રીતે તો સરપ્રાઇઝ જ આપી દીધું છે. બીજી વાત એ પણ છે કે હાર્દિક પોતે કેપ્ટન મટિરિયલ નથી. તે કેપ્ટનો માટે એક ઉપયોગી ઓલરાઉન્ડર છે પણ તેણે જાતે કેપ્ટનશિપ સંભાળવાની હોય તો તેમાં તેની મર્યાદાઓ સામે આવી શકે છે.
હા. તેનો ભાઇ કૃણાલ પંડ્યા કેપ્ટનશિપ સંભાળી ચુક્યો છે અને તે વ્યુહાત્મક નિર્ણયો લેવામાં માહેર છે પણ હાર્દિક કેપ્ટન મટિરિયલ તો નથી જ. એવા સંકેત મળ્યા છે કે અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ પોતાના ત્રણ ખેલાડીના નામ નક્કી કરી લીધા છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સમાંથી રિલિઝ થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનના નામ સામેલ છે. મીડયા રિપોર્ટ અનુસાર અમદાવાદ ફ્રેન્ચાઇઝીની માલિક સીવીસી કેપિટલ્સ દ્વારા ગુજરાતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય કરાયો છે. હાર્દિકને અમદાવાદની ટીમમાં સામેલ કરવા પાછળનું સૌથી મોટું કારણ તે ગુજરાતનો હોવાનું છે. કેટલાક લોકો એવું માને છે કે હાર્દિકને કદી કોઇએ કેપ્ટનના દૃષ્ટિકોણથી જોયો નથી તેથી આ નિર્ણય સરપ્રાઇઝ જેવો લાગે છે. તે ભારતનો હાલનો શ્રેષ્ઠતમ ઓલરાઉન્ડર છે અને મુશ્કેલ પરિસ્થિતિમાં તે મેચ વિનર બની જાય છે. કેપ્ટનશિપ મામલે જો કે હાલ કંઇ કહી શકાય તેમ નથી.