Business

મનોજ બાજપેયી એ OTT પર બાજી મારી લીધી!

કોરોના વાઇરસને કારણે છેલ્લા બે વર્ષમાં થિયેટર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે ત્યારે OTT ને ફાયદો થઇ રહ્યો છે. ૨૦૨૧ ના વર્ષમાં થિયેટર કરતાં OTT પર વધુ ફિલ્મો રજૂ થઇ છે. કોરોનાનો ડર ફરી ઊભો થયો હોવાથી OTT નું મહત્વ વધી ગયું છે. કેટલાક નિર્માતાઓ હવે થિયેટરને બદલે OTT પર ફિલ્મોની રજૂઆત કરી રહ્યા છે. અક્ષયકુમારની ‘અતરંગી રે’ ને અગાઉની ‘લક્ષ્મી બોમ્બ’ કરતાં સારો પ્રતિસાદ મળ્યા પછી બીજા નિર્માતાઓનો ઉત્સાહ વધ્યો છે. ‘અતરંગી રે’ ને સમીક્ષકોએ ખાસ પસંદ કરી ન હતી અને દર્શકોએ પણ સારું રેટિંગ આપ્યું નથી પરંતુ OTT પર ૨૦૨૧ માં ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ પર સૌથી વધુ જોવામાં આવી છે. જોકે, ગયા વર્ષમાં પહેલી ત્રણ ફિલ્મો ‘એમેઝોન પ્રાઇમ’ ની છે. ૨૦૨૧ માં સૌથી વધુ રેટિંગ મેળવનારી સૂર્યાની ફિલ્મ ‘જય ભીમ’ બની છે. કોર્ટરૂમ ડ્રામાની આ ફિલ્મને ભારતમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૧૦ માંથી ૯.૫ રેટિંગ મળ્યું છે.

કેટરિના કૈફ સાથે લગ્નને કારણે હાલમાં ચર્ચામાં રહેલા વિકી કૌશલની સુજિત સરકાર નિર્દેશિત ‘સરદાર ઉધ્ધમ’ ને ૮.૮ રેટિંગ સાથે બીજું સ્થાન મળ્યું છે. એવી જ દેશભક્તિના વિષયની શહીદ વિક્રમ બત્રાના જીવન પરની સિધ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીની ‘શેરશાહ’ ને ૮.૭ રેટિંગ સાથે ત્રીજું સ્થાન મળ્યું છે ત્યારે વિકી-કેટની જેમ સિધ્ધાર્થ-કિયારાના લગ્નની પણ વાત સાંભળવામાં આવી રહી છે. ક્રિતિ સેનનની ‘મિમિ’ અને વિકીના ભાઇ સની કૌશલની ‘શિદ્દત’ ને ૮.૦ રેટિંગ મળ્યું છે. અક્ષયકુમારની રોહિત શેટ્ટી નિર્દેશિત ‘સૂર્યવંશી’ તેમની અગાઉની ફિલ્મોથી નબળી હતી અને થિયેટરોમાં સારી કમાણી પછી એક મહિના બાદ રજૂ થઇ હોવાથી ૬.૫ રેટિંગ મળ્યું છે. હિન્દી ફિલ્મોમાં અત્યારે ખાસ જોવા ન મળતો મનોજ બાજપેયી OTT પર ૨૦૨૧ નો સૌથી લોકપ્રિય અભિનેતા જાહેર થયો છે.

એક સર્વેમાં મનોજને તેની ‘ધ ફેમિલી મેન ૨’ વેબસિરીઝને કારણે આ પહેલું સ્થાન મળ્યું છે. આ યાદીમાં ‘મિર્ઝાપુર ‘ ના ‘કાલીન ભૈયા’ ની ભૂમિકાને કારણે પંકજ ત્રિપાઠી બીજા સ્થાને આવ્યો છે. જ્યારે નવાઝુદ્દીન સિદ્દિકી ત્રીજા સ્થાને છે. OTT ના લોકપ્રિય કલાકારોમાં ત્રણેય સ્થાન પર પુરુષ કલાકારો છે. જ્યારે સામંથા રુથ પ્રભુ, રાધિકા આપ્ટે, સુષ્મિતા સેન અને તમન્ના ભાટિયાએ ટોપ ટેનમાં સ્થાન જરૂર મેળવ્યું છે. જ્યારે ‘નેટફ્લિક્સ’ પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મોમાં તાપસી પન્નુની ‘હસીન દિલરૂબા’ પહેલા સ્થાન પર છે.

પંકજ ત્રિપાઠીનું અભિનેતા તરીકે કદ વધી રહ્યું છે!

અત્યારે ફિલ્મો સાથે OTT પર જો કોઇ અભિનેતાની બોલબાલા હોય તો એ પંકજ ત્રિપાઠી જ છે. ગયા વર્ષે તેની કાગઝ, મિમિ, બંટી ઔર બબલી ૨ અને ‘૮૩’ જેવી ફિલ્મો આવી હતી. આ વર્ષે તેની ફિલ્મ ‘ઓહ માય ગોડ ૨’, ‘ફુકરે ૩’, બચ્ચન પાંડે વગેરે સાથે ‘શેરદિલ’ આવશે. માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષ પરની ફિલ્મ ‘શેરદિલ’ માં તે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ઉપરાંત ‘ક્રિમિનલ જસ્ટિસ ૩’ વેબસીરિઝ રજૂ થવાની છે. આગામી સાત મહિના સુધી તે વ્યસ્ત છે. એ પછી વિરામ લેવાનું વિચારી રહ્યો છે. પંકજને લાગે છે કે તે વધુ પડતું કામ કરી રહ્યો છે. પરંતુ મિત્રોનો આગ્રહ અને સારી ભૂમિકાઓને કારણે કોઇને ના પાડી શકતો નથી. હવે તે ના પાડવાનું શીખવાનો છે. ફિલ્મ મલ્ટીસ્ટારર હોય તો પણ એના નાના-મોટા પાત્રની નોંધ લેવામાં આવી રહી છે એ તેની સફળતાનો પુરાવો છે.

તેની મહત્વની ભૂમિકાવાળી ‘કાગઝ’ અને ‘મિમિ’ ને OTT પર સૌથી વધુ જોવામાં આવી છે. દરેક ફિલ્મમાં તેને અલગ પ્રકારની ભૂમિકાની તક મળી રહી છે. પંકજની ઇચ્છા હવે એવી રહે છે કે કમ્ફર્ટ ઝોન બહારની ભૂમિકા મળે. રણવીર સિંહ સાથે ‘૮૩’ માં એવી તક મળતાં તે ખુશ થયો હતો. આજે પંકજને ધ્યાનમાં રાખીને ભૂમિકાઓ લખવામાં આવી રહી છે. એક ફિલ્મમાં તેને રોમેન્ટિક હીરો તરીકે ચમકાવવાની તૈયારી ચાલી રહી છે. પંકજ કહે છે કે તેના માટે હીરોઇનની શોધ કરવામાં આવી રહી છે. વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પંકજ આ સ્થાન પર પહોંચી શક્યો છે. એવો પણ સમય હતો જ્યારે દિવસે થિયેટર માટે રિહર્સલ કરીને હોટલમાં રાત્રે રસોઇયા તરીકે કામ કર્યું હતું. ૨૦૦૪ માં મુંબઇ આવ્યા પછી આઠ વર્ષ બાદ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં તક મળી હતી. તેનાથી ઓળખાણ મળી હતી. સાચી સફળતા અને લોકપ્રિયતા રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યૂટન’ થી મળી હતી. એક સમય હતો જ્યારે લોકો પાસે ભૂમિકાની ભીખ માગવી પડતી હતી. આજે સામે ચાલીને તેની પાસે ભૂમિકાઓ આવે છે.

Most Popular

To Top