વ્હાલા વાચકમિત્રો, આપણે જયારે નવા વર્ષમાં સંકલ્પ કરીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિમાં આપણાં સંતાનોને નૈતિક-ભાવનાત્મક સપોર્ટ પૂરો પાડી એમની સાથે રહીશું તો પ્રશ્ન થાય કે સંતાન જે વિદ્યાર્થી પણ છે શું તેના જીવનમાં શિસ્તતા કેળવાઇ રહી છે? શિક્ષણ આપણને અંધકારમાંથી અજવાળા તરફ લઇ જાય છે. જ્ઞાનરૂપી સાગરને આપણી સામે ખુલ્લો મૂકે છે પરંતુ વાલીઓની ફરિયાદો તેમ જ જાહેર જીવનમાં વિદ્યાર્થીઓમાં શિસ્તતાનો અભાવ જોવા મળે છે. હમણાં જ એક ફેમિલી ગેટ ટુ ગેધરમાં જવાનું થયું. 6 થી 10 વર્ષનાં ઘણાં બાળકો હોલમાં દોડાદોડી કરતાં હતાં. વેઇટર્સ જે વેલકમ ડ્રીંક્સ લઇને ફરતા હતા તેઓ પણ બાળકોની દોડાદોડીને લીધે વધુ સાવચેતી સાથે એમની ફરજો બજાવતા હતા કેમ કે જો ટ્રે પડે તો ગ્લાસો તૂટે અને સાંભળવાનું તો એ બિચારાને ભાગે જ આવે. કેમ કે ‘બચ્ચે તો ઐસે હી હોતે હૈ!’ની વિચારધારાવાળા વાલીઓની સંખ્યા વધી જતી હોય એવું લાગે. કલાક – બે કલાક પછી સ્ટેજ પરથી જાહેરમાં કહેવું પડયું કે ‘તમારાં બાળકોને તમારી સાથે/ પાસે બેસાડો’ કેમ કે મહત્ત્વની ઇવેન્ટ થવા જઇ રહી હતી જયાં ઓડિયન્સનું શાંતિપૂર્ણ ધ્યાન હોવું ખૂબ જ જરૂરી હતું. છતાં માતાઓએ બાળકોને ધમાલ કરવા દીધી.
એ જ વખતે મને પ્રશ્ન અને સુઝાવ પણ આવ્યો કે મોટી હોટલની બાજુમાં જો નાનું ગાર્ડન કે inhouse ગેમની સગવડ પૂરી પાડવામાં આવે તો બાળકો નચિંતથી રમી શકે પણ આ તો થર્ડ પાર્ટી સુઝાવ થયો. આનાથી બાળકોની જિંદગીમાં જાહેરમાં વર્તન બદલાવાનું નથી કેમ કે રમવું બાળકનો સ્વભાવ છે એને આપણે દબાવી ન શકીએ પરંતુ કયાં, કયારે, કેવું વર્તન કરવું એની આદત તો ચોક્કસ કેળવી શકીએ. શિસ્ત એ બાળકને શીખવવાની પ્રક્રિયા છે કે કયા પ્રકારનું વર્તન સ્વીકાર્ય છે અને કયા પ્રકારનું વર્તન સ્વીકાર્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો શિસ્ત બાળકને નિયમોનું પાલન કરવાનું શીખવે છે.
આજકાલ વાલીઓની એક વધુ ચિંતામાં વધારો થયો છે તે એ કે ‘ઓનલાઇન શિક્ષણ’ને લીધે સંતાનોને ઇન્ટરનેટ સાથેના મોબાઇલ આપવા પડયા છે. હવે મિલેનિયમ જનરેશન એટલું બધું સ્માર્ટ છે કે વાલીઓએ હાઇટેક બનવું પડે. ગયા અઠવાડિયે એક ફંકશનમાં મારી બાજુમાં ટીનએજર છોકરો-દેખાવ પરથી ખૂબ જ પૈસાદાર ઘરાનાનો લાગતો હતો, સેકન્ડના છઠ્ઠા ભાગમાં એની આંગળીઓ વોટ્સએપ, મેન એપમાં જે ચાલતી હતી સાથે જ યુ ટયુબ. મારી આંખો અને મગજ ચકાચૌંધ થઇ ગયાં. કેટલી એનર્જી, કેટલું ટેકનોલોજીનું જ્ઞાન અને કુશળતા. આવાં સ્માર્ટ સંતાનોને જો થોડીક તાલીમ અપાય તો સોનામાં સુગંધ ભળે.
ફ્રોઇડ કહે છે કે ઇડ (ID), ઇગો(Ego) અને સુપર ઇગો (Super ego) આ ત્રણ આપણી પર્સનાલીટીના ભાગ છે. ઇગો- અહમ વાસ્તવિકતાના સિધ્ધાંત પર કામ કરે છે. ઇડ આનંદના સિધ્ધાંત પર કામ કરે છે. જયારે સુપર ઇગો સમાજના વણલખ્યા ‘do’s અને don’ts’ જે ઇગો તથા ઇડને મેનેજ કરે અને વ્યકિતના વર્તનને સ્વીકાર્ય કરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે. હવે પ્રશ્ન આવે કે શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કરતા વાલીઓ ઘરમાં શિસ્તતા કેળવવામાં સજાગ છે? કે પછી ‘બાળક છે’ ની આદર્શવાદ માન્યતા ધરાવે છે? શિક્ષણ ત્યારે જ દીપે જયારે એમાં શિસ્તતા ભેળવાયેલી હોય. જિંદગીની શરૂઆત કુટુંબમાંથી થાય છે. ત્યારે જૈવિક વાલી (Biological parents)ની બાળકોમાં શિસ્તતાના પાઠો ભણાવવાની, ઘૂંટવાની તાલીમની અતિ મહત્ત્વપૂર્ણ જવાબદારી બની રહે છે.
શિસ્તનાં સાધનો
- જે માતાપિતા કે કુટુંબ કરી શકે તે અન્ય કોઇ કરી ના શકે. પર્સનાલીટીનો પાયો કુટુંબીજનો છે. માટે જ.
- # બાયોલોજીકલ જૈવિક વાલીની સાથે મનો સામાજિક ભૂમિકા અદા કરવાની માનસિકતા કેળવવી પડે.
- # પ્રેમાળ વર્તન- બાળકો નાનાં છે, મનો સામાજિક વિકાસના પંથે છે. તમે પ્રેમાળ વર્તન દાખવશો- કડકાઇ અપનાવવામાં તો પણ સહજતાથી સ્વીકારી એને સમજવાનો અને અમલ કરવાનો પ્રયત્ન કરશે.
- # મોડેલીંગ- બાળક તમે કરશો તેવું કરશે. એક વાલી દરરોજ 11-12 સુધી એપાર્ટમેન્ટમાં દોસ્તારો જોડે મેળાવડો જમાવે તો બાળક કંઇ વહેલું સૂઇ વહેલું ઊઠવાનું નથી. શિક્ષણકાર્ય ખોરંભાઇ જાય છે વારે વારે માટે જીવનમાં ફન, મસ્તી પણ સમયનું હકારાત્મક સંચાલન ખૂબ જ જરૂરી.
- # સમયનું હકારાત્મક સંચાલન- વિદ્યાર્થીને પોતાના શિક્ષણકાર્યનું સંચાલન કરતા શીખવશે. પોતાના કાર્ય પ્રત્યે સક્રિય રહી શિક્ષણ પ્રત્યે હકારાત્મક વલણ બનાવશે અને ધ્યાન કેન્દ્રિત કરવાની કુશળતા કેળવશે. આમ ‘સ્વનિયંત્રણ’, આત્મનિયંત્રણ કેળવાશે અને કુટુંબમાં, શાળામાં કે જાહેરમાં જવાબદાર નાગરિક તરીકેનું વર્તન એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરશે.
- # સમય સાથે શિક્ષણને મેનેજ કરવામાં વાલીની પ્રેમાળ અને સહાયક ભૂમિકા બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી- સંતાનના ઘડવૈયા તરીકે ગણવામાં આવે છે.
- ‘Love and Limits’ Both are required