આણંદમાં યોજાયેલી નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ ખેતી વિશય પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની, પોશાકની, ખાનપાનની, આબોહવાની એવી અનેક વિવિધતા વચ્ચે કૃષિ ક્ષેત્રની પણ આગવી વૈવિધ્યતા ભારતમાં છે. આપણે ત્યાં રણપ્રદેશથી લઈને નદીના કાંપવાળી જમીનનો પ્રદેશ છે તો સાથોસાથ પર્વતીય ટેકરા વાળી જમીન પર ખેતી અને પર્વતની ગોદમાં ફળદ્રુપ જમીનની ખેતી પણ છે. કૃષિ વિવિધતા ધરાવતા ભારતમાં આઝાદી પછી અનાજની માંગ પૂરી કરવા હરિત ક્રાંતિ આવી હતી. આના પરિણામે સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેત ઉત્પાદન વધ્યું હતું.
રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અંગે પટેલે જણાવ્યું હતું કે કાળક્રમે આપણે જે પોતાનું હતું તે વિસરી ગયા અને રાસાયણિક ