અતિ ધનાઢ્ય લોકો અતિ વૈભવી જહાજો વસાવે છે જે યોટ (Yot) તરીકે ઓળખાય છે જે પાણીમાં તરતી વૈભવી હોટલ (Hotel) જેવી જ હોય છે. હાલમાં ઇટાલીની લાઝારિનિ કંપનીએ એક એવી સુપર યોટની ડિઝાઇન તૈયાર કરી છે જે પાણીમાં તરવાની સાથે હવામાં ઉડી પણ શકે!
આ યોટને એર યોટ નામ આપવામાં આવ્યું છે અને તેની કન્સેપ્ટ ઇમેજો રોમ સ્થિત કંપની લાઝારિનિના ડિઝાઇન સ્ટુડિયોમાં રજૂ કરવામાં આવી હતી. આ યોટની ડિઝાઇન એવી છે કે તેમાં હિલિયમ વાયુ ભરીને તેને હવામાં ઉડાડી પણ શકાય. તેમાં ઇલેકટ્રિક પ્રોપેલરો રાખવામાં આવ્યા છે જે તેને હવામાં આગળ વધવામાં મદદ કરશે. તેમાં ખૂબ હળવા હિલિયમ વાયુ ભરવાની બે ટાંકીઓ છે. આ બોટ પાણી પરથી ઉડાન ભરી શકે અને ફરીથી પાણીમાં ઉતરાણ કરી શકે તેવી તેની ડિઝાઇન બનાવવામાં આવી છે. તેનું માળખું ડ્રાય કાર્બન ફાઇબરનું હશે જેથી તે મજબૂત અને હળવી બની રહેશે. તે જાતે જ પોતાની વિજળી ઉત્પન્ન કરી શકે તે માટે તેમાં સોલાર પેનલો ગોઠવવાની પણ યોજના છે.
સાઉદી અરેબિયાના વૈભવી ઊંટ સ્પા: અહીં ઊંટોને વૈભવી માવજત અપાય છે
રિયાધ: સાઉદી અરેબિયાના ધનાઢ્યો જાતવાન નસલના મોંઘાદાટ ઊંટોને પાળે છે અને તેમને સૌંદર્ય સ્પર્ધાઓમાં પણ ઉતારે છે તે જાણીતી બાબત છે. આ ધનવાનોના ઊંટોને રિયાધ નજીકના એક સ્થળે ખાસ સ્પામાં કેવી વૈભવી માવજતો અપાય છે તેની અદભૂત માહિતીઓ બહાર આવી છે.
- ઊંટો માટેની ખાસ હોટલમાં તેમને ટ્રિમિંગ, સ્ક્રબિંગ જેવી માવજતો આપવામાં આવે છે
- એક રાત માટે અહીં એક ઊંટને મૂકી જવાની ફી ૪૦૦ રિયાલ(૭૮ ડોલર) જેટલી છે
રિયાધ શહેરથી લગભગ ૯૯ માઇલના અંતરે આવેલ રુમાહી ખાતે એક ઉંટ હોટલ શરૂ કરવામાં આવી છે, જે રણના જહાજ તરીકે ઓળખાતા આ પશુ માટે સ્પા તરીકે પણ કામ કરે છે. અહીં ધનવાનો પોતાના પાલતુ ઉંટોને માવજત માટે મૂકી જાય છે. અહીં ઊંટોને ટ્રિમિંગ, સ્ક્રબિંગ જેવી માવજતો આપવામાં આવે છે. આ હોટલમાં એક રાત માટે એક ઉંટને રાખવાની ફી ૪૦૦ રિયાલ એટલે કે ૭૮ પાઉન્ડ જેટલી મોંઘીદાટ છે. જો કે અહીં ઊંટોને બોટોક્સના ઇન્જેકશન જેવી ગેરકાયદે સારવાર પણ આપવામાં આવે છે તેવી ફરિયાદો પછી સરકારે ચેકીંગ શરૂ કર્યું છે. બોટોક્સના ઇન્જેકશન આપવાથી ઉંટ શરૂઆતમાં વધુ સુંદર અને તંદુરસ્ત દેખાય છે પણ લાંબા ગાળે તેમના શરીરને નુકસાન થાય છે.