મહાન સંત કબીરજી જ્યાં રહેતા હતા ત્યાં તેમના ચાહનારાઓ અને શિષ્યો હતા તેમ વિરોધીઓ અને દ્વેષીઓ પણ હતા.આ વિરોધીઓનું એક જ કામ હતું ગમે તે રીતે કબીરજીને હેરાન પરેશાન કરવા અને તેઓ જે કરે તેનો વિરોધ કરવો અને બાધા નાખવી. વિરોધીઓ રોજ ને રોજ કોઈને કોઈ નવી રીત શોધીને કબીરજીને પરેશાન કરે.પરંતુ કબીરજી હંમેશા શાંત જ રહે, બિલકુલ ક્રોધ ન કરે.વિરોધીઓ તેમને ગમે તેટલાં કટુ વચનો બોલે, તેઓ ચૂપ જ રહેતા.
એક પણ કટુવચન ન બોલતા શાંતિથી બધું સહન કરી લેતા અને પોતાના કામ અને ભક્તિમાં રત રહેતા. એક દિવસ સાંજે કબીરજી ઝાડ નીચે બેસીને પોતાના શિષ્યો સાથે સાંજની પ્રાર્થના શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા.જેવી કબીરજીએ પ્રાર્થના કરવાની શરૂઆત કરી ત્યારે તરત જ તેમના વિરોધીઓએ ઢોલ નગારા વગાડવાનું શરૂ કરી દીધું.કબીરજી તો પોતાની આંખ બંધ કરીને પ્રાર્થના કરતા રહ્યા.શિષ્યોએ પણ પ્રાર્થના કરી, પણ પ્રાર્થના બાદ તેમને બહુ ગુસ્સો આવ્યો.
પ્રાર્થના બાદ શિષ્યોએ પોતાનો ગુસ્સો ઠાલવતા કબીરજીને કહ્યું, ‘ગુરુજી, હવે તો આ વિરોધીઓ હદ કરે છે.’ કબીરજી બોલ્યા, ‘તેઓ શું કરે છે તેની પર આપણે ધ્યાન નથી આપવાનું, આપણે શું કરીએ છીએ તેની પર જ આપણે ધ્યાન આપવાનું છે.’ બીજા શિષ્યે કહ્યું, ‘પણ ગુરુજી, આપણે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે આ વિરોધીઓ જાણી જોઇને આપણી પ્રાર્થનામાં વિઘ્ન નાખવા ઢોલનગારા વગાડી રહ્યા હતા.છતાં તમે કંઈ બોલ્યા નહિ.તમારે વિરોધ કરવા જેવો હતો.તમે તેમને કેમ કંઈ કહ્યું નહિ.’ કબીરજીએ કહ્યું, ‘એમણે ઢોલ નગારાનો અવાજ કર્યો તે તમે સાંભળ્યો?’ શિષ્યો બોલ્યા, ‘હા ગુરુજી આટલો મોટો ઢોલ નગારાનો અવાજ તો સંભળાય જ ને..’ કબીરજીએ કહ્યું, ‘વિરોધીઓ ઢોલ નગારાનો અવાજ કરતા હતા ત્યારે તમે શું કરતા હતા?’
શિષ્યોએ કહ્યું, ‘ગુરુજી, આપણે બધા સાંજની પ્રાર્થના કરી રહ્યા હતા.’ કબીરજીએ કહ્યું, ‘શિષ્યો, તમે પ્રાર્થના કરી રહ્યા ન હતા, માત્ર પ્રાર્થના કરવાનો ઢોંગ કરી રહ્યા હતા કારણ કે જો તમે સાચે પ્રાર્થના કરી રહ્યા હોત તો તમારું સંપૂર્ણ ધ્યાન પ્રાર્થનામાં હોત. આજુબાજુનો કોઈ અવાજ તમને સંભળાત જ નહિ.પ્રાર્થનામાં એવી લગન અને મગ્નતા હોવી જોઈએ કે આજુબાજુ શું બની રહ્યું છે તેનો ખ્યાલ પણ ના રહે એ જ સાચી પ્રાર્થના ગણાય.’ શિષ્યો ચૂપ થઇ ગયા અને દૂર ઊભેલા વિરોધીઓ પણ શરમાયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે