ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના સંક્રમણની (Corona transition) સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron) કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન (Isolation) વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) હાલ પૂરતી મોકૂફ (Postponed) રાખવાનો નિર્ણય કર્યો છે.
મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) જણાવ્યું કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના રોકાણકારો, ઉદ્યોગકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું.
આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો, ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, વેપાર-ઉદ્યોગ મંડળોએ ખૂબ જ ટૂંકાગાળામાં આવી સમિટના આયોજનને સફળ બનાવવા માટે આપેલા સહકારને બિરદાવ્યો છે.
પતંગોત્સવ અને ફલાવર શો પણ રદ કરાયો
મુખ્યમંત્રી દ્વારા વાઇબ્રન્ટ સમિટ મોકૂફ કરવાની જાહેરાત કરાયા બાદ તંત્ર દ્વારા અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો રદ કરવાની પણ જાહેરાત કરાઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે. જોકે, અમદાવાદમાં યોજાનાર ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાતા ખળભળાટ, સૌથી વધુ 1637 કેસ અમદાવાદમાં, બીજા ક્રમે સુરતમાં 630 કેસ
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો ખોફ જોવા મળી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3350 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1637 કેસ નોંધાયા છે. તો સુરત મનપામાં વધુ નવા 630 કેસ નોંધાયા છે. તો વળી આજે અમરેલીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,126 દર્દીનાં મૃત્યું થયા છે.
નવા કેસ વધાવાની સાથે એક્ટિવ કેસમાં પણ વધીને 10,994 થયા છે. જેમાંથી 32 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 10962 દર્દીઓ સ્ટેબલ છે. સાથે જ આજે કોરોનાથી વધુ 236 દર્દીઓ સાજા પણ થયા છે. આજે કોરોનાના અમદાવાદમાં 1637 કેસ નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં સુરત મનપામાં 630, વડોદરા મનપામાં 150, રાજકોટ મનપામાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરત ગ્રામ્યમાં 6૦, ગાંધીનગર મનપામાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર મનપામાં 38, વલસાડમાં 34, વડોદરા ગ્રામ્યમાં 31, ગાંધીનગર ગ્રામ્યમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદ ગ્રામ્યમાં 23, જામનગર મનપામા 19, રાજકોટ ગ્રામ્યમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ મનપામાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગર ગ્રામ્યમાં 2, તાપીમાં 2, બોટાદમાં 1, જામનગર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુર, ડાંગ, જુનાગઢ, નર્મદા, પાટણ, પોરબંદર જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાવા પામ્યો નથી.
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં છે અને ગઈકાલે રાજ્યમાં કોરોના દરદીઓનો સાજા થવાનો રિવકરી રેટ ૯૭.૪૮ ટકા જેટલો થયો છે.