SURAT

વરાછામાં બીયુસી વગરની મિલકતોમાં ધમધમતા હીરાનાં બે કારખાનાં સહિત 586 મિલકત સીલ

સુરતઃ (Surat) શહેરમાં બીયુસી અને ફાયર સેફ્ટીની (Fire Safety) એનઓસી વગરની કોમર્શિયલ મિલકતો સામે મનપા દ્વારા ચલાવાઇ રહેલી ઝુંબેશના બીજા દિવસે 586 મિલકત સામે સીલિંગની કાર્યવાહી કરાઇ હતી. મનપા દ્વારા વરાછામાં 2 હીરાનાં કારખાનાં (Diamond Factories) અને 60 દુકાનને સીલ કરાયાં હતાં. જ્યારે 29 હોસ્પિટલને નિયમોની અમલવારી કરવા આખરી નોટિસ અપાઇ હતી. દરમિયાન હીરાનાં બે કારખાનાંમાં સીલિંગની કામગીરી દરમિયાન અહીં કામ કરતા 300થી વધુ રત્નકલાકાર બેકાર થઇ જવાની દલીલ સાથે હોબાળો પણ મચાવાયો હતો. તેમજ ઘર્ષણની સ્થિતિ ઊભી થતાં મનપા દ્વારા પોલીસ બોલાવી પોલીસ પ્રોટેક્શન વચ્ચે કાર્યવાહી કરાઇ હતી.

કોરોનાની બીજી લહેર વખતે કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બાદ હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી અને બીયુ સર્ટિ.ના નિયમોના કડક અમલ મુદ્દે પિટિશન થઇ છે. જેની સુનાવણી આગામી તા.23મી ડિસેમ્બરે છે. તેમાં રાજ્ય સરકારે આ મુદ્દે લેવાયેલાં પગલાંની વિગતો રજૂ કરવાની હોવાથી મનપા દ્વારા આવી મિલકતો સામે આંખ લાલ કરવામાં આવી છે. શુક્રવારે મનપા દ્વારા ટીપી-69 ડિંડોલી-ગોડાદરામાં ફાઇનલ પ્લોટ-4/1 પૈકી 2 સ્થિત ચાર માળના સાંઇ સૃષ્ટિ કોમ્પ્લેક્સને સીલ કરાયું હતું. જેમાં બે માળ સુધીની 46 દુકાન સીલ કરાઇ છે.

જ્યારે વરાછા ઝોનમાં ટીપી-4 અશ્વિનીકુમાર રોડ ખાતે ફાઇનલ પ્લોટ નં-181 પૈકી વાળા રેડ ટર્નિંગ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 2 ફ્લોર પરના હીરાનાં કારખાનાં અને 10 દુકાન તથા 4 ઓફિસને સીલ મરાયું હતું. જો કે, આ કારખાનામાં 300થી વધુ કારીગરને માંડ પાટે ચડેલી કામધંધાની ગાડી ફરીથી પાટા પરથી ઊતરી જવાના ભયથી હોબાળો મચી ગયો હતો. જેથી પોલીસ બોલાવવી પડી હતી.

લિંબાયતમાં રઝાનગરની દુકાનો સીલ કરતા ધરણા પ્રદર્શન


સુરત: સુરત મનપાના લિંબાયત ઝોનમાં દબાણો અને ડિમોલિશન મુદ્દે વાર તહેવારે વિવાદ ઊઠતો રહે છે. લિંબાયત ઝોનમાં રઝાનગરમાં વરસોથી ચાલતી દુકાનો સામે અચાનક કાર્યવાહી હાથ ધરાતાં વિવાદ થયો હતો. તેમજ કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ સ્થળ પર જઇ વિરોધ કર્યો હતો. તેમજ લિંબાયતના ઝોનલ ચીફ આર.જે.માકડિયા ભાજપના એજન્ટ બનીને ગરીબ લોકોને ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. અને આ સીલ બાબતે શુક્રવારે લિંબાયત ઝોન ઓફિસ ખાતે માજી કોર્પોરેટરની આગેવાનીમાં ધરણાં પણ કરવામાં આવ્યાં હતાં અને મોડી સાંજે લિંબાયત પોલીસે 10 વ્યક્તિની ધરપકડ કરી હતી.

અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે, દસ વર્ષ કરતાં વધુ સમયથી ધંધો કરતાં અહીંના ગરીબ દુકાનદારોને ચોક્કસ રાજકીય નેતાઓના ઇશારે ઝોનના વડા હેરાન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ફ્રૂટ માર્કેટના ડિમોલિશન વખતે પણ ઝોનલ વડા દ્વારા સાત આઠ શેડ તોડ્યા બાદ નોટિસ આપવા મુદ્દે અને બાદમાં નોટિસ પરત લઇ લેતાં વિવાદ થયો હતો અને સ્થાનિક નેતાઓના ઇશારે માકડિયાએ લિંબાયત ઝોનને વિવાદનો અડ્ડો બનાવી દીધાના આક્ષેપો થઇ રહ્યા છે.

Most Popular

To Top