ઉમરગામ : (Umargam) સરીગામમાં યુપીવાસી પરિવારને રાત્રે રસ્તામાં આંતરી 3 શખ્સોએ મહિલાનું અપહરણ (Women kidnapped) કરી મોબાઈલ- કારની લૂંટ (Robbery) ચલાવી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી.
જુની અદાવતમાં મહિલાનું અપહરણ કરી ગયા પણ પકડાઈ જવાના ડરથી રસ્તામાં છોડી મૂકી
સરીગામ ખાતે રહેતા યુપીવાસી ઈસમ પોતાની ભાભીને પેટમાં દુ:ખાવો ઉપાડતા સારવાર માટે સરીગામની ચિત્રકૂટ હોસ્પિટલમાં મારુતિ ઝેન કારમાં લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના 12.30 વાગ્યાના સુમારે સરીગામ ફણસા રોડ નહેરના નાળા પાસે રોડ ઉપર મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ શખ્સો સુનિલ વિજય વારલી (રહે, સરીગામ પાગીપાડા), રાહુલ બાબુરાવ કામલે (રહે સરીગામ) અને સુરજ વિધાનંદ ઝા (રહે સરીગામ ઇમરાન નગર)એ આવી કારને રસ્તામાં આંતરી માર મારી ફરિયાદીની ભાભીની આબરૂ લેવાના ઈરાદે બળજબરીથી કારમાં અપહરણ કરી લઈ જઈ મોબાઈલ વગેરેની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
ફરિયાદીએ સુનિલ વિરુદ્ધ પોલીસમાં અગાઉ ફરિયાદ આપી હોય એની અદાવત રાખી આ ઘટનાને અંજામ આપ્યો હતો. રાત્રે જ આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ઠેકઠેકાણે નાકાબંધી કરી હતી. પકડાઈ જવાના ડરથી આરોપીઓએ મહિલાને નિકોલી વિસ્તારમાં છોડી મૂકી હતી અને કાર પણ મૂકીને નાસી ગયા હતા. ભીલાડ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેસની વધુ તપાસ ભીલાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ રાઠોડ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વાપીની શોપમાંથી એક શખ્સ ૨૨ હજારનો મોબાઇલ તફડાવી ગયો
વાપી : વાપી જીઆઇડીસીના ગુંજન વિસ્તારમાં જય અંબે મોબાઇલ શોપમાં વેપારી જીતેન્દ્ર પરમારની દુકાન પર એક શખ્સ મોબાઇલ ફોન ખરીદવા આવ્યો હતો. તેણે ૨૨ હજારનો મોબાઇલ ફોન પસંદ કર્યો હતો. જોકે તેની પાસે ત્રણ હજાર રૂપિયા જ હતા. ત્યાર બાદ બાકીના રૂપિયા ગુગલ પે કરવા કહ્યું હતું. જોકે તેના રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા. દરમિયાન બીજા ગ્રાહક આવતા વેપારીનું ધ્યાન બીજે જતા તે દરમિયાન ધ્યાન ચૂકાવીને ૨૨ હજારનો નવો મોબાઇલ ફોન શખ્સ તફડાવી છટકી ગયો હતો. વાપી જીઆઇડીસી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.