વ્યારા: (Vyara) સોનગઢ તાલુકાના હનુમંતીયા ગામે તા.૭મી જાન્યુઆરીએ મધ્ય રાત્રિના સમયે ઈંટના ભઠ્ઠા ઉપર કામ કરતા મધ્યપ્રદેશના એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ (Panther) હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવતાં પંથકમાં ફફડાટ ફેલાયો છે. આસપાસના ગ્રામીણ વિસ્તારના શેરડીનાં ખેતરોમાં (Farm) ત્રણથી ચાર દીપડા ફરતા હોવાની સાથે આદમખોર બનેલા આ દીપડાને લઈ ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ વ્યાપ્યો છે.
- શોધખોળ કરી તો ચાર કલાક પછી બાળકી મૃત હાલતમાં મળી આવી
- આદમખોર બનેલા આ દીપડાને લઈ ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ
સોનગઢના હનુમંતીયા ગામે ઇંટના ભઠ્ઠામાં કામ સ્થળેથી રાત્રિના આશરે ૮ વાગ્યા પછીના અરસામાં શેરડીના ખેતરમાંથી નીકળી અંધારામાં થઈને નજીકના સ્થળે પોતાની ઝૂપડીમાં વસવાટ સ્થળે ચા પીવા જતા શ્રમિક પરિવાર સાથે પાછળ આવતી માસૂમ બાળકી વૈષ્ણવીકુમારી રાહુલભાઈ ભામની પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. પરિવાર સાથે હોવા છતાં દીપડો બાળકીને ધસડીને ભાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સાદડવેલ રેંજનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શ્રમિક પરિવાર અને ગ્રામજનો સાથે તેની શોધખોળ કરતાં રહેણાકથી આશરે ૫૦૦ મીટરના અંતરે રાત્રિના આશરે ૧૨ વાગ્યાના અરસામાં ઘટનાના આશરે ચાર કલાક પછી આ છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતક બાળકીના ગળામાં દીપડાનાં નખ અને પંજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.
તા.૮ જાન્યુઆરીએ સવારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ ખાતે મૃતદેહને પીએમ માટે લાવવામાં આવ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, છેલ્લા એક અઠવાડિયાથી આ આદમખોર દીપડાએ ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવ્યો છે. ખેતરાળીમાં દેખાતા દીપડાને કારણે ખેડૂતો ખેતીમાં કામ અર્થે જતા ડર અનુભવી રહ્યા છે. હાલ વન વિભાગે માનવભક્ષી આ દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી છે, પણ જ્યાં સુધી આ દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી લોકોનો શ્વાસ તો અધ્ધરતાલ જ છે. લોકો ભયભીત હોવાથી રાત્રિના અરસામાં બહાર નીકળવાનું પણ ટાળ્યું છે.
આ કદાવર દીપડાએ બાળકીનો ભોગ લીધો હોય, માનવીનો લોહી ચાખી માનવભક્ષી બની જતાં અન્ય નિર્દોષનો શિકાર કરે એ પહેલાં આ દીપડાને તાત્કાલિક પકડવા માટે વન વિભાગે વિશેષ ટીમની રચના કરી છે. રેવન્યુ વિસ્તારમાં શેરડીનું કટિંગ ચાલુ હોય તથા જ્યાં જ્યાં ઈંટના ભઠ્ઠા હોય તે જગ્યાએ રહેઠાણ માટેની પ્રાથમિક સુવિધા ઊભી કરવા તમામ ઈંટના ભઠ્ઠાના માલિકો અને ખેડૂતોને વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
મૃતક બાળકીના પરિવારને રૂ.૫ લાખની સહાય કરાશે
સરકારના વન અને પર્યાવરણ વિભાગના તા.૫ જાન્યુઆરીના ઠરાવની જોગવાઈ મુજબ માનવ મૃત્યુના કેસમાં વ્યક્તિ દીઠ રૂ.૫ લાખની સહાય મૃતક બાળકીના પરિવારને ચૂકવવા અંગેની કાર્યવાહી વ્યારા વન વિભાગે હાથ ધરી છે.