નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉત્તરપ્રદેશમાં વીતેલા બે દિવસ દરમિયાન રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. નેતાઓની અદલાબદલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 125 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ પહેલું પત્તું ફેકી દીધું છે, હવે અન્ય પક્ષો કઈ ચાલ રમે છે તે જોવું રહ્યું.
કોંગ્રેસ (congress) મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ઉત્તર પ્રદેશમાં (UttarPradesh) 125 ઉમેદવારોની (Candidates) પ્રથમ યાદી (First List) જાહેર (Announce) કરી છે. ગુરુવારે ઉમેદવારોની યાદી જાહેર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પાર્ટીએ આમાંથી 50 બેઠકો પર મહિલા ઉમેદવારોને (Women candidates) મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેટલાક પત્રકારો, એક અભિનેત્રી, સામાજિક કાર્યકર અને સંઘર્ષશીલ મહિલાઓને તક આપવામાં આવી છે. ઉન્નાવ રેપ (Rape) પીડિતાની માતાને પણ ઉમેદવાર બનાવવામાં આવી છે. પંખુરી પાઠકને નોઈડામાંથી પડતા મૂકવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ યાદી નવો સંદેશ આપી રહી છે કે, જો તમારા પર અત્યાચાર છે તો તમારા અધિકાર માટે લડવાની શક્તિ છે. કોંગ્રેસ પાર્ટી તમારી લડાઈમાં તમને સાથ આપશે. તમારા પોતાના હાથમાં સત્તા લો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, “અમારા ઉન્નાવ ઉમેદવાર ઉન્નાવ ગેંગરેપ પીડિતાની માતા છે. અમે તેમને તેમનો સંઘર્ષ ચાલુ રાખવાનો મોકો આપ્યો છે. જે શક્તિ દ્વારા તેમની દીકરી પર અત્યાચાર થયો, તેનો પરિવાર બરબાદ થયો, તે જ સત્તા તેમને મળવી જોઈએ. અમે સોનભદ્ર હત્યાકાંડના પીડિતોમાંથી એક રામરાજ ગોંડને પણ ટિકિટ આપી છે. તેવી જ રીતે, આશા બહેનોએ કોરોનામાં ઘણું કામ કર્યું, પરંતુ તેમને માર મારવામાં આવ્યો. અમે તેમાંથી એક પૂનમ પાંડેને પણ ટિકિટ આપી છે. સદફ જાફરે CAA-NRC દરમિયાન ઘણો સંઘર્ષ કર્યો હતો. પોસ્ટરમાં તેમનો ફોટો છપાવીને સરકારે તેમને હેરાન કર્યા. મારો સંદેશ છે કે જો તમને ત્રાસ આપવામાં આવે છે તો તમારા અધિકાર માટે લડો. કોંગ્રેસ આવી મહિલાઓની સાથે છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપને 12મો ઝટકો, મુકેશ વર્માએ રાજીનામું આપ્યું
ઉત્તરપ્રદેશમાં ભાજપને સતત 12મો ઝટકો લાગ્યો છે. શિકોહાબાદના ભાજપના ધારાસભ્ય મુકેશ વર્માએ હવે રાજીનામું આપ્યું છે. વર્માએ પણ સ્વામીપ્રસાદ મોર્ય, દારા સિંહ ચૌહાણ સહિત અન્ય ધારાસભ્યોની જેમ જ પત્રમાં લખ્યું છે કે ભાજપ સરકાર દલિત અને લઘુમતીને અવગણી રહી છે. સરકાર ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરી રહી છે. મુકેશ વર્માએ ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. આ અગાઉ બદાયૂના બિલ્સીના ધારાસભ્ય રાધાકૃષ્ણ શર્મા, સીતાપુરના રાકેશ રાઠોર, બહરાઈચ નાનપારાના માધુરી વર્મા, સંતકબીરનગરના જય ચૌબે, કેબિનેટ મંત્રી સ્વામીપ્રસાદ મોર્ય, બિલ્હોર કાનપુરના ધારાસભ્ય ભગવતી સાગર, બૃજેશ પ્રજાપતિ, રોશનલાલ વર્મા, વિનય શાક્ય, અવતાર સિંહ, કેબિનેટ મંત્રી દારાસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું છે.