સુરત: (Surat) કોસાડ આવાસમાં (Kosad Awas) બિલ્ડિંગ નીચે પાર્ક (Park) કરેલા વાહનમાં ગઈકાલે રાત્રે આગ (Fire) લાગી હતી. લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. 16 વર્ષનો તરુણ બે હજાર રૂપિયા લીધા પછી બીજાના ગ્રુપમાં બેન્ડ (Band) વગાડવા ગયો હતો. જેથી બેન્ડવાળાએ ઠપકો આપતાં બદલો લેવા તરુણે તેના વાહનને (Vehicle) આગ ચાંપી હતી.
- 2 હજાર રૂપિયા લઈને બીજાના ગ્રુપમાં બેન્ડ વગાડવા જતો રહેતો હતો
- સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોસાડ આવાસમાં ગઈકાલે રાત્રે એકાદ વાગ્યાના અરસામાં પાર્ક કરેલાં વાહનોમાં કોઈ ટિખળખોર આગ ચાંપી નાસી ગયો હતો. ધુમાડા અને આગની જ્વાળાથી આવાસમાં બૂમાબૂમ મચી ગઇ હતી. સ્થાનિકોએ સાથે મળીને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, ત્રણ વાહન બળીને ખાખ થઈ ગયાં હતાં. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં સ્થળ પર પહોંચી તપાસ કરતાં એક 16 વર્ષના તરુણની અટકાયત કરી છે. તરુણ બેન્ડ વગાડવાનું કામ કરે છે. તેણે એક વ્યક્તિ પાસેથી 2000 રૂપિયા લીધા હતા. અને પૈસા લઈને તેના ગ્રુપમાં જવાને બદલે બીજે જઈને બેન્ડ વગાડી આવ્યો હતો. જેથી માલિકે તેને રૂપિયા લીધા પછી પણ કેમ નહીં આવ્યો તેમ કહી ઠપકો આપ્યો હતો. આથી માઠું લાગી આવતાં બદલો લેવા તેણે ગાડીને આગ ચાંપી દીધી હતી.
‘જીસકો બુલાના હૈ ઉસકો બુલા લે’ કહીને લિંબાયતમાં પિતા પુત્ર પર તલવારથી હુમલો
સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરીકામ કરતાં યુવક અને તેના પિતાએ લિંબાયતમાં જ રહેતા યુવકને હાથઉછીના રૂપિયા આપવાની ના પાડી હતી. જેની અદાવત રાખીને આ યુવકે તેના મિત્રો સાથે મળીને પિતા-પુત્ર ઉપર તલવારથી હુમલો કર્યો હતો.
હાથ ઉછીના રૂપિયા નહીં આપવાનું વેર રાખીને હુમલો કરાયો
સલાબતપુરાના અનવરનગર એચ.ટી.સી માર્કેટની બાજુમાં રહેતા અને મજુરી કામ કરતા યુનુસ રોશન શાહ (ઉ.વ.૫૧)ના દીકરા રઈશની લારી પાસે આઠ મહિના પહેલા આંબેડકરનગરમાં રહેતા અમન અને તેનો ભાઈ તન્નુએ ઉછીના રૂપિયા માંગ્યા હતાં. રઇશે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી, જેને લઇને રઇશ અને અમન વચ્ચે માથાકૂટ થઇ હતી. આ દરમિયાન અન્ય સ્થાનિક લોકો તેમજ સમાજના આગેવાનો વચ્ચે પડતા સમાધાન થયું હતું.
ઉછીના રૂપિયા નહીં આપવાની અદાવત રાખીને તન્નુ ઉર્ફે તનવીર તેના મિત્રો મોહસીન સલીમ શેખ, સંતોષ ઉર્ફે મોનું મનોહર તથા જંગા ઉર્ફે બાબુએ રઇશને ઉભો રાખ્યો હતો. અને જૂના ઝઘડાની અદાવત રાખીને રઇશને ગાલ ઉપર તમાચા મારી હુમલો કર્યો હતો. તન્નુએ રઇશને ધમકી આપી કે, ‘જીસકો બુલાના હૈ ઉસકો બુલાકે લે કે, આજ તેરે કો નહીં છોડેગેં’કહી તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં રઇશના પિતા વચ્ચે પડતા તેઓને પણ ગંભીર ઇજા થઇ હતી. બંને પિતા-પુત્રને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે યુનુસ શાહની ફરિયાદ લઇને વધુ તપાસ શરૂ કરી છે.