નવી દિલ્હી: કોવિડ-19 (Covid-19)ના તથા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના વધી રહેલાં કેસોને જોતા દિલ્હી સરકારે ફરીથી સોમવારથી રાત્રી કર્ફ્યુ (Night curfew) લાદવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી) મુજબ જો પોઝિટીવીટી દર સતત 2 દિવસ સુધી 0.5 ટકા અથવા તેનાથી વધુ રહે છે તો રાત્રી કર્ફ્યુ લાદવામાં આવે છે. કર્ણાટક (Karnataka) સરકારે પણ ૨૮ ડિસેમ્બરથી રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કે ગુજરાત (Gujarat)સહિત અનેક રાજ્યોમાં નાઇટ કર્ફયુ ચાલી જ રહ્યો છે.
દિલ્હીમાં રવિવારે કોરોના વાયરસના નવા 290 કેસ નોંધાયા હતાં, જે 10 જૂન બાદ સૌથી વધુ છે. આ ઉપરાંત એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું જ્યારે પોઝિટીવીટી દર વધીને 0.55 ટકા થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે સામાન્ય રીતે ટેસ્ટની સંખ્યા ઓછી રહે છે જેના કારણે પોઝિટીવીટી દરમાં અંતર આવી શકે છે. તેમ છતાં રાત્રી કર્ફ્યુ સોમવારથી લાગુ થશે જે રાતે 11.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી રહેશે. દિલ્હીમાં કુલ કેસોની સંખ્યા 14,43,352 થઈ હતી જ્યારે મૃત્યુઆંક વધીને 25,105 થયો હતો. સક્રિય કેસોની સંખ્યા 1,103 થઈ હતી જે પૈકી 583 હોમ આઈસોલેશનમાં છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોએ પહેલાંથી જ નાઈટ કર્ફ્યુ ફરીથી લાગુ કર્યો હતો. દિલ્હીમાં આજથી જ રાત્રિ કરફ્યુનો અમલ શરૂ થઇ જશે, કર્ણાટકમાં આવતીકાલથી અમલ અને અન્ય અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યુનો અમલ શરૂ થઇ ગયો છે
કોવિડ-19ની નવી ચિંતાઓ વચ્ચે કર્ણાટક સરકારે રવિવારે 28 ડિસેમ્બરથી 10 દિવસ માટે રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ સરકારે જાહેર સ્થળો પર સમસ્ત નવા વર્ષની પાર્ટીઓ અને મેળાવડા પર પ્રતિબંધ લગાવ્યો છે. ‘ડિસેમ્બર 28થી દસ દિવસ માટે (7 જાન્યુઆરી સુધી) રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવશે. એટલે આ દિવસો દરમિયાન રાતે 10 વાગ્યા બાદ કોઈ ગતિવિધીઓ થઈ શકશે નહીં. એમ સુધાકરે કહ્યું હતું.
વરીષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ અને કોવિડ ટેકનિકલ સલાહકાર કમિટી સાથેની બેઠક બાદ તેમણે કહ્યું હતું કે નવા વર્ષ માટે જાહેર કાર્યક્રમો અને ભીડ ભેગી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી બાસ્વરાજ બોમાનીએ કરી હતી.આ ઉપરાંત રેસ્ટોરન્ટ, હોટેલ, પબ અને ક્લબોમાં તેમની ક્ષમતાના 50 ટકા સુધી ગ્રાહકોની હાજરી રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોવિડ-19ના અને ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં નવા વેરિઅન્ટની સંખ્યા 38 થઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના સૌપ્રથમ કેસો પણ કર્ણાટકમાં જ નોંધાયા હતા.