ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દલિતોના પગ ધોઇ તેમને ત્યાં ભોજન લીધું. આ વિષે ખૂબ જ યોગ્ય સમજ આપતી અને રાજનેતાઓ પર આડકતરી રીતે કટાક્ષ કરતી પોતાની કોલમ લાઇવ વાયરમાં તા. 15-12-‘21’ના રોજ ખૂબ જ સુંદર વિચાર રજૂ કર્યો છે. જે રાજનેતાઓ સાથે બધાંએ સમજવા જેવું છે. ભારતમાં જૂના જમાનાથી જ્ઞાતિ પ્રથા પ્રબળ ચાલતી આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. બ્રાહ્મણે પોતાને સર્વોચ્ચ ગણાવ્યા અને બધી જ્ઞાતિ કરતાં જ્ઞાની ગણાવ્યા. ક્ષત્રિય એટલે કે લડાયક જ્ઞાતિ જે શસ્ત્રો ચલાવવામાં નિપુણ, વૈશ્ય એટલે વ્યાપારી. જે પણ પોતાને બ્રાહ્મણથી બીજી કક્ષામાં મૂકતા હતાં. છેલ્લે રહ્યા તે ક્ષુદ્ર. ગામની સાફ સફાઇ કરે, સંડાસમાંથી મેલું ઉપાડે, ઉકરડે નાંખે તે ક્ષુદ્ર. આમાં બ્રાહ્મણ કોઇ પણ ત્રણ કક્ષામાંથી પોતાનો રોટીબેટી વ્યવહાર ન રાખે અને પોતે પૂજા-અર્ચન કરે એટલે ઇશ્વરની નજીક ગણાવી પોતાને ઉચ્ચ કક્ષામાં ગણાવે.
જેમ જેમ વૈજ્ઞાનિક વિકાસ થતો ગયો તેમ તેમ બ્રાહ્મણ સાથે બીજી જ્ઞાતિનાં પણ જ્ઞાન લેવા માંડયા, ઉચ્ચ કક્ષાનું ભણતર કરવા માંડયા અને ધીમે ધીમે કક્ષાઓ ભૂંસાવા માંડી. રોરી-બેટી વ્યવહાર ચારેચાર વર્ગમાં થઇ ગયો છે. રાજકારણીઓએ આ દલિતોનાં ઘરે જમવાનાં નાટક કરવા માંડયાં. જેથી તેઓને દલિતો મત આપે. શરૂઆત રાહુલ ગાંધીથી થઇ હતી. ચૂંટણીઓ વખતે તેણે આ દલિતોને ત્યાં ભોજન લેવાનું શરૂ કર્યું હતું. પગ ધોવાનો કાર્યક્રમ હાલમાં જ શરૂ થયો તેમાં ગુજરાતના મુખ્ય પ્રધાને શરૂઆત કરી. પરંતુ જે કરવાનું છે તે નથી.
ચૂંટણીલક્ષી રાજમત … કરતાં ખરેખર તો દરેક પક્ષનાં કાર્યકરોએ દેશનાં સાચા વિકાસ વિષે સમજ આપવી જોઇએ. ફકત ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યો કરવાં ન જોઇએ! ભારત દેશમાં શિક્ષણનો અભાવ એ એક બહુ મોટો દોષ છે. મહાત્મા ગાંધીજીની વિચારધારા પ્રમાણે ભારતનો એકે એક નાગરિક શિક્ષણ મેળવે અને જીવનલક્ષી કેળવણી મેળવે તે વાત જે પણ ગાંધીજીની વિચારધારા પ્રમાણે પોતાને ગણાવતો હતો તે કોંગ્રેસે પણ અમલમાં મૂકી નથી. ભાજપ જેમાંથી બન્યો છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નીતિ પણ અપનાવી શકયો નથી. સંઘમાં તમને એક પણ વ્યકિત જુદી જુદી જ્ઞાતિનો નજર આવશે નહીં. બધા સરખા જ દેખાશે. સંઘમાં ખાસ કાર્યક્રમ હોય છે, જેમાં સેવકો એકબીજાને ત્યાં જમવા જાય છે. તેમાં જ્ઞાતિવાદ નડતો જ નથી. સંઘના સ્વયંસેવકોને લાગતું જ નથી કે હું દલિતને ત્યાં જમવા ગયો કે મેં દલિતોને ભોજન માટે પોતાને ત્યાં બોલાવ્યાં. ભાજપે પણ બીજાની જેમ ચૂંટણીલક્ષી રાજમત બંધ કરી પોતાના મૂળ સંઘને આદર્શ ગણી કાર્યક્રમો યોજવા જોઇએ તો જ બીજા બધાં પક્ષો કરતાં જુદો પડશે અને લોકો માનની દ્રષ્ટિથી જોશે!
સુરત -ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.