સુરત: સચીન જીઆઈડીસીના (Sachin GIDC) નોટીફાઈડ (Notified) વિસ્તારના રોડ નં. 4 પર રાજકમલ ચોકડી પાસે સવારે 4.25 કલાકે 1 ટેન્કરમાંથી ગેરકાયદે (Illegal) રીતે ખાડીમાં (bay) કેમિકલ ડિસ્ચાર્જ (Chemical discharge) કરવામાં આવી રહ્યું હતું ત્યારે કેમિકલનો ટોક્સીક ગેસ લીકેજ (Toxic gas leakage) થઈ આજબાજુના વિસ્તારમાં પ્રસર્યો હતો, જેના લીધે નજીકમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલના તથા તેની આજુબાજુના 26 મજૂરો અને કારીગરોને અસર થઈ હતી. તેઓનું ઓક્સિજન (Oxygen) લેવલ ઘટી ગયું હતું.
ગેસનું ટોક્સિટી લેવલ ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય મજૂરો બેભાન થઈ ગયા હતા. આ પૈકી 6 મજૂરોના મોત (Death) થયા હોવાનું 7 કારીગર વેન્ટીલેટર (Ventilator) પર અને 25 જેટલાં ગંભીર (Serious) હોવાની વિગતો મળી છે. ઘટનાની જાણ થતાં ફાયર (Fire) અને પોલીસ (Police) વિભાગના કર્મચારી અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગંભીર દર્દીઓને 108માં સિવિલમાં (Civil) ખસેડવામાં આવ્યા હતા. 2 રખડતા કૂતરા પણ મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાની ગંભીરતા પારખી આસપાસના વિસ્તારના રહીશોને દૂર સ્થળાતર કરાવી દીધું હતું.
ફાયર વિભાગની ટીમ બીએ સેટ પહેરીને ટેન્કર લીકેજના વાલ્વને ફલાંજ લગાવી બંધ કરી દીધું હતું. ખાડીમાં ઢોળાયેલા કેમિકલને પાણી મારો ચલાવી ડાયલ્યુટ કરવામાં આવ્યું હતું. હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે.
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યમંત્રીએ ગેસ લીકેજ ઘટનામાં મૃત્યુ પામનારા કારીગર-મજૂરોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે અફસોસ વ્યક્ત કરવા સાથે મૃતકોની આત્માને શાંતિની પ્રાર્થના કરી હતી.
દહેજથી ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર આવ્યું હોવાની પ્રાથમિક માહિતી
સુરત આસપાસની જીઆઈડીસીઓમાંથી રોજ સેંકડોની સંખ્યામાં કેમિકલ ભરેલા ટેન્કર સચીન જીઆઈડીસીમાં આવી અહીંની ખાડીમાં કેમિકલ ઠાલવી જતા હોવાની અનેક ફરિયાદો ઉઠતી રહી છે. આજે પણ જે ટેન્કરના કેમિકલના લીધે 6 લોકોના મોત થયા તે કેમિકલનું ટેન્કર પણ દહેજથી આવ્યું હોવાની માહિતી મળી છે.
સચીન જીઆઈડીસી નોટીફાઈડ, પોલીસ સહિત તમામ જવાબદાર વિભાગની ઘોર બેદરકારી છતી થઈ છે. રોજ ખૂબ મોટી સંખ્યામાં ટેન્કર આવતા હોય અને પોલીસ સ્ટાફ ઓછો હોવાના લીધે ગેરકાયદે કેમિકલના ટેન્કરોને પકડી નહીં શકાતા હોવાના બહાના તંત્ર કાઢી રહ્યું છે. જીપીસીબીની પણ લાપરવાહી છતી થઈ છે. દરમિયાન ટેન્કર જે કંપનીનું હતું તેને પકડીને કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી ઉઠી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં અંકલેશ્વર ભરૂચ અને વાપીથી કેમિકલના ટેન્કરો સુરતમાં લાવીને ઠાલવવામાં આવે છે. જેમાં સમયાંતરે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે. પરંતુ આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં ન આવતા આજે સુરતે આ મોટી દુર્ઘટના જોવાનો વારો આવ્યો છે.
વર્ષોથી સચીન જીઆઈડીસીમાં રાત્રિના અંધારામાં ટેન્કરોમાંથી ઝેરી કેમિકલ ખાડીમાં ઠાલવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અનેક ફરિયાદો છતાં તંત્રના આંખ આડા કાન કરે છે, તેની પાછળ પણ ચોક્કસ કોઈ ભ્રષ્ટ્રાચાર કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યુંછે.