સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ માં થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. તેમની યાદશકિત અદ્ભુત હતી. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમના પિતાશ્રી વિશ્વનાથ દત્ત વકીલ હતા. માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમની એક જ અદમ્ય ઇચ્છા હતી અને તે ઇશ્વરને જોવાની. એમને રામકૃષ્ણ પરમહંસ ગુરુ તરીકે મળ્યા. ભગવદ્ ગીતામાંથી તેમણે પોતાના જીવનને ઉન્નત બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમનું સમગ્ર વ્યકિતત્વ ભારતીયતાના રંગે રંગાયેલું હતું. તેમણે કહેલું કે તમે એ ન ભૂલશો કે અજ્ઞાની, દરિદ્ર અને દલિત લોકો પણ તમારા જ ભાઇઓ છે. તેઓ કહેતાં કે હું ઇશ્વરની ઉપાસનામાં માનતો નથી. જે ધર્મ કોઇ વિધવાના આંસુ લૂછી ન શકે અથવા તો ભૂખથી ટળવળતા કોઇ માણસને રોટલાનો ટુકડો આપી ન શકે તે વાસ્તવમાં ધર્મ નથી. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભગવાન પોથી – પુરાણોમાં નથી, ધાર્મિક પુસ્તકોમાં નથી, પરંતુ ગરીબોમાં છે. શિક્ષણ વિશે તેઓ કહે છે કે જે દેશમાં શિક્ષણની ઉપેક્ષા કરવામાં આવે છે તે દેશનું ભવિષ્ય અંધકારમય હોય છે. ભારતના નવનિર્માણ માટે સ્વામીજીએ યુવાનોને આ મંત્ર આપ્યો ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો.’ ૧૮૯૩ ના સપ્ટેમ્બર માસમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં એમના પ્રભાવશાળી ભાષણ બાદ તેઓ વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા. માત્ર ૩૯ વર્ષની ઉંમરે જ જુલાઇ ૧૯૦૨ માં તેમનું મૃત્યુ થયું. તેઓ હાઇબ્લડ પ્રેસર, ડાયાબિટિસ, લીવર અને કિડનીના રોગોથી પીડાતા હતા.
સુરત- ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સ્વામી વિવેકાનંદ
By
Posted on