નવસારી(Navsari) : જલાલપોરના (Jalalpor) અબ્રામા ગામના રહીશે ૩૦ વર્ષ અગાઉ ખેતી કરવા માટે બે અલગ-અલગ જમીનો ઉપર ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડી હતી. જે બાબતે જમીનના મૂળ માલિકે જમીન પચાવનાર ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નવસારી માણેકલાલ રોડ રિદ્ધી-સિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા અને મરી-મસાલાની દુકાન ચલાવતા અનિકેતભાઈ નિરંજનભાઈ દેસાઈના પિતાની અબ્રામા ગામે વડીલો પાર્જીત જમીન અનિકેતભાઈના દાદા મણીલાલ દયાળજીભાઈ દેસાઈના નામે ચાલી આવેલી હતી. તેઓના અવસાન બાદ અનિકેતભાઈના પિતાજી નિરંજનભાઈ મણીલાલ દેસાઈના નામે ચાલી આવેલી હતી. વર્ષોથી તે જમીન ઉપર ખેતી કરતા હતા. પરંતુ અનિકેતભાઈના પિતાજી વ્યવસાય અર્થે વાપી સ્થાયી થઈ ગયા હતા. જેથી ૧૯૯૧થી વધારે કામે ગામમાં તથા જમીન પર આવાનું-જવાનું થતું ન હોવાથી જમીનમાં પુરતું ધ્યાન આપી શકતા ન હતા.
ત્યારબાદ ગત ૧૯૯૯ માં અનિકેતભાઈના પિતાજી ધંધા અર્થે મુંબઈ ગયા હતા. પરંતુ આજદિન સુધી પરત ઘરે આવ્યા નથી. જે બાબતે મુંબઈના બોરીવલ્લી રેલ્વે સ્ટેશન ખાતે ગુમની ફરિયાદ નોંધાવી હતી. ગત ૨૦૧૨ માં નવસારી કોર્ટમાં મરણ બાબતનો દાખલો મેળવવા માટે અરજી કરી હતી. અને દોઢ વર્ષ પહેલા જ અનિકેતભાઈના પિતાજીનો કોર્ટમાંથી મરણ અંગેનો દાખલો મળ્યો હતો. ત્યારબાદ જમીનમાં સીધી લીટીના વારસદાર તરીકે માતા વંદનાબેન, પુત્ર અનિકેત દેસાઈ, પુત્રી હેમાલીએ વારસાઈ હક્ક માટે રેવન્યુ રેકર્ડ દફતરે નોંધ કરવી હતી. તેમજ ૭/૧૨ તથા ૮અમાં તેઓના નામ સીધી લીટીના કાયદેસરના વારસદારો તરીકે પંચકયાસ તથા પેઢી નામાના આધારે દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ જમીન ઉપર અનિકેતભાઈ અવાર-નવાર ખેતી કરવા જતા હતા. દરમિયાન અબ્રામા ગામે સુખમડા ફળીયામાં રહેતા રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તમારા પિતાજીએ જમીન મને વેચાણ તરીકે આપેલી છે. જેથી અનિકેતભાઈએ તેમની પાસેથી જમીનના વેચાણ દસ્તાવેજ બતાવો એમ કહેતા રમેશભાઈ આનાકાની કરી તને બતાવવાની મારે કોઈ જરૂર નથી, તું કઇ મારો સાહેબ નથી કે મેં તું કેય તેમ કરુ તેમ જણાવી આ જમીન મારા કબ્જામાં છે અને આ જમીન ઉપર હું જ ખેતી કરીશ અને તું જો આ જમીન ઉપર કે આજુબાજુ મને દેખાશે તો તારા હાથ-પગ તોડી નાંખીશ અને જો બીજી વાર મારી પાસે આવીશ તો તને જાનથી મારી નાખીશ, તારી લાશ પણ નહી મળવા દઉં તેવી ધમકીઓ આપી હતી. આ બાબતે અનિકેતભાઈએ કલેક્ટરને સંબોધીને અરજી કરતા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ રચાયલી સમિતિની બેઠકમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો સ્થાપિત થતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ બાબતે અનિકેતભાઈએ જલાલપોર પોલીસ મથકે રમેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. રાણાએ હાથ ધરી છે.
‘અમારી વગ પોલીસ ખાતા અને રાજકારણમાં છે, આ જમીનમાં પ્રવેશવાની કોશિષ કરશે તો જોયા જેવી થશે’
આસુંદર ગામના ૨ યુવાનોએ ગામમાં આવેલી જમીન પચાવી પાડવા માટે સુરતના જમીન માલિકને ધમકાવતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પહોચ્યો છે. મળતી માહિતી મુજબ સુરત અલથાણ કેનાલ રોડ સામે રઘુવીર સીમ્ફની વાસ્તુ ડીસ્કવરીમાં કુશલભાઈ વીરાભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તાલુકાના આસુંદર ગામે આવેલી બિન ખેતીના હેતુ માટે પ્રીમિયમને પાત્ર વાળી ખેતી લાયક જમીન ખરીદી હતી. જેનો વેચાણ દસ્તાવેજ નં. ૯૬/૨૦૨૧ થી નોંધાયો છે. પરંતુ કુશલભાઈ તેમની જમીનમાં જતા ત્યારે આસુંદર ગામે રહેતા ભાવેશ વાસુદેભાઈ ભક્ત કુશલભાઈને જમીનમાં પ્રવેશ કરતા અટકાવવાની કોશિશ કરતા હતા. તેમજ અમારી વગ પોલીસ ખાતામાં ખુબ છે, તેમજ રાજકારણમાં પણ અમને ખૂબ ઓળખીતા છે, આ જમીનમાં તેમનું લખાણ છે અને અમે કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો છે, આ જમીન મારી પોતાની છે. તો જમીનમાં પ્રવેશ કરવાની કોશિષ કરશે તો જોયા જેવી થશે, તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી કુશલભાઈએ ભાવેશ પાસેથી કોર્ટના દવાની નકલ માંગતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈ કુશલભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અને તેઓ આસુંદર ગામના છે, એક ફોન કરીશ તો આખું ગામ જમીન પર આવી જશે અને તને મારીને ખાડીમાં નાંખી દેશે કોઈને ખબર પણ નહી પડે તેમ ધમકી આપી હતી. ત્યારે કેયુરભાઈ સુરેન્દ્રભાઈ ભક્ત પણ આ જમીન ઉપર હું કામ કરતો આવ્યો છું અને તમારે અહી આવવાનું નથી તેવી ધમકીઓ આપી જમીન હડપ કરી લેવાની ફિરાકમાં હતા. આ બાબતે કુશલભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ભાવેશ અને કેયુર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી. રાણાએ હાથ ધરી છે.