ચન્દ્રકાન્ત બક્ષી કહેતા કે ગાળ એ પુરૂષનો માસિક સ્ત્રાવ છે. એમનું કહેવાનું એ હતું કે ગાળ બોલવાથી પુરુષની દેહશુદ્ધિ થાય છે. મગજનો કચરો નીકળી જાય છે. You Tube, અંગ્રેજી ફિલ્મો, સિરિઝો અને આમિર ખાનની ‘દિલ્હી બેલી’ જેવી ફિલ્મોએ ગાળ બોલવી તેને ફેશનમાં અને બાદમાં ફેશનેબલ આદતમાં ફેરવી નાખી છે. પુરુષોના મનનો જ કચરો નથી, ફેશનેબલ અંગ્રેજી બોલતી સ્ટેન્ડ – અપ કોમેડિયન યુવતીઓ પણ હવે કોઇ સરહદ સ્વીકાર્યા વગર, સ્ટેજ પર બેફામ એવા શબ્દો બોલે છે જે અગાઉ કુવેણ અથવા કવેણ કહેવાતા હતા. આવા સંખ્યાબંધ વીડિયો You Tube પર છે.
You Tubeનું સૌથી મોટું પ્રદાન ઘરે ઘરે ગાળો પહોંચતી કરવાનું છે. ગુજરાતીમાં જેાકસ બોલતી સ્ત્રીઓની ભાષાશૈલી અને લઢણ પરથી લાગે કે કોઇ ભણેલી યુવતી હશે. એ પણ બેફામ ભાષા પ્રયોગ કરે અને જોકસ સંભળાવે. સૌરાષ્ટ્રની એકબે યુવતીઓ તો વીડિયો પણ અપલોડ કરે છે. માટે ગાળ બોલવી અને માનસિક સ્ત્રાવ વહેતો મૂકવો એ પુરુષોનું જ અધિકાર કે કાર્યક્ષેત્ર રહ્યું નથી. જે સ્ટેન્ડ – અપ કોમેડી શો હોય તેમાં ગુપ્તાંગો અને ગાળોનો ઉલ્લેખ થાય તો જ તે સ્ટેન્ડ-અપ કોમેડી કહેવાય. એ યુવાનો – યુવતીઓનાં મા-બાપો પણ એ જરૂર જોતા હશે. પત્રકાર, તબીબ, લેખિકા મહિલાઓ પણ વાતચીતમાં F અને S વર્ડનો વઘાર કરવા માંડી છે ત્યારે સુરતીઓની મોનોપોલી જોખમમાં મુકાઇ ગઇ છે.
સુરતીઓમાં અને દક્ષિણ ગુજરાતના લોકોમાં પણ અમુક પારસી ઘરોમાં ગાળો એવી રીતે ફેંકવામાં આવે છે જાણે આસપાસના લોકો, કે દૂરના લોકો પર ફૂલો ફેંકવામાં આવતા હોય. પણ કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રના લોકો સામાન્ય વાતચીતમાં ગાળો બોલતાં નથી. જો સામસામે ગાળોની શરૂઆત થાય તો સમજવું કે ગુસ્સો અને વેરઝેર હદ વટાવી ગયા છે. બાકી અમથી અમથી વાતોમાં ગાળો બોલે તેને અવિવેકી અને કુસંસ્કારી ગણવામાં આવે છે. ગાળો સાથે અમુક જ્ઞાતિ, જાતિના લોકોનો નાતો હતો પણ હવે ગાલિપ્રદાન ક્ષેત્રમાં આ વાડા ભૂસાઇ રહ્યા છે. સવાલ એ છે કે આ ગાળો બોલવા પાછળનું વિજ્ઞાન શું છે?
માણસને ગુસ્સો આવે અને ગાળો બોલવાનું શરૂ કરે ત્યારે સામેવાળાની અમુક સાચી અને ખોટી વાતો પણ જાહેર કરી દે છે. કોઇનો ભાંડો ફોડી નાખે છે. એક શિરસ્તો છે કે સારા, સંસ્કારી કહેવાતા લોકો ગાળો બોલતાં નથી અને ન જ બોલવી જોઇએ. હમણાનાં વરસો સુધી સેન્સર બોર્ડે પણ ગાળો બોલવા પર પ્રતિબંધ મૂકયો હતો. તેનો અર્થ એ કે હવે ખુદ સેન્સર બોર્ડ કુસંસ્કારી, બદતમીઝ બની ગયું છે? નેટ પર બેફામ ગાળો બોલતી ફિલ્મો અને સિરિઝો આવે છે. નેતાઓ, અભિનેતાઓ સ્ટેજ પરથી ગંદા શબ્દો બોલી નાખે છે અને TV ચેનલોએ તે માટે એક શબ્દપ્રયોગ ખાસ યોજી રાખ્યો છે. જેમ કે, ‘નેતા કે બિગડેલ બોલ.’ ટૂંકમાં ગાળો બોલવાની તરફેણમાં અને વિરોધમાં બંને પક્ષે દલીલો થઇ શકે તેમ છે.
