અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી મુકત થઇ ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત થયાને પંચોતેર વર્ષ થયાં. દેશની આઝાદી માટે પ્રાણ પાથરી દેનારની સંખ્યા લગભગ આઠ લાખ બત્રીસ હજાર જેટલી થવા જાય છે. સદીઓના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ભલે અમુક જ શહીદોની નોંધ લેવાઇ હોય. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સત્ય, પ્રેમ અને અહિંસાનો શ્રેષ્ઠ માર્ગ ચિંધ્યો અને તેવાં આંદોલનો, સત્યાગ્રહોથી ભારતને આઝાદી મળી, ગુલામ દેશ મટી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ચાલતું તંત્ર સંભાળતી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સરકાર પ્રસ્થાપિત થયાનો અમૃત મહોત્સવ અત્યારે ઉજવાઇ રહ્યો છે. સંસદ, સરકારનો વહીવટ, ન્યાયતંત્ર, સૈન્ય, વેપાર ઉદ્યોગ, વિદ્યાધામો, આરોગ્ય કેન્દ્રો દ્વારા લોકશાહી ટકી શકી છે. સ્થાપિત હિતો ભ્રષ્ટાચાર કરીને લોકશાહીને કમજોર કરે છે, ન્યાયતંત્રને ભારે હાનિ પહોંચાડે છે. ગરીબો વધુ ને વધુ ગરીબ તથા ધનિકો વધુ ને વધુ ધનિક થતાં જાય છે.
શિક્ષણ, સમજણ અને જનજાગૃતિનું પ્રમાણ ઓછું રહ્યું છે, એટલે આદર્શ ચૂંટણીઓ થતી નથી. રાજનેતાઓ વચન અને પ્રવચનમાં વ્યસ્ત રહે છે. જનસાધારણ અસ્તવ્યસ્ત રહે છે. મોટી મોટી યોજનાઓ જાહેર થતી રહે છે, સત્તાધારીઓ પ્રચાર માધ્યમો પર કબજો જમાવી દે છે. આંકડાની માયાજળ પાથરી ગુલાબી ચિત્ર રજૂ થાય છે. ન્યાયતંત્રમાં બિરાજતા જજ પણ આખરે તો જરૂરિયાતવાળા માણસ છે, તેથી ભ્રષ્ટ થઇ શકે છે. ખર્ચાળ અને અતિશય વિલંબ જનસાધારણને ન્યાય પ્રાપ્ત કરવામાં અવરોધનાં કારણો બને છે. વિદેશોમાં ઉજળી છાપ બતાવીને, ગૃહ ક્ષેત્રે શત્રુ દેશોનો ભય દર્શાવીને પ્રજાની લાગણી ઉત્તેજિત કરાય છે, લેખિત અને મૌખિક અભિવ્યકિત સામે સતત રાજદ્રોહનો ભય ઊભો કરાય છે. લોકતંત્રમાં લોકો જ ભયભીત અને અસહાય બની જાય, અવાજ ઉઠાવી ન શકે તેવી પરિસ્થિતિ ગણતંત્રને ઝાંખું પાડે છે. મોંઘવારીનો રાક્ષસ જનસાધારણનું લોહી પીતો રહે છે. એકસો ચાળીસ કરોડ ભારતીયોએ મૂક પ્રેક્ષક બની રહેવાનું દુર્ભાગ્ય વેઠવું રહ્યું.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.