uncategorized

ટી-20 અને વન ડે કેપ્ટનશિપ વિવાદ : વિરાટ કોહલી સાચો કે સૌરવ ગાંગુલી?

ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian cricket Team) કેપ્ટનશિપ મામલે ભડકેલો વિવાદની સાથે જ બે કેપ્ટન (Captain) એકબીજાની કેપ્ટનશિપ હેઠળ રમવા ન માગતા હોવાની ચર્ચાઓ વચ્ચે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મુંબઇમાં કરેલી પ્રેસ કોન્ફરન્સ પછી આ વિવાદ શમવાને બદલે વધુ ભડક્યો છે. કોહલીની વાતો પછી એક સવાલ એ ઊભો થાય છે કે કોણ જુઠ્ઠુ બોલી રહ્યું છે, ગાંગુલી કે કોહલી! વિરાટ કોહલીએ ટી-20 અને વન ડે ટીમની કેપ્ટનશિપ મામલે જે વાતો કરી છે તે બીસીસીઆઈ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરેલી વાતોથી વિપરીત છે. સૌરવ ગાંગુલીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે વિરાટે જ્યારે ટી-20 કેપ્ટનશિપ છોડવાની વાત કરી ત્યારે તેને એમ નહીં કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત વન ડે ટીમના કેપ્ટનપદેથી તેને હટાવવા મામલે પણ અગાઉથી તેની સાથે પસંદગી અધ્યક્ષ ચેતન શર્માએ વાત કરી હતી. જો કે વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં ગાંગુલીની આ વાતનો જ છેદ ઉડાવી દઇને કહ્યું હતું કે ટી-20 ટીમની કેપ્ટનશિપ નહીં છોડવા અંગે મારી સાથે BCCIના પદાધિકારીઓ દ્વારા કોઇ વાત કરવામાં નથી આવી. સાથે જ તેણે કહ્યું હતું કે વન ડે ટીમની કેપ્ટનશિપ મામલે મને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમની પસંદગીની 90 મિનીટ પહેલા આ અંગે જાણ કરવામાં આવી હતી. કોહલીની પ્રેસ કોન્ફરન્સ પછી ક્રિકેટ ચાહકોએ આ મામલે સૌરવ ગાંગુલી પર સવાલ ઉઠાવીને તેનું રાજીનામુ માગ્યુ છે અને તેને પગલે BCCIના એક અધિકારીએ કોહલીના દાવાને ફગાવીને કહી દીધુ છે કે કોહલીને તો સપ્ટેમ્બરમાં જ વિનંતી કરવામાં આવી હતી અને વન ડે કેપ્ટનશિપ મામલે સવારે જ તેની સાથે વાત થઇ ગઇ હતી.

સૌરવ ગાંગુલીએ એકતરફ ટી-20 કેપ્ટનશિપ ન છોડવા વિરાટ કોહલીને BCCIએ વિનંતી કરી હોવાની વાત કરી હતી, અને વન ડે ટીમના કેપ્ટન મામલે વિરાટ સાથે પહેલાથી જ વાત કરી લેવાઇ હતી ત્યારે વિરાટ કોહલીએ સામે એવું જાહેર કરી દીધું કે ટી-20 કેપ્ટનશિપ ન છોડવા અંગે મને કોઇ વિનંતી કરાઇ નહોતી અને વન ડે ટીમના કેપ્ટન તરીકે મને બદલી નાંખવાની વાત ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા કરવામાં આવી હતી, હવે આ બંનેના નિવેદનો એકબીજાથી વિરોધાભાષી છે, ત્યારે સવાલ એ થાય છે કે બંનેમાંથી ખોટું કોણ બોલે છે અને જો ખોટું બોલતા હોય તો તે શા માટે બોલી રહ્યા છે.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે જ્યારે એવું કહ્યું કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની પસંદગીની 90 મિનીટ પહેલા મને વન ડે ટીમના કેપ્ટનપદેથી હટાવી દેવાયો હતો અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ મને કદી પણ ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવા બાબતે પુનર્વિચારણા કરવા માટે કહ્યું નથી ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં સૌથી પહેલો સવાલ એ ઉઠ્યો હતો કે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ અગાઉ કહ્યું હતું કે કોહલીને ટી-20 ટીમનું કેપ્ટનપદ ન છોડવા માટે અમે સમજાવ્યો હતો પણ તે ના માનતા વ્હાઇટ બોલ ક્રિકેટમાં બે કેપ્ટન હોવા યોગ્ય ન લાગતા અમે રોહિતને કેપ્ટન બનાવ્યો હતો, એ વાત શું ગાંગુલીએ એમ જ અદ્ધરતાલ કરી હતી. કારણ વિરાટે એવું કહ્યું હતું કે જે નિર્ણય કરાયો, તે બાબતે જે પણ સંવાદ થયા અને એ બાબતે જે પણ કહેવામાં આવ્યું તે ખોટું છે. હવે કોહલી આટલેથી જ અટક્યો નહોતો પણ તેણે એવું પણ કહ્યું હતું કે 8 ડિસેમ્બરે ટેસ્ટ સીરિઝની પસંદગી બેઠકના દોઢ કલાક પહેલા મારી સાથે સંપર્ક કરાયો હતો અને તેના પહેલા ટી-20 કેપ્ટનશિપ બાબતે મારા નિર્ણયની જાહેરાત પછી મારી સાથે કોઇ વાત કરવામાં આવી નથી. કોહલીએ કહ્યું હતું કે જ્યારે મેં ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડી તો ત્યારે મેં પહેલા BCCIનો સંપર્ક કર્યો હતો અને તેમને મારો નિર્ણય જણાવ્યો હતો, મેં તેમને કારણો જણાવીને કહ્યું હતું કે હું શા માટે ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવા માગુ છું. BCCIના પદાધિકારીઓએ મારા નિર્ણયને પ્રગતિશિલ ગણાવ્યો હતો.

કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલીને બધી વાતો કરતાં BCCI ભડક્યું હતું અને તે પછી BCCI દ્વારા આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવાના સ્થાને મીડિયાને છુપી રીતે જાણ કરીને કોહલીના દાવાને ખોટા ગણાવ્યા હતા. હંમેશની જેમ તેના માટે મીડિયા દ્વારા પણ BCCIના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે જેવા વાક્યનો પ્રયોગ કરાયો હતો. આ કથિત BCCI અધિકારીએ કહ્યું હતું કે કહ્યું હતું કે વિરાટ કોહલી એવું ન કહી શકે કે અમે તેને લુપમાં નહોતો રાખ્યો. અમે તેની સાથે સપ્ટેમ્બરમાં જ વાત કરીને ટી-20 કેપ્ટનશિપ નહીં છોડવા માટે કહ્યું હતું. હવે કોહલીએ જ્યારે ટી-20 કેપ્ટનશિપ છોડી જ દીધી હતી તો વ્હાઇટ બોલ ક્રિકેટમાં બે કેપ્ટન રાખવા યોગ્ય નહોતા. ચેતન શર્માએ વન ડેની કેપ્ટનશિપ સંબંધે ટેસ્ટ ટીમની પસંદગી માટેની મીટિંગની સવારે જ કોહલીને આ મામલે જાણ કરી દીધી હતી. BCCI દ્વારા જો કે આ મામલે સત્તાવાર કોઇ વાત કરવાના સ્થાને BCCIના એક અધિકારી વાળી જૂની પદ્ધતિ શા માટે અપનાવી તે સમજી શકાતું નથી. BCCI માટે સમસ્યા એ છે કે આ વખતે તેમનો પનારો કોહલી જેવા ખેલાડી સાથે થયો છે, અને પહેલીવાર એવો કોઇ ખેલાડી પાક્યો છે જેણે BCCIની ત્રૂટીઓ સામે આંગળી ચીંધી છે. બની શકે કે કોહલીની કેરિયર પર પડદો પડી પણ જાય, જો કે કોહલીના ફેન ફોલોઇંગને ધ્યાને લેતા એ કરવું એટલું સરળ પણ નહી રહે એ વાત BCCIના ટોચના અધિકારીઓ જાણે છે અને તેથી જ તેઓએ અત્યારે ચુપ રહેવાનું નક્કી કરી લીધું હોય તેવું લાગે છે.

Most Popular

To Top