પરંતુ હમણાં રજૂ થયેલાં સંશોધનો કહે છે કે માણસ ગાળ બોલે છે તો એના શરીરમાં ગરમી પેદા થાય છે, લડવાનો જુસ્સો આવે છે પણ અહીંથી એવું વિષચક્ર શરૂ થાય છે જેમાં ગાળો આપવાથી કે મેળવવાથી વેરઝેર વધુ કાયમી અને ક્રોધથી ભરપૂર બને છે. સિવાય કે બોલનારા સુરતીઓ હોય. સવારે તેઓનાં મનમાં કોઇ દુર્ભાવ ન હોય. ગાળો બોલવાના અમુક બીજા ફાયદા છે. ગાળ આપતા માણસને તે પાછો આપો તો શકય છે તે મોળો પડી જાય. થોડો ડરે પણ ખરો અને વાત આગળ વધતી અટકે. પણ આમ જ થાય તેની કોઇ ગેરન્ટી નથી. વાત વણસે પણ ખરી.
છતાં એ વાત પાકી કે સામે ગાળ આપીને પ્રતિકાર ન કરો તો અવશ્ય નમાલા માની લેવામાં આવે. જે બીજો ફાયદો જરૂર થાય છે તે વિજ્ઞાનીઓના કહેવા મુજબ, જયારે વ્યકિત ગાળ બોલે છે ત્યારે એના શરીરમાં ગરમી પેદા થાય છે. અમુક લોકોને ખરીખોટી સંભળાવી ગાળો બોલવા માટે પ્રેરવામાં આવ્યા. એ જ વખતે તેઓએ અસહ્ય બરફવાળા ઠંડા પાણીમાં હાથ રાખવાના હતા. જયારે તેઓ ગાળો બોલી રહ્યા હતા ત્યારે ઠંડા પાણીમાં હાથ બોળી રાખવાની તેઓની ક્ષમતા ચાલીસ સેકન્ડ જેટલી વધી ગઇ હતી. સામાન્ય સંજોગોમાં, ગાળો બોલ્યા વગર તેઓએ જેટલો સમય હાથ બોળી રાખ્યા હતા તેના કરતા ગાળો બોલવાની સાથે ચાલીસ સેકન્ડ વધુ ટકી રહ્યા હતા. તેનો અર્થ એ પણ ખરો કે ગાળો બોલવાથી માણસની પીડા અથવા ત્રાસ સહન કરવાની શકિતમાં વધારો થાય છે.
આથી જ કયારેક અચાનક કંઇક વાગી જાય ત્યારે ઘણાના મુખમાંથી ગાળો નીકળી જાય છે. અમારા એક ભાઇને દાંતનો અસહય દુખાવો થયો ત્યારે, અન્યથા કયારેય બોલતા ન હતા એવી ગાળો બોલવા માંડયા હતા. UK ની કીલ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ (નવી પેઢી સકાયાલોજિસ્ટ બોલે છે, ગાળ આપવાનું મન થઇ જાય) રિચાર્ડ સ્ટીફન્સ દ્વારા પીડાના શમન માટે લાગણીસભર અથવા સંવેદનશીલ ભાષાના યોગદાન બાબતે સંશોધનો થયા છે. એમણે જ આઇસવોટરમાં યુવાનોને હાથ રખાવી, ગાળો બોલાવી હતી. વિજ્ઞાનીઓ કહે છે કે મોટાભાગે લોકો આસપાસ કોણ છે તે ધ્યાનમાં રાખીને ગાળો બોલે છે. જેમ કે અજાણ્યાઓની વચ્ચે ગાળો નહીં બોલે. પણ પોતાના જૂના જોડીદારો, મિત્રો, સગાંઓ વચ્ચે ગાળો બોલશે. આથી મિત્રોમાં એક ગાલી મિત્રોનો પ્રકાર છે. જેઓ મળે ત્યારે ગાળોમાં જ વાત કરે. તેઓની વચ્ચેના વિશ્વાસ અને ભરોસાનું અને એ રીતે પ્રેમ-લાગણીનું આ પ્રતીક છે.
