ફિલ્મોમાં નિષ્ફળતા તો અનેકને મળે છે પણ ફરી પ્રયત્ન કરનારા જ સફળતાની આશા રાખી શકે. કાજોલની બહેન તનિષા મુખરજી ‘સરકાર’માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સાથે અને તે પહેલાં ‘શ્શ’માં આવી હતી. તનુજાની દિકરી અને કાજોલની બહેન એટલે ચાલવી તો જોઈએ પણ ‘નીલ એન નિકી’, ‘ટેંગો ચાર્લીથી માંડી તેની 11-12 ફિલ્મો આવી પણ કોઈને લાગ્યું નહીં કે તનિષા આવી ત્યારપછી તો તે ‘બિગબોસ’માં ચારેકવાર આવી પણ તેનાથી વાત બદલાઈ નહોતી. હવે તેણે પાંચ-છ વર્ષના ગાળા પછી ‘કોડનેમ અબ્દુલ’માં સલમાની મુખ્ય ભૂમિકા ભજવી છે. એ ફિલ્મમાં કોઈ મોટા સ્ટાર નથી. હકીકતે તો આ ફિલ્મ 2017માં રિલીઝ થવાની હતી. ઈશ્વર ગુન્ટુરની એ ફિલ્મ હવે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે રૉ એજન્ટની ભૂમિકામાં છે.
તનિષા હવે ફરી કેટલી ફિલ્મો મેળવી શકે તે ખબર નથી પરંતુ ‘રોસી ધ સેફરન ચેપ્ટર’ નામની તેની ફિલ્મ આવતા મહિને રજૂ થશે. તેને આનંદ છે કે હમણાં થિયેટરો ખૂલી રહ્યા છે ત્યારે તેની ફિલ્મો રજૂ થઈ રહી છે. તેની ઈચ્છા મમ્મી તનુજા અને બહેન કાજોલની જેમ વૈવિધ્ય સાથે ભૂમિકા ભજવવાની છે. તેની ઈચ્છા તો કાજોલ સાથે કામ કરવાની ય છે પણ હજુ સુધી એવી પટકથા નથી આવી જેમાં તે બંને માટે મહત્વની ભૂમિકા હોય પણ તે કાજોલ વિશે ભર્યા ભર્યા શબ્દોમાં વાત કરે છે. તે કહે છે કે કાજોલે હંમેશા મને ખૂબ પ્રેમ કર્યો છે. એમ કહો કે તે મારી પહેરેદાર છે. તે મારી દેખભાળ કરે છે. ક્યારેય કોઈ સ્પર્ધામાં અમે પડયા નથી. આમ બનવાના કારણમાં તે મમ્મી (તનુજા) ના ઉછેરને પણ મહત્વ આપે છે.