SURAT

સચીનની ખાડીમાં 1 લાખ લીટરથી વધુ કેમિકલ ઠલવાયું, છેલ્લુ ટેન્કર ઠાલવવા ગયા અને દુર્ઘટના થઈ

સુરત: (Surat) સચીન જીઆઈડીસીમાં (GIDC) ટેન્કરમાંથી કેમિકલ (Chemical) ઠાલવતી વખતે ગેસ લીકેજની ઘટના બાદ ક્રાઈમ બ્રાંચે મુંબઈની હાઈકેલ કંપનીના ત્રણ જવાબદાર અધિકારીઓની ધરપકડ કરી હતી. તથા જીઆઈડીસીમાં બજરંગ મિલના માલિકની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે (Police) આજે આરોપીઓના 17 મી તારીખ સુધીના રિમાન્ડ મળ્યા હતા. આ ઘટના બની તેના પહેલા ચાર ટેન્કરમાંથી કુલ 1 લાખ લિટરથી વધારે સોડિયમ હાઈડ્રો સલ્ફાઈડ ખાડીમાં ઠાલવવામાં આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈની હાઈકેલ કંપનીના ઇએચએસ હેડ મનસુખ ગોકળભાઇ પટેલ, અભય સુરેશ દાંડેકર (સપ્લાય ચેઇન વિભાગના જનરલ મેનેજર), મછીન્દ્રાનાથ મુરલીધર ગોર્હે (ક્રોપ પ્રોટેકશન વિભાગના હેડ) ની ધરપકડ કરી હતી. તથા પાંડેસરામાં રહેતા અને જીઆઈડીસીમાં બજરંગ મિલના માલિક રમણ ભલાભાઇ બારિયાની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓના 17 મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડમાં મહત્વનો મુદ્દો એ છે કે, હાઈકેલ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની છે. આ કંપનીના જવાબદાર અધિકારીઓ થઈને મહારાષ્ટ્ર પોલ્યુસન કંટ્રોલ બોર્ડની શરતો પ્રમાણે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ કરીને ટેન્કરમાં જ મોકલવાનું ફરજીયાત હોવા છતાં જીપીએસ લોડ કર્યા વગરનું કેમીકલ ભરેલું ટેન્કર કેવી રીતે મોકલ્યું તે અંગે પૂછપરછ કરવાની છે. આ પૂછપરછમાં કંપનીનું મોટું કેમિકલ કૌભાંડ બહાર આવે તેમ છે. મુંબઈની કંપની દ્વારા કેમીકલ ભરેલા પાંચ ટેન્કરો આપ્યા છે. જેમાંથી છેલ્લા ટેન્કરના કેમીકલનો નિકાલ કરતી વખતે આ બનાવ બન્યો હતો. બનાવ બન્યો તે પહેલા ખાડીમાં પાંચ ટેન્કર નિકાલ કરી દેવાયો હતો. આશરે એક લાખ લિટર કેમિકલ ખાડીમાં છોડી દેવાયું હતું.

આ સિવાય રિમાન્ડના મુદ્દામાં ત્રણેય આરોપીઓએ ગુનાહિત વ્યવહારો તેમની ઓફિસેથી ઇમેઇલ દ્વારા કર્યા છે, અને આરોપીઓને તેમની ઓફિસે લઇ જઇને તપાસ કરવાની છે. ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ તરફથી કેમીકલના નમુના લેવાયા હતા તે નમુના તથા આરોપી રમણ બારિયાની ફેક્ટરીમાંથી લેવાયેલા કેમીકલના નમુના મેચ થયાનો રિપોર્ટ આવ્યો છે. આરોપીએ પોતાની ફેક્ટરીમાં કેટલા પ્રમાણમાં કેમીકલનો જથ્થો ગેરકાયદેસર નિકાલ કર્યો છે તેની તપાસ કરવાની છે.

મુંબઈની કંપની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ વગર જ ટેન્કર દોડાવતી હતી
એમપીએસસીની શરત મુજબ ટેન્કર ફરજીયાત જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફીટ કરીને મોકલવાનું હોય છે. કેમીકલ મહારાષ્ટ્રના તલોજાથી હિકાલ લિમીટેડ કંપનીમાંથી મંગાવતા હતાં. આ ટેન્કર મુંબઇથી નીકળીને ભરૂચ પહોંચવાનું હતું. જેમાં ટ્રેકિંગ સિસ્ટમ સેટ કરીને તેનું સેલ્ફ મોનેટરીંગ કરવાનું હતું. પરંતુ આરોપીઓએ તેવું કર્યું નથી. આરોપીઓની સાથે ક્રોસ ઇન્ટ્રોગેશન કરાશે. જેમાં કંપનીનું મોટુ કેમીક કૌભાંડ બહાર આવે તેમ છે. આ સમગ્ર ઘટનામાં અન્ય મોટા માથા સંડોવાયા હોવાની હકીકત પણ છે.

કેમિકલના પ્રતિલિટર 0.01 રૂપિયા અને ટ્રાન્સપોટેશનના 23 રૂપિયા વસૂલાતા
મુંબઈની કંપનીના અધિકારીઓ સંગમ એન્વાયરોને પ્રતિલિટર 0.01 રૂપિયાના ભાવે કેમિકલ રોમટીરિયલમાં ઉપયોગ કરવા માટે આપતા અને ટ્રાન્સપોટેશનના 23 રૂપિયા ચૂકવતા હતા. પરંતુ તેનાથી સંગમ એન્વાયરોના માલિકોને કેટલા રૂપિયાનો લાભ થતો તે અંગે પોલીસે વધારે પૂછપરછ હાથ ધરી છે.

કંપનીના એપ્રુઅલ વગર કેમિકલનો ગેરકાયદે નિકાલ કરાયો
મહારાષ્ટ્ર પોલ્યુસન કંટ્રોલ બોર્ડના નિયમો મુજબ હાઈકેલ કંપનીમાંથી ઉત્પાદીત સોડિયમ હાઇડ્રો સલ્ફાઇડ ખરીદનાર સંગમ એન્વાયરમેન્ટએ તેનો ઉપયોગ રો-મટીરીયલ્સમાં કરવાનો હતો. પરંતુ આરોપીઓએ ભેગા થઇને કંપનીમાં એપ્રુઅલ વગર જ ગેરકાયદેસર નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. આ એપ્રુવલ કોને આપ્યુ અને કેવી રીતે આપ્યું તે અંગે પૂછપરછ શરૂ કરાઈ છે.

Most Popular

To Top