Madhya Gujarat

પૂર્વ પતિએ પત્નીની બોગસ સહી કરી પોલીસીના નાણાં ઉપાડી લીધાં

આણંદ : ખંભાતમાં રહેતા દંપતી વચ્ચે ઘરકંકાસના કારણે છુટાછેડા થયાં હતાં. આ છુટાછેડા બાદ પતિએ પત્નીના નામની વીમા પોલીસી સરન્ડર કરી તેની રૂ.95 હજાર જેવી રકમ ઉપાડી લીધી હતી. વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પાબહેન શાહના પ્રથમ લગ્ન જીતેન્દ્ર શાંતિલાલ પ્રજાપતિ (મુળ રહે. કંસારી, ખંભાત અને હાલ વડોદરા) સાથે 2009માં થયાં હતાં.  આ લગ્ન જીવનમાં તેમને બે દિકરીનો પણ જન્મ થયો હતો. શિલ્પાબહેન વડોદરાની ખાનગી શાળામાં નોકરી કરતાં હતાં અને ઘરે ટ્યુશન પણ ચલાવતાં હતાં. જેના થકી માસીક આવક રૂ.11 હજાર જેવી થતી હતી.

જે તેઓ પતિ જીતેન્દ્રકુમારને આપતાં હતાં. આ સમય દમરિયાન ખંભાત ખાતે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતાં જગદીશ આઈ. પ્રજાપતિના કહેવાથી 2011ના રોજ શિલ્પાબહેને જીવન સરલ વિમા પોલીસી લીધી હતી. આ પોલીસીનું વાર્ષિક પ્રિમિયમ રૂ.12,010નું હતું. જે પ્રિમિયમ જગદીશભાઈના ખાતામાંથી કપાતું હતું. જોકે, લગ્નના એક દસકા દરમિયાન પતિ – પત્ની વચ્ચે મનમેળ ન રહેતા બન્ને રાજીખુશીથી 2019માં છુટા પડી ગયાં હતાં. શિલ્પાબહેને પુનઃલગ્ન પ્રશાંત શાહ સાથે કર્યાં હતાં. બાદમાં તેઓ આણંદ એલઆઈસીની મુખ્ય બ્રાંચમાં આવ્યાં હતાં, જ્યાં અગાઉ લીધેલી વિમા પોલીસી સંદર્ભે પુછપરછ કરતાં તે સરન્ડર થઇ ગઇ હોવાનું જાણવા મળતાં ચોંકી ગયાં હતાં.

આ અંગે આરટીઆઈ કરી માહિતી મેળવતા પૂર્વ પતિ જીતેન્દ્ર પ્રજાપતિની કરતૂત હોવાનું બહાર આવ્યું હતું. જીતેન્દ્રએ 7મી ઓક્ટોબર,2019ના રોજ પોલીસીના રૂ.95,418માં ત્રણ અલગ અલગ સહીઓ કરી રકમ ઉપાડી લીધી હતી. બાદમાં આ રકમ  વાપરી નાંખી હતી. આ કાર્યવાહીમાં સાક્ષી તરીકે જગદીશ ઇશ્વરભાઈ પ્રજાપતિ સહી કરી હતી.  જેથી શિલ્પાબહેને ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે જીતેન્દ્ર શાંતિલાલ પ્રજાપતિ અને જગદીશ ઇશ્વરભાઈ પ્રજાપતિ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top