Top News

પંજાબ પોલીસની FIR સવાલોના ઘેરામાં: PM મોદીનો ઉલ્લેખ જ નથી

ચંદીગઢ: પંજાબના (Punjab) ફિરોઝપુરમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકનારાઓ પર ફક્ત 200 રૂપિયા દંડ (Fine) ફટકારવામાં આવ્યો. પંજાબ પોલીસે કુલગઢી પોલીસ મથકમાં જે એફઆઈઆર દાખલ કરી છે તેમાં આઈપીસીની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમ હેઠળ જામીન પોલીસ સ્ટેશનથી જ મળી જાય છે અને દંડની રકમ 200 રૂપિયા હોય છે. પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર (FIR) માં કોઈ પણ આરોપીનું નામ નથી. એટલે સુધી કે તેમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવા સુદ્ધા ઉલ્લેખ નથી. ભાજપનો આરોપ છે કે પંજાબ પોલીસે (Police) ઘટનાના 18 કલાક  બાદ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં જવાની ચર્ચા થવા લાગી ત્યારે એફઆઈઆર દાખલ કરી છે.

એક બાજુ જ્યાં આ મામલે રાજકીય પક્ષો વચ્ચે ખુબ નિવેદનબાજી થઈ રહી છે ત્યાં પંજાબ પોલીસની કાર્યવાહી પર ચર્ચાએ જોર પકડ્યું છે. ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો રોકવાની સજા માત્ર 200 રૂપિયા છે. આવું એટલા માટે છે, કારણ કે પંજાબ પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાવ્યો છે એમાં IPCની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમમાં સજા 200 રૂપિયા છે. એમાં જામીન પણ પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય છે. આરોપીએ કોર્ટ સુધી પણ જવાની જરૂર નથી.

પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચરમસીમા પર છે. આ કડીમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક રેલી દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે પીએમ માટે ‘તુ’ નું સંબોધન કર્યું. તથા સોશિયલ મીડિયા ઉપર પણ વાર કરવામાં પાછળ ન હટ્યા. જણાવી દઈએ કે ગુરુવારે વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાના બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે ભટિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પ્યારેઆના ગામ પાસે ફ્લાઈઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.

પંજાબની ચન્ની સરકાર દ્વારા ઈન્સ્પેક્ટર બિરબલ સિંહના નિવેદન પર કેસ નોંધાયો છે. એમાં કહેવામાં આવ્યું છે કે તે DSP સુરિંદર બાંસલની સાથે સિક્યોરિટી રૂટ પર ફિરોઝપુર ગયા હતા. જ્યારે તે પોલીસ સ્ટેશને જઈને કૃષિ ભવનના નજીકના રૂટ પર ડ્યૂટી કરી રહ્યા હતા તો માહિતી મળી કે ફિરોઝપુરથી મોગા રોડ પર ગામ પ્યારેઆના પુલ સેમનાલા પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ ધરણાં કરી રહ્યા છે. જેને પગલે રસ્તો બંધ છે. તેઓ અઢીથી 3 વાગ્યાની વચ્ચે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, એ પછીથી અજ્ઞાત વ્યક્તિઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.

Most Popular

To Top