સુરત: (Surat) કરોડપતિ ભજીયાવાલા ફેઈમ કિશોર ભજીયાવાલાના (Kishor Bhajiyawala) પુત્ર વિલાસ મોટા વરાછામાં ધંધાના વ્યવહારના 1 કરોડની ઉઘરાણી માટે ગયો હતો. પરંતુ ત્યાં ત્રણેક જણાએ તેને ઓફિસમાં (Office) ગોંધી રાખી મારમારી 20 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ અંગે અમરોલી પોલીસે (Police) ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.
- મોટા વરાછાની ઓફિસમાં વિલાસ ભજીયાવાલા અને તેના મિત્રને ગોંધી રાખી માર મારી 20 લાખ રૂપિયા મંગાયા
- વિલાસ બિલ્ડરને આપેલા એક કરોડ રૂપિયાની ઉઘરાણી કરવા ગયો હતો
- મોટા વરાછા, રાધીકા ઓપ્ટિમા કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં સાંજે પાંચેક વાગે હાર્દિક સુતરિયાએ વિલાસને ધંધાકીય લેવડદેવડના પૈસાનો હિસાબ કરવા માટે બોલાવ્યો હતો
ઉધના ખાતે ગાયત્રી સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિલાસ કિશોર ભજીયાવાલાએ વિજય સુતરીયા (રહે., ક્રિષ્ના એવન્યુ, યમુના ચોક, મોટા વરાછા), હાર્દિક સુતરિયા (રહે., આમ્રકુંજ સોસાયટી, યોગી ચોક, પુણાગામ) તથા અભિષેક ઉર્ફે અભી જીરા સામે ફરિયાદ નોંધાવી હતી. ગત તા.31 ડિસેમ્બરે મોટા વરાછા, રાધીકા ઓપ્ટિમા કોમ્પ્લેક્સમાં આવેલી એક ઓફિસમાં સાંજે પાંચેક વાગે સુમારે હાર્દિક સુતરિયાએ વિલાસને તથા તેના મિત્રને અગાઉના ધંધાકીય લેવડદેવડના પૈસાનો હિસાબ કરવા માટે બોલાવ્યો હતો.
હાર્દિક, વિજય સુતરિયા તથા અભી જીરાએ મળી વિલાસને તથા તેના મિત્ર રવિ નાથાણી, સલમાનને ઓફિસમાં ગોંધી રાખ્યો હતો. અને મનીષના બૈરા-છોકરા માટે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી. જો નહીં આપે તો પરિવારને હેરાન કરવાની ધમકી આપી વિલાસ તથા રવિને વિજય સુતરીયા, હાર્દિક સુતરિયા તથા અભી જીરાએ ઢીકમુક્કીનો માર માર્યો હતો. વિલાસ તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. વિલાસે આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી હતી.
હાર્દિકને કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં એક કરોડની જરૂર પડતાં ભજીયાવાલાએ રૂપિયા આપ્યા હતા
હાર્દિક કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલો છે. તેને રૂપિયાની જરૂર પડતાં તેના મિત્ર મનીષને કહ્યું હતું. મનીષે વિલાસ ભજીયાવાલા પાસેથી હાર્દિકને રૂપિયા અપાવ્યા હતા. જેમાંથી વીસેક લાખ મનીષે રાખી લીધા હતા. વિલાસ આ રૂપિયા માટે મનીષ પર દબાણ કરતો હતો. જેથી હાર્દિકે ઓફિસે બોલાવી વિલાસને જ માર માર્યો હતો.