નાના હતા ત્યારે કાળા ડિબાંગ આકાશ તરફ આશ્ચ્રર્યથી ઉઘાડા મોં અને પહોળી થઈ ગયેલી આંખે દૂર દૂર વિસ્મયથી આપણે બધા તાકી રહેતાં પેલાં ટિવંકલ ટિવંકલ લિટલ સ્ટાર્સને.. બા કે દાદીમા અંતરિક્ષમાં ઝબૂક ઝબૂક થતાં તારા-નક્ષત્ર તરફ આગંળી ચીંધીને કહેતાં:‘આ છે ધ્રૂવનો અચળ તારો ને આ છે રોહિણી નક્ષત્ર…’.સમય વીતતો ગયો તેમ બાળસહજ વિસ્મયમાં જ્ઞાન ઉમેરાતું ગયું અને ધરતી પરથી તારા-નક્ષત્રને સમીપથી જોવાં -ઓળખવા માટે ટેલિસ્કોપ-દૂરબીનથી લઈને પ્લેનેટેરિયમની ભૂમિકા પણ સમજાતી ગઈ ને આકાશદર્શન ધીરે ધીરે સ્પષ્ટ થતું ગયું .એ પછી તો કરોડો માઈલ દૂરના તારાદર્શન માટે માનવીએ અંતરિક્ષમાં ગોઠવી દીધેલા જંગી ટેલિસ્કોપની પણ અદભૂત કામગીરી જાણીને અવાક થઈ જવાયું…. આવા એક વિરાટ ટેલિસ્કોપ ‘હબલ’ની ખગોળ જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રે અંતરિક્ષમાં કરેલી અદભુત કામગીરી વિશે વર્ષોથી વાંચેલું-સાંભળેલું. હવે ૩૧ વર્ષ બાદ એ ‘રિટાયર’ થાય છે અને એની જ્ગ્યા અતિ આધુનિક વિરાટ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લઈ રહ્યું છે ત્યારે એના વિશે પણ જાણવાની જિજ્ઞાસા જાગે એ સહજ છે.
અંદાજે ૧૦ અબજ ડોલરના ખર્ચે આશરે સાત ટનનું આ નવું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ હમણાં વીતેલા વર્ષના ૨૪ ડિસેમ્બરના દિવસે લૉન્ચ થયું અર્થાત અંતરિક્ષમાં વહેતું થયું તો‘હબલ’ અને ‘જેમ્સ વેબ’ સ્પેસ ટેલિસ્કોપ બન્ને વચ્ચે શું સમાનતા છે અને નવું સ્પેસ ટેલિસ્કોપ અગાઉના કરતાંય કેટલું વધું આધુનિક અને કેવી કેવી વિશેષ કામગીરી એ બજાવશે ઉપરાંત આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના આકાશ-અંતરિક્ષમાં આગમનથી માનવીની ખગોળ શોધ-સંશોધનમાં એ કેટલું ફાયદાકારક નીવડશે,ઈત્યાદિ જેવી બધી જ જિજ્ઞાસાના જવાબ અહીં ખાસ પ્રશ્નોત્તરી રૂપે આપણને મળશે મુંબઈ ‘નહેરુ પ્લેનેટેરિયમ’ના પૂર્વ વડા ડૉ. જે.જે.રાવલ પાસેથી….
ખગોળશાસ્ત્રમાં અનન્ય પ્રદાન માટે માત્ર ભારત જ નહીં, વિશ્વભરમાં પંકાયેલા ૭૯ વર્ષીય આ ખગોળવિજ્ઞાની રાવલસાહેબ અહીં ઉપગ્રહ -અવકાશયાન અને અંતરિક્ષમાં રહેલાં વેધશાળા જેવાં ‘હબલ’ તથા લૅટેસ્ટ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિશે પણ ઘણી રોચક માહિતી આપે છે,જેમકે…, પ્રશ્ન : ખગોળવિજ્ઞાનમાં ઉપગ્રહ – અવકાશયાન અને આવાં અવકાશી ટેલિસ્કોપ કેટલી હદે ઉપયોગી નીવડે? ઉત્તર : ખગોળ કે કોઈપણ વિજ્ઞાનમાં થિયરી ભવિષ્યનો માર્ગ દર્શાવે,પણ હકીકત તો નિરીક્ષણ થાય તો જ એ થિયરી ન રહેતાં ચોક્કસ સિદ્ધાંત બને.
હવે વાત રહી ખગોળવિજ્ઞાનમાં ઉપગ્રહ-યાન અને ટેલિસ્કોપની. અંતરિક્ષના પદાર્થો આપણી ધરતી-પૃથ્વીથી લાખો માઈલના અંતરે છે એટલે એનું ઘેરબેઠાં નજીક દર્શન -નિરીક્ષણ ટેલિસ્કોપ દ્વારા જ થઈ શકે. જો કે ચંદ્ર કે મંગળ કે બીજા ગ્રહોની આસપાસના ઉપગ્રહોને બહુ જ મર્યાદિત રીતે દૂરબીન દેખાડી શકે. એ બધાના નિરીક્ષણ માટે માનવીએ રોકેટ-યાન દ્વારા ઉપગ્રહો જ ત્યાં મોકલવા પડે. … પ્રશ્ન : ‘હબલ’ કેવું હતું અને તાજેતરમાં અંતરિક્ષના દ્રશ્યમાં પ્રવેશ્યું છે એ ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ કેવું છે? ઉત્તર : ૩૦ વર્ષ પહેલાં ૨ અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલું ‘હબલ‘ આજે પણ એને સોંપેલી કામગીરી બજાવી રહ્યું છે,પરંતુ એને જે જમાનામાં લૉન્ચ કરવામાં આવ્યુ હતું એનાં આટલાં વર્ષોમાં અંતરિક્ષ સંશોધનમાં લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. સમગ્ર બ્રહ્માંડનો સિનારિયો બદલાય રહ્યો છે એટલે હબલને ધીરે ધીરે નિવૃત કરીને અતિ આધુનિક જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને અનેકવિધ કામગીરી માટે તાજેતરમાં તરતું મૂકવામાં આવ્યું છે.
હવે ‘હબલ’ ટેલિસ્કોપે બજાવેલી એની ભૂમિકાની- ઉપયોગિતાની વાત કરીએ તો આપણા ૩૧ વર્ષ જૂનાં ‘હબલ’ની કેટલીક મર્યાદા હોવા છતાં એણે ખગોળીય નિરીક્ષણોમાં ઈતિહાસ રચ્યો છે.અત્યાર સુધીમાં એણે અનેક ગેલેક્સી (મંદાકિની)- અનેક તારાના જન્મસ્થાન-નિહારિકા-તારાના વિસ્ફોટ-ગુરુના ગ્રહ પર ધૂમકેતુનું ખાબકવું,વગેરે ઐતિહાસિક અવકાશી ઘટનાઓના દસ્તાવેજી પુરાવા સાથે ‘હબલ’ એનો સાક્ષી રહ્યો છે.…
બીજી તરફ, બ્રહ્માંડમાં નવું નવું શું ચાલી રહ્યું છે એ જાણવાની માનવીની ‘ભૂખ‘ બળવત્તર થઈ રહી છે. એને જબરી જિજ્ઞાસા છે કે કયા નવા ગ્રહોમાં માનવી જેવાં જીવ વસે છે-પૃથ્વી પછી બીજે કયાં વસી શકાય… અને આવાં સંશોધન માટે ખગોળશાસ્ત્રી-વિજ્ઞાનીઓને ‘હબલ‘ કરતાં પણ અતિ શક્તિશાળી ટેલિસ્કોપની જરૂર હતી અને છે.અને આમ અંતરિક્ષના તખ્તા પર એક નવા દૂરબીનનો પ્રવેશ થયો. કેનેડા તેમજ યુરોપની અન્ય સ્પેસ એજન્સીઓના સહિયારા પ્રયાસથી લૉન્ચ થયેલું આજની તારીખે વિશ્વનું સૌથી પાવરફુલ જેમ્સ વેબ ટેલિસ્કોપ અમેરિકાની સ્પેસ સંસ્થા ‘નાસા’નું આ અતિ મહત્ત્વાકાંક્ષી મિશન છે. ‘હબલ’ને ૧૯૯૦માં વહેતું કર્યા પછી આ નવા ટેલિસ્કોપનું આયોજન છેક ૧૯૯૬થી શરૂ થઈ ગયું હતું અને એની તૈયારીમાં ૨૯થી વધુ દેશના પ્રત્યક્ષ-પરોક્ષ રીતે હજારો વિજ્ઞાનીઓ તેમજ ટેક્નિશ્યનો સંકળાયેલા છે.અત્યારની ટીમમાં ’નાસા’ના પ્રોગ્રામ સાયન્ટિસ્ટ તરીકે મૂળ ભારતીય એવાં લખનૌના હસીમા હસન પણ છે!
આશરે ૧૧ હજાર કિલોગ્રામના ‘હબલ’ની સરખામણીએ ૭ ટન વજન ધરાવતું જેમ્સ વેબ ટેલિસ્કોપ ૧૦ અબજ ડોલર(અંદાજે રુપિયા ૭૪ હજાર કરોડ!) ના ખર્ચે તૈયાર થયું છે. આ લૉન્ચ થયેલું સ્પેસ ટેલિસ્કોપ એકાદ મહિનામાં પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના અંતરે અવકાશમાં નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થિર થયા પછી છએક મહિનામાં એ વ્યવસ્થિત રીતે એની કામગીરી શરૂ કરશે. ‘હબલ’ ના સ્પેસ કેમેરાના લેન્સ જે જે દ્રશ્ય ઝીલી શકે છે એથી અનેક દૂરની ઓબજેક્ટ- પદાર્થ પીંડની છબી જેમ્સ વેબ ટેલિસ્કોપનાં ચાર ઈન્ફ્રારેડ કેમેરા ઝડપી લે એવાં શક્તિશાળી છે. બીજા શબ્દોમાં કહીએ તો એ ગેસયુક્ત વાદળોની આરપાર રહેલી પદાર્થની ઈમેજ આબેહૂબ ઝડપીને ધરતી પર આપણા ખગોળ વિજ્ઞાનીને પહોંચાડી શકે છે. આ છબીઓની ખાસિયત એ હશે કે આ નવા ટેલિસ્કોપના ઈન્ફ્રારેડ કેમેરા પ્રત્યેક છબીને અલગ અલગ ૮ એન્ગલથી ઝડપીને એ બધાને ભેગી કરી એક તસ્વીર બનાવશે,જેથી આપણા સંશોધનકારોને વિશેષ માહિતી પ્રાપ્ત થશે.
આ જ રીતે, ચન્દ્ર કરતાં ચાર ગણાં અંતરે સેટ થયેલું આ જેમ્સ વેબ ટેલિસ્કોપ ઈનફ્રારેડ કિરણો-તરંગોને પકડી શકે છે-ભેદી શકે છે-ઉકેલી પણ શકે છે. આમ અંતરિક્ષનાં અનેક પડળ વીંધીને લાખો માઈલના અંતરે બ્રહ્માંડમાં રહેલા અન્ય ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરીને ત્યાં પણ જીવન છે કે નહીં એની શક્યતા જાણશે અને એનું તાત્કાલિક પૃથક્કરણ કરશે. આમ કરીને મેળવેલી વિભિન્ન માહિતીને લીધે માનવી આ નવા ટેલિસ્કોપ દ્વારા ૧૩.૫ અબજ વર્ષ પહેલાં અંતરિક્ષમાં બનેલી ‘બિગ બેંગ’- જબરા વિસ્ફોટ સાથે બર્હ્માંડનું સર્જન થયું એ અને એના જેવી બીજી અનેક ઘટનાઓની તપાસ કરી-તાગ મેળવી બ્રહ્માંડના ભેદ-ભરમ ઉકેલીને આપણને અવાક કરી દેશે… અને એટલે જ આગામી ૨૦ વર્ષ સુધી પૂર્ણ રીતે કાર્યરત રહેનારું જેમ્સ વેબ ટેલિસ્કોપના ઈન્ફ્રારેડ કેમેરાએ પ્રથમ ૪૦ દિવસમાં બ્રહ્માંડમાં ઝડપેલી એની પહેલી તસવીર ધરતી પર ક્યારે મોકલે છે એની જગતભરના ખગોળ વિજ્ઞાનીઓ – ગ્રહોની ગતિ-વિધિમાં રસ લેનારા સંશોધનકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.