SURAT

પોલીસ અભિપ્રાયના નામે લાખોનું સેટીંગ: સુરતમાં પૈસાના જોરે અશાંતધારાની પરવાનગી અપાતી હોવાની ફરિયાદ

સુરત: (Surat) સુરત શહેરના બેગમપુરા,ગોપીપુરા તેમજ નાણાવટ સહિત ગોરાટ વિસ્તારમાં આડેધડ અશાંતધારાની (Ashant Dhara) પરવાગની અપાતી હોવાના ગંભીર આરોપો સાથે અલગ અલગ ક્ષેત્ર સંવર્ધક સમિતિએ જિલ્લા કલેકટરને ગોબાચારી સામે તપાસની મા્ંગ કરી છે. સુરત શહેરમાં અશાંતધારાની અમલવારી બાદ પણ કેટલાંક ઠેકાણે મિલકતોની ગેરકાયદે રીતે તબદિલી થઇ રહી છે. શહેરના ગોપીપુરા સહિત નાણાવટ અને બેગમપુરા સહિત ગોરાટ વિસ્તારમાં કેટલાંક સમયથી અશાંતધારાની પરવાનગીના ભાવો લાખ્ખો રૂપિયામાં બોલાઇ રહયા છે. પોલીસ અભિપ્રાય નેગેટીવ આપ્યા હોવા છતાં ફેર અભિપ્રાયના નામે લાખો રૂપિયાના સેટીંગ કરાઇ રહયા છે. સુરત જિલ્લા સેવાસદનમાં આવેલી સીટી પ્રાંત નાયબ કલેકટરની (Collector) કચેરી સામે આ મામેલ કીચડ ઉછળ્યુ છે.

અલગ અલગ વિસ્તારની હિત વર્ધક સમિતિએ આજે સાગમટે સુરત જિલ્લા કલકેટર આયુષ ઓકને રજૂઆતો કરી હતી. તેમને કહયુ હતુ કે સુરતમાં અશાંતધારાનો કાયદો કેટલાંક બાબુઓએ મજાકરૂપ બનાવી દીધો છે. તેમની પાસે આવા ઢગલેબંધ કિસ્સા સામે આવ્યા છે. તેમને કહયુ હતુ કે અલગ ધર્મના લોકોની મિલકતોની તબદિલીમાં મોટાપાયે ગોબાચારી ચાલે છે. સુરત સીટી પ્રાંત કચેરીમાં ફરતા કેટલાંક દલાલો અને ટાઉટો ખુલ્લેઆમ રૂપિયાના જોરે અશાંત ધારાની પરવાનગી અપાવે છે. પોલીસનો નેગેટીવ અભિપ્રાય હોય તેવા કિસ્સામાં પણ બિનધાસ્ત પરવાનગી આપવામાં આવે છે. સીટી પ્રાંત કચેરીમાં કેટલાંક ટાઉટો સવારથી સાંજ સુધી પડયા પાથર્યા રહી આ ધંધો બેરોકોટોક ચલાવે છે. અધિકારીઓના સાથે સારા સબંધ હોવાના નામે પણ કેટલાંક દલાલો ગરજાઉ લોકો પાસે લાખ્ખો રૂપિયા ખંખેરી રહયા છે. અલગ અલગ કિસ્સા ટાંકી સમિતિએ કલેકટરને રજૂઆતો કરી હતી કે અંશાતધારાની કલમ: ૫-૩-ખ ની પેટા કલમ (૨) મુજબ મુકત સંમતિના કોઇ પુરાવા નોંધવામાં આવ્યા નથી. અંશાતધારાની કલમ ૫-૩-ખ ની પેટા કલમ (૩) મુજબ તબદીલીની કિમત વ્યાજની હોવાની કે, મહેસુલ વિભાગએ ઠરાવેલ છેલ્લી જંત્રી મુજબ કે અંશાતધારાની કલમ ૨(ખ) મુજબના અંદાજીત બજાર કિમતની છે કે કેમ? તેને તપાસવામાં આવી નથી.

