દ.કોરિયામાં અદભુત નવા ‘10-મિનિટના શહેર’નું ટેન્ડરિંગ બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં ‘શહેરની તમામ સુખસગવડો’ રહેવાસીઓના ઘરેથી માત્ર 10 મિનિટના અંતરે હશે. ‘પ્રોજેક્ટ H1’ હેઠળ 504,000 સ્ક્વેર મીટર (એટલે કે 5.4 મિલિયન ચોરસ ફૂટ)માં આ શહેરને વિકસાવવામાં આવશે. દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલ પાસે આવેલી પર્વતમાળાની નજીક શહેર ઊભું કરાશે, જે સંપૂર્ણપણે કાર ફ્રી હશે.
આ મહાનગરમાં વિશાળ શેરીઓ, હવાઉજાસ અને પ્રકૃતિ દરેકના ઘરના દ્વારે હશે. રહેણાંક ટાવર, ઉદ્યાનો, હોટેલ, સિનેમા, પુસ્તકાલય, હોસ્પિટલ અને વહીવટી કચેરીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરેથી ચાલતાં માત્ર 10 મિનિટમાં પહોંચી શકશે. પ્રોજેક્ટ મુજબ, વેલનેસ સુવિધાઓ જેમ કે રનિંગ ટ્રેક, ક્લાઇમ્બીંગ વોલ, સ્વિમિંગ પુલ અને આરોગ્યસેવાઓ પણ 10 મિનિટના અંતરે હશે. આ ‘સ્માર્ટ સિટી’માં એક મોલનો સમાવેશ કરવામાં આવશે, જે કોમ્યુનિટી સેન્ટર અને કિન્ડરગાર્ટન સાથે સંપૂર્ણ હશે. દરેક રહેણાંક ટાવરના નીચલા સ્તરને વ્યાપારી, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવશે.
અહીં વિવિધ કિંમતના ફ્લેટ્સ અને કોમ્પેક બંગલો હશે. દરેક એપાર્ટમેન્ટમાં પોટ્સ અને પ્લાન્ટર્સ માટે જગ્યા સાથે બાલ્કની હશે. ક્લાયમેટ ચેન્જ અને એન્વાયર્મેન્ટને ધ્યાનમાં રાખીને રહેવાસીઓને પ્લાન્ટ ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત અહીં દરેક ટાવર્સના શિખર ઉપર રૂફટોપ ગાર્ડનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પ્રોજેક્ટ H1માં ઓફિસની ઘણી જગ્યાઓ ટાઉન પ્લાઝામાં રાખવામાં આવશે, જેમાં ‘સ્કાય બાલ્કની’ હશે. આ શહેરમાં એક નવો કોન્સેપ્ટ ‘ઓફિસટેલ’નો છે! મતલબ એક એવી ડિઝાઇન જેમાં ઘર, હોટેલ અને ઓફિસ ત્રણેય એક સાથે હોય. હ્યુન્ડાઇ ડેવલપમેન્ટ કંપની અને ડચ આર્કિટેક્ચરલ પ્રેક્ટિસ અનસ્ટુડિયો આ 10 મિનિટ શહેરનો પ્રોજેક્ટ વિક્સાવી રહ્યા છે.
આ પ્રોજેક્ટની સૌથી ખાસ વાત દરેક ઈમારત બીજી ઈમારત સાથે જોડાયેલી હશે એટલે કે બે ઈમારતની વચ્ચે વોકવે બનાવવામાં આવશે. ઈમારતો વચ્ચેના વોકવેની બંને બાજુ વૃક્ષો અને હરિયાળી હશે. આ સ્માર્ટ સિટીને ભૂગર્ભ સ્ટેશન દ્વારા સિઓલ સાથે જોડવામાં આવશે. રહેવાસીઓને શહેરમાં પગપાળા નીકળવા અને સાઈકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. શહેર કાર ફ્રી હોવા છતાં રહેવાસીઓ તેમનાં વાહનોને ભૂગર્ભ કાર પાર્કમાં પાર્ક કરી શકશે. આ શહેરમાં વરસાદી પાણીને સંગ્રહિત કરવા માટે વોટર ફિલ્ટરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને જે-તે વિસ્તારના કચરાનો ઉપયોગ શહેરી ખેતરો માટે ખાતર વિકસાવવા કરવામાં આવશે.
અનસ્ટુડિયોના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ હાલમાં આયોજન પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. અનસ્ટુડિયોના સહ-સ્થાપક બેન વાન બર્કેલે જણાવ્યું હતું કે, H1 માસ્ટરપ્લાન માટે અમે 10 મિનિટનું શહેર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જ્યાં રહેવાસીઓની રોજિંદી જરૂરિયાત 10 મિનિટના અંતરે હશે. આ શહેરનો કોન્સેપ્ટ નવો નથી. ફ્રેન્ચ-કોલમ્બિયન વૈજ્ઞાનિક કાર્લોસ મોરેનોએ 2016માં ‘15-મિનિટ સિટી’ માટેનો વિચાર રજૂ કર્યો હતો. જો કે, તેના પર ક્યારેય અમલ થયો નથી. હવે સિઓલ નજીક તે આકાર પામવા જઈ રહ્યું છે. હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેર ક્યારે તૈયાર થઈ જશે, તે વિશે કોઈ સમયસીમા નક્કી કરવામાં આવી નથી.