તા. 6.12.21ના ગુ.મિ.માં નેહા શાહનું ચર્ચાપત્ર યોગ્ય વિચારપૂર્વક લખાયું છે અને સમજવા જેવું છે. બીજા બધા ધર્મોમાં સંસાર ત્યાગ વિષે લખ્યું છે કે તેની જાણ નથી પરંતુ હિંદુ ધર્મમાં પ્રભુભકિત યા ભકિત માર્ગ માટે સંસાર ત્યાગ વિષે કહ્યું જ નથી. હિંદુ ધર્મમાં તો ઉલટુ એમ કહ્યું છે કે જે સંસારમાં રહીને પ્રભુભકિતને મહત્વ આપે છે તેજ ઉત્તમ આધ્યાત્મ માર્ગ છે. દેહદમન યા સંસાર ત્યાગને હિંદુ ધર્મમાં કોઇ સ્થાન જ નથી! મહાવીર અને બુધ્ધે જે સંસાર ત્યાગ કર્યો તે એક આખી આધ્યાત્મિક અલગ ઘટના છે. હિંદુ ધર્મ કહે છે કે જે મનુષ્ય સંસારનેપચાવી શકતો નથી તે સાધુ થઇ જાય છે. ભારતમાન ઘણાં બધાં લેભાગુ સાધુઓ ફરે છે. મનુષ્યના અવગુણો કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ મત્સર છોડીને જે મનુષ્ય સંસારમાં રહી કૌટુંબિક જીવન જીવે છે તે ખરેખરો આધ્યાત્મિક પુરુષ છે.
કામ-સેક્સ જીવનમાં અમુક અંશે જરૂરી છે જેનાથી સંતાન પ્રાપ્તિ અને શરીરમાં તાકાત બની રહે છે. આજે તો કહેવાતા સાધુ સંતો કામના અતિરેકને લીધે જેલ ભેગા સબડે છે. જયારે સંસાર ભોગવતો કામવાસના પરક ાબુ ધરાવતો મનુષ્ય મુળ સરસ રીતે સાંસારિક જીવન જીવે છે. દીક્ષાનો સાચો અર્થ મનુષ્યના છ અવગુણો છોડવાનો છે. સંસાર ત્યાગનો નથી. ઘણા ફરી પાછા સંસાર ત્યાગ કરીને સંસારમાં દાખલ થયાના પણ દાખલા છે. એ લોકોને સાચુ જ્ઞાન લાધ્યું કહેવામાં જરા પણ શંકાને સ્થાન નથી. હિંદુ ધર્મમાં વેદ ઉપનિષદો અને ગીતામાં તો કહેવામાં આવ્યું છે કે તમે સંસારમાં રહીને પણ દરેક કાર્યમાં પરમાત્મા- ઇશ્વરને સાથે રાખો. જે કોઇ કાર્યકરો તેમાં ઇશ્વરને સાથે રાખો. ઇશ્વરને સાથે રાખીને કરેલા કાર્યોમાં બદનામી મળતી નથી. સંસાર ત્યાગની કાંઇ જરૂર નથી.
સુરત – ડો. કે. ટી. સોની -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.