ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ (District Collector Tushar Sumera) શનિવારના રોજ આકસ્મિક મુલાકાત લીધી હતી. કલેક્ટરે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા જોઈ જરૂરી સૂચનાઓ પણ સિવિલ હોસ્પિટલના કર્તાહર્તાઓને આપી હતી. જેથી કોરોના મહામારીના (corona pandemic) આવનારા દિવસોમાં કોઈ તકલીફ ન પડે. જિલ્લામાં કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ મહત્ત્વની હોસ્પિટલ છે. આથી ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ સિવિલ હોસ્પિટલ ભરૂચની મુલાકાત લઈ ઝીણવટભરી તમામ માહિતી મેળવી હતી.
આ તમામ માહિતી કલેક્ટરે લઈ જરૂરી દવાના સ્ટોક અંગે પણ માહિતી પણ મેળવી હતી. સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, હજી પણ આશરે 100 બેડ ઉમેરી શકાય તેમ છે. વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લાના રહીશો માસ્ક (Mask) ધારણ કરે અને સોશિયલ ડિસ્ટન્સ (social distance) જાળવે ખૂબ જરૂરી છે.
ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાની રસીકરણનું કામ ખૂબ સંતોષજનક થયું છે. જે કોરોનાને નિયત્રંણમાં લેવા મદદરૂપ સાબિત થશે. પરંતુ રસી લીધી એટલે કોરોના નહીં થાય તેવી માન્યતા રાખવી ભૂલ ભરેલી છે. કોરોના નિયંત્રણમાં રાખવા માસ્ક ધારણ કરવું પડશે તેમજ ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.
અંકલેશ્વરમાં કોરોના વધતાં માસ્ક વગર ફરતા લોકોને દંડ કરાયો
અંકલેશ્વર (Ankleshwar) સહિત જિલ્લાભરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. જેને લઇ હવે જિલ્લા વહીવટી તંત્ર સહિત અંકલેશ્વર પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. દિનપ્રતિદિન કોરોના કહેર વધતાં અંકલેશ્વર પાલિકાએ શનિવારે નગરમાં માસ્ક વગર ફરતા નગરજનોને માસ્ક પહેરવાની ફરજ પડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પાલિકા ડિસ્પેન્સરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા સહિતની ટીમ ત્રણ રસ્તા સર્કલ પર દંડનીય કાર્યવાહી કરતી નજરે પડી હતી. સાથે નગરજનોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસટન્સ જાળવવા સહિત પાલિકાને સહકાર આપવા અપીલ કરી હતી.