જયારે આસપાસની સ્થિતિ ડરામણી હોય ત્યારે પણ લોકો વધુ ગાળો બોલે છે. કૈલાસ પંડિત જેવા કવિ સારી ભાષામાં વાત કરવા માંડે ત્યારે સમજવું કે એને દારૂ ચડી ગયો છે. પણ બાકીના ડરના સમયમાં ગાળો બોલે તે હમણાં કોરોના કાળમાં વધુ સ્પષ્ટપણે સમજાયું. લોકોના આસપાસના લેખિત અને મૌખિક સંદેશાવ્યવહાર અને વાતચીતમાં, છેલ્લા અઢાર મહિનામાં અપશબ્દોનો વપરાશ ૪૧ % જેટલો વધી ગયો છે. ગાળો એ હતાશા અને ફ્રસ્ટ્રેશન પણ વ્યકત કરે છે. ‘Oh Shit !’ બોલવાનું સામાન્ય અને હવે કદાચ આઉટ ઓફ ફેશન બની ગયું છે. એક માતાએ પોતાનો અનુભવ લખ્યો છે કે એના બે ટીનેજર પુત્રો કોરોના કાળમાં ઘરે હતા અને વાતવાતમાં એક વર્ડ બોલવા માંડયા. આથી માતા એમને સમજાવવા ગઇ અને જાતે જ બોલી પડી કે, ‘તમે શું આ F વર્ડ F વર્ડ માંડયું છે? પોતે જ ગાળો બોલી ગઇ.
હમણાં zoom કોન્ફરન્સોમાં મુખ્ય વિષય ચાલે ત્યારે લોકો ગાળો નથી બોલતા પણ વારંવાર આવી મીટિંગો યોજયા બાદ લોકોમાં અનૌપચારિકતા વધી ગઇ, ઓળખાણ પણ થઇ અને મિટિંગ પૂરી થયા બાદ અન્ય વાતો કરે તો તેમાં ગાળો પણ આવતી થઇ ગઇ. Facebook પર ગાળોનો વપરાશ ૪૧% વધી ગયો છે તો Twitter પર ૨૭% વધ્યો છે. આ અહેવાલ સ્ટોરીફુલ નામની એક ન્યૂઝ અને ગુપ્તચર કંપનીએ આપ્યો છે. ઘણી કંપનીઓએ પોતાના સોફટવેરમાં ‘કલીનસ્પીક’ જેવાં, વાતચીત અને સંદેશા વ્યવહારમાંથી ગાળોને ગરણી વડે ગાળીને રજૂ કરતા એપ્લિકેશનો ગોઠવ્યાં છે. તમે ગાળો લખો કે બોલો તે દૂર થઇ જાય. કલીનસ્પીકનું કહેવું છે કે ગાળીને દૂર કરવામાં આવેલા શબ્દ – કચરાનું પ્રમાણ છેલ્લાં ૧૮ (અઢાર) મહિનામાં ત્રણ ગણું વધી ગયું છે.
અમેરિકામાં થોડાં વરસો અગાઉ વિક્રમ યોગા નામની નવતર યોગપધ્ધતિ મૂળ ભારતના વિક્રમ ચૌધરીએ બહાર પાડી હતી. ભરચક હોલમાં એ યોગનું શિક્ષણ આપવાની સાથે તાલીમાર્થીઓને ગંદી ગાળ વડે સંબોધતો હતો અને એના કલાસ ચિક્કાર જતા હતા. ઘણી ફિલ્મો એટલા માટે ચાલે છે કે તેમાં ગાળો ભરપૂર હોય છે? તો શું ગાળો લોકોને આકર્ષક લાગે છે? પરંતુ કામકાજાના સ્થળે એટિકેટ જાળવવાનું શિક્ષણ આપતા ટયુટરો અપશબ્દો ઉચ્ચારવાની સખત મનાઇ ફરમાવે છે. સામે વાળાના મનમાં થોડો પણ દુર્ભાવ, તિરસ્કાર પેદા કરવાથી કોઇ ફાયદો નથી. છતાં અમુક દલીલ કરે છે કે જો વિવેકબુદ્ધિ સાથે, જરૂરી હોય ત્યાં ગાળો બોલાય તો તમારી તકલીફ તરફ લોકોનું ધ્યાન ખેંચી શકાય છે. પરંતુ ગાળ બોલવાની જ મોટી તકલીફ હોય તો શું કરવું?