સુરત: (Surat) સુમુલ ડેરીના (Sumul Dairy) વર્તમાન વાઇસ ચેરમેન અને પૂર્વ ચેરમેન રાજેશ પાઠક સામે 1000 કરોડની લોન લઈ જુદા જુદા પ્રોજેક્ટના નામે ભ્રષ્ટાચાર (Corruption) થયો હોવાનો આરોપ મૂકી માજી સાંસદ અને સુમુલના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે તા.9/6/2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે પાનાંનો પત્ર લખી તપાસની માંગ કરી હતી. આ ફરિયાદના દોઢ વર્ષ પછી વડાપ્રધાન કાર્યાલય (PMO Office) દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને ફરિયાદની વિગતો મોકલી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. જેથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રાજ્યના સહકાર વિભાગના અગ્ર સચિવને નોંધ સાથે આરોપપત્ર મોકલતાં સ્ટેટ કો.ઓપ.રજિસ્ટ્રારના આદેશથી સુરતના જિલ્લા રજિસ્ટ્રારે સુમુલના વહીવટી વિભાગ પાસે આક્ષેપો અંગે વિગતવાર ખુલાસો માંગ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સુમુલની ચૂંટણી પહેલાં ભાજપનાં બંને જૂથ દ્વારા સામ સામી આક્ષેપબાજી થઇ હતી. માનસિંહ પટેલે 1000 કરોડના પ્રોજેક્ટમાં ગેરરીતિનો આક્ષેપ વડાપ્રધાનને મોકલેલી ફરિયાદમાં કર્યો હતો. બીજી તરફ રાજુ પાઠક જૂથ દ્વારા માનસિંહ પટેલ સામે મહુવા સુગર ફેક્ટરીનો ભંગાર બારોબાર વેચી નાંખવા અને ખાંડ નિયામકની કાર્યવાહીના મુદ્દા ઉઠાવ્યા હતા. જો કે, બંને જૂથ વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સમાધાન કરાવી માનસિંહ પટેલને ચેરમેન અને રાજુ પાઠકને વાઈસ ચેરમેન પદનો મેન્ડેટ આપ્યો હતો. એ પછી માનસિંહ પટેલે પત્રકારોને ખુલાસો કરતાં કહ્યું હતું કે, પાઠક સામે ભ્રષ્ટાચારની નહીં, પરંતુ 1000 કરોડના પ્રોજેક્ટમાં અનિયમિતતાની ફરિયાદ હતી. તે અંગેની ગેરસમજ દૂર કરી સાથે મળીને ડેરી અને ગરીબ પશુપાલકોનો વિકાસ કરવાની ખાતરી આપી હતી.
માનસિંહ પટેલે વડાપ્રધાનને આ ફરિયાદ કરી હતી
અમે વર્ષોથી સુરત, તાપી જિલ્લામાં અને ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આદિવાસી ઉત્થાનનાં કામો ભારતીય જનતા પક્ષના અને સરકારના માધ્યમથી કરી રહ્યા છીએ. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકારી ક્ષેત્રમાં રાજુભાઈ પાઠકનો પ્રવેશ થતાં સુરતની સુમુલ ડેરીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી ગરીબ પશુપાલક અને આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે. આર્થિક તાકાતથી સરકારના સહકાર વિભાગને ગુલામ બનાવવામાં આવી રહ્યું છે. સરકાર અને સંસ્થાના અધિકારી-કર્મચારી અને પદાધિકારીઓને ખરીદી લઈને બધાને મૌન બનાવી લીધા છે. જે સંસ્થા કે જેમાં કરોડો રૂપિયાની બચત થાપણો હતી તે વા૫રી રૂ.૧૦૦૦ કરોડ ઉપરાંતની લોન લઈ કરોડો રૂપિયાનું વ્યાજનું ભારણ સંસ્થાને અર્થાત ગરીબ પશુપાલકો શોષિત બનાવ્યા છે. એમના સરમુખત્યારી શાસનને કારણે ફરિયાદીને સત્તાના જોરે હેરાન કરી (વહીવટદારો મૂકી) મૌન બનાવી દીધા છે. કરોડોના નવા નવા પ્રોજેક્ટો પોતાની પ્રતિભા ઊભી કરવા પ્રયાસ કરી રહ્યા છે. જેનું આર્થિક ભારણ ગરીબ પશુપાલકોના ભોગે થઈ રહ્યું છે. ભારતીય જનતા પક્ષ અને સરકારના નામે ફિલ્મી સ્ટારોના કાર્યક્રમ મુખ્યમંત્રીના કાર્યક્રમો કરી ભોળી પ્રજા, આદિવાસી પ્રજાને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે.