સંતરામપુર : મહિસાગરના કડાણા તાલુકામાં એકલવ્ય મોડેલ રેસીડેનસીયલ શાળામાં ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની બે દિવસીય પ્રશીક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા ભોજન બરાબર ન મળતાની વાત બહાર આવી હતી. આ ઉપરાંત તેમની જરુરીયાતની વસ્તુઓ પણ સમયસર આપવામાં આવતી નથી. મહિસાગરના કડાણા તાલુકાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની બે દિવસીય પ્રશીક્ષણ શિબિરનું આયોજન એકલવ્ય મોડેલ રેસીડેનસીયલ સ્કુલના હોલમાં કરવામાં આવ્યું હતું. આ શિબિરના કાર્યક્રમ બાદ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે શાળાની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી. બાદમાં વિધાર્થીઓના ભોજન કક્ષની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ જોડે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ભોજન મેન્યુ મુજબ મળતું ન હોવાની વાત બહાર આવી હતી સાથે સાથે ટુથપેસટ, બ્રશ, સાબુ વિગેરે ચીજવસ્તુઓ પણ સમયસર અને નિયમિતરૂપે ન મળતી હોવાની રજૂઆત કરતા સન્નાટો મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્કૂલોની વિવિધ ખરીદીની પ્રક્રિયા જીલ્લા કક્ષાએ રચેલી કમિટિ દ્વારા ત્રિમાસિક ટેન્ડરની પ્રક્રિયા કરીને બાદ ટેન્ડર મંજુરીની પ્રક્રિયા કરીને ખરીદી માટેના ઓર્ડર અપાય છે. આ પ્રક્રિયામાં ડીલે થતાં માલસામાન સમયસર સ્કુલો પર નહીં પહોંચતા બાળકોને સુવિધાઓ આપવામાં વિલંબ થાય છે.આવી શાળાઓના વિધાર્થીઓને મેનું મુજબના ચા,દુધ, નાસ્તો અને જમવાનું સારું અને સાત્વિક પોષણ ક્ષમ મળી રહે તે માટે વિધાર્થીઓને જરુરી વસ્તુઓ નિયમિતરૂપે પુરી પાડવામાં આવે તે જરુરી છે. શાળામાં વસ્તુઓ સમયસર મળે તેની ચકાસણી કરવા પણ માંગ ઉઠી છે.