ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોનાના (Corona) કેસો વધી જતાં હવે રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Ministry) દ્વારા સોમવારે ઉતરાયણના (Uttarayan) તહેવારના મામલે નવી ગાઈડલાઈન (Guideline) બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને સોસાયટી કે ફલેટના ધાબા (Terrace) પર ફલેટના રહીશો સિવાય બહારના મહેમાનોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ રહેશે, જો આ રીતે પ્રવેશ અપાયો તો સોસાયટીના કે ફલેટના કારભારીઓ સામે પગલે લેવાશે.
આ નિયમોનું પાલન કરવાનું રહેશે
- માસ્ક પહેર્યા વિના બેઠાં મકાન કે એપાર્ટમેન્ટના ટેરેસ પર જઈ શકાશે નહીં
- સોસાયટી કે એપાર્ટમેન્ટના ટેરેસ પર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
- મોટી સંખ્યામાં ટેરેસ પર લોકો એકત્ર થઈ શકશે નહીં
- ડીજે કે મ્યૂઝીક સિસ્ટમ વગાડી શકાશે નહીં
- કોમી લાગણી દુભાય તેવા લખાણ પતંગ પર લખી શકાશે નહીં
- 10 વર્ષથી ઓછી અને 65થી વધુ ઉંમરના લોકોના ટેરેસ પર ચઢવાની મનાઈ
- ગુજરાતના આઠ મહાનગરો અને આણંદ-નડિયાદમાં રાત્રિ કરફ્યૂનો અમલ
- પોલીસ ડ્રોનથી સતત વોચ રાખશે
- નિયમનું ઉલ્લંઘ કરવાના કિસ્સામાં સોસાયટીની કમિટી સામે કાર્યવાહી કરાશે
ગૃહ વિભાગના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, માસ્ક પહેર્યા વિના ફલેટ કે સોસાયટીને ધાબા પર એકત્ર થઈ શકાશે નહીં. મકાન, ફલેટ, બંગલા કે સોસાયટીના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકશે નહીં કે ડીજે કે મ્યૂઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં. કોમી લાગણી દુભાય તેવા લખાણ પતંગ પર લખી શકાશે નહીં. 65 વર્ષથી વધુ વયના લોકો તેમજ 10 વર્ષથી ઓછી ઉમરના લોકોએ ધાબા પર ચડવું નહીં, રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાતં આણંદ અને નડિયાદમાં રાત્રી કફર્યુનો કડક હાથે અમલ કરવાનો રહેશે તેમજ પોલીસે જરૂરત પડે મહાનગરોમાં કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો રહેશે.
રાજ્યમાં કોરોનાના નવા 6097 કેસ : સુરત-રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક દર્દીનું મૃત્યુ
સોમવારે તા. 10 જાન્યુઆરી 2022ના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 6097 નોંધાયા હતા. જ્યારે સુરત ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્યમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું હતું. આ સાથે રાજ્યમાં કુલ 10,130 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. સોમવારે એક્ટિવ કેસની સંખ્યા 32469 પહોંચી છે. જેમાં 29 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સાથે જ 32440 દર્દી સ્ટેબલ છે. બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1539 દર્દી સાજા પણ થયા છે. આ સાથે રાજ્યમાં રિકવરી રેટ 95.09 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે
રાજ્યમાં સોમવારે કોરોના સૌથી વધુ કેસ અમદાવાદ મનપામાં 1893 નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં કેસોની સંખ્યા જોઈએ તો સુરત મનપામાં 1778, વડોદરા મનપામાં 410, વલસાડમાં 251, રાજકોટ મનપામાં 191, ગાંધીનગર મનપામાં 131, ખેડામાં 126, સુરત ગ્રામ્યમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગર મનપામાં 93, આણંદમાં 88, ભરૂચમાં 78, ગાંધીનગર ગ્રામ્ય 64, વડોદરા ગ્રામ્યમાં 60, રાજકોટ ગ્રામ્યમાં 58, મોરબીમાં 51, જામનગર મનપામાં 47, જૂનાગઢ મનપામાં 33, અમદાવાદ ગ્રામ્યમાં 30, ગીર સોમનાથમાં 27, પંચમહાલમાં 25, દાહોદમાં 24, અમરેલીમાં 23, અરવલ્લીમાં 21, સુરેન્દ્રનગરમાં 19, બનાસકાંઠામાં 18, પાટણમાં 17, ભાવનગરમાં 15, મહીસાગરમાં 15, તાપીમાં 13, જામનગર ગ્રામ્યમાં 11, જુનાગઢ ગ્રામ્યમાં 11, નર્મદામાં 11, દેવભૂમિ દ્વારકામાં 10, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 3, બોટાદમાં 1 નવો કેસ નોંધાયો છે. જ્યારે ડાંગ અને પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં એક પણ નવો કેસ નોંધાવા પામ્યો નથી.
રાજ્યમાં વધુ 3.82 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું
રાજ્યમાં સોમવારે વધુ 3.82 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 150993 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 12487 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 26469 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 68047 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 72015 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 52256 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,35,01,594 લોકોને રસી આપવામાં આવી છે.