અંશાતધારાની કલમ: ૫-૩-ખ ની પેટા કલમ: ૪ અને (૫) મુજબ વસ્તી અને વિસ્તારના ધ્રુવીકરણની શકયતાને ચકાસવામાં આવતી નથી. ઔપચારિક તપાસ કરનારી એજન્સીઓએ તપાસ દરમ્યાન (ક) તેમની સતાથી ઉપરવટ જઇને મિલક્ત તબદીલીઓ મજુર રાખી છે જેના નાયબ કલેકટરએ સ્વીકાર કરેલો છે. (ખ) અરજદારો વતી આજુબાજુના મિલકતદાર તરીકે નિવેદનો આપનારાઓના મિલકતની માલિકીના પુરાવા મેળવવામાં આવ્યાં નથી. (ગ) અધિકારીઓ સ્થળની તપાસમાં રૂબરૂ ગયા નથી સ્થળ પરની વસ્તી ધર્મ-ધોરણ-ઓળખ-મુલ્યો-જીવંત સમુહ-જાહેર સ્થાનો ધાર્મિક સ્થાનો-સરકારી ઇમારતો અને સરકારી મિલકતનો અભ્યાસ નોંધ કર્યો નથી . (ઘ) અરજ દરમ્યાન તબદીલ મિલકતની દર્શાવેલી સ્થિતિનો રૂબરૂ મુલાકાત કરીને અભ્યાસ કે પુરાવા મેળવ્યા નથી અને રજુ કરેલા નથી.

આ ઉપરાંત અંશાતધારાની કલમઃ ૫-૩-ખ મુજબ અરજદારો કે નિવેદનો આપનારની નામદાર કલેકટરના રૂબરૂમાં લેખિત રજુઆતો મેળવવામાં આવી નથી. તેવી જ રીતે કેટલાંક કિસ્સાઓમાં તો વાંધા અરજદારોને યોગ્ય રજુઆત કરવાની તક આપવામાં આવતી
નથી તેમજ પુરાવાઓ સ્વીકારીને ચકાસણી કરવામાં આવતી નથી. કો.ઓ.હા. સોસાયટીની અને સંયુકત માલિકીની મિલકતોમાં સોસાયટીના તબદીલી અંગેના મજુરીપાત્રો કે સંયુકત માલિકોના મજુરી પત્રોની નકલો મેળવ્યા વગર જ હુકમો કરવામાં આવેલા છે. કેટલાક ખાસ કેસમાં તબદીલી અરજ કરનારાઓ એક જ સમુદાયોના વ્યકિતઓ છે તેવું માની લઇને તબદીલ કરનારાઓ રજુઆતો નિવેદનો લીધા વગર તાત્કાલિક અસરથી ખુબ નજીવા સમયમાં તબદીલી અરજો મંજુર કરી છે. આવા હુકમો સરકાર પક્ષે રદ થાય તે માટે રજૂ્આતો કરાઇ છે.

ગોપીપુરા નાણાવટના સેકડો દસ્તાવેજો છોડાવવા ધમપછાડા શરુ
સુરત શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી અશાંતધારાના નામે લાખ્ખો રૂપિયાના ઉઘરાણા શરુ થયા છે. કેટલાંય લોકોએ જિલ્લા સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો પણ કરી નાંખ્યા છે. અને અશાંતધારાનો કાયદો આવતા આવા દસ્તાવેજો સબરજિસ્ટ્રાર કચેરીમાં જપ્ત કરાયા છે. આવા દસ્તાવેજો છોડાવવા માટે વચેટિયાઓ મેદાનમાં ઉતરી પડયા છે. જેને લઇને આગામી દિવસોમાં શહેરના કોટ વિસ્તારમાં મોટાપાયે અભિયાન શરુ થાય તેવા અણસાર મળી રહયા છે.

Most Popular

To Top