Gujarat

અમદાવાદમાં જે લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો તેને હવે પોલીસ ફોન કરશે

અમદાવાદ(Ahmedabad): અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની (Corona) ત્રીજી લહેરના મંડાણ થઈ ગયા છે. અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટયો છે,ત્યારે વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. શહેરમાં જે લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો, તેમને હવે પોલીસનો (Police) ફોન (Call) આવશે. પોલીસ આ લોકોને બીજો ડોઝ લેવા મદદ કરશે. અમદાવાદમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યાં છે, ત્યારે મનપા તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ઝડપથી વેક્સિનેશન પૂર્ણ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં જે લોકોએ રસીનો બીજો ડોઝ હજુ સુધી નથી લીધો તેવા લોકોને પોલીસ દ્વારા ફોન કરવામાં આવશે. પોલીસ લોકોને બીજો ડોઝ ઝડપથી લઈ લેવા સમજાવશે.

અમદાવાદ શહેરમાં અંદાજે ૬ લાખથી વધુ લોકો એવા છે જેમણે રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, પરંતુ હજુ સુધી બીજો ડોઝ લીધો નથી કે, તેઓ લેતા નથી. આવા લોકો માટે મનપાએ પોલીસની મદદ લીધી છે, અને મનપા દ્વારા તમામ વિગતો, ડેટા પોલીસને આપવામાં આવ્યા છે. જેથી તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જે લોકોએ રસીનો બીજો ડોઝ નથી લીધો, તેઓને પોલીસ બીજો ડોઝ લઈ લેવા જણાવશે.

અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ 50 ટકા સીટિંગ કેપેસિટી સાથે દોડશે

અમદાવાદમાં કોરોનાના કેસનો રાફડો ફાટતાં હવે વહીવટીતંત્ર અચાનક સફાળું જાગ્યું હોય તેમ અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસ બસમાં 50 ટકા મુસાફરોની કેપેસિટી સાથે બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ત્રીજી લહેરની સંભાવનાઓ શક્યતાઓ જણાઈ રહી હોવાની સૂચનાઓ તેમજ તકેદારી રાખવા નિષ્ણાતો દ્વારા વિનંતી તેમજ આગ્રહ કરવામાં આવતો હતો, તેમ છતાં રાજ્ય સરકાર અને અમદાવાદ મનપાનું વહીવટીતંત્ર ઊંઘતું હતું. હવે, જ્યારે કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, અને ત્રીજી લહેર આવી ચૂકી છે, ત્યારે અમદાવાદ મનપાનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું હોય તેમ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે સક્રિય થયું છે.

અમદાવાદ મનપા દ્વારા શહેરી સર્વિસની એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રિત રાખી શકાય તે હેતુથી 50 ટકા મુસાફરોની કેપેસિટી સાથે બસનું સંચાલન કરવામાં આવશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બસની કેપીસીટીના 50 ટકા મુસાફરોને જ લેવામાં આવશે.આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા દરેક મુસાફરે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. તેમજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જે મુસાફરે વેક્સિન લીધેલી નહિ હોય, તેઓને બસમાં પ્રવાસ કરવા દેવામાં આવશે નહીં.

Most Popular

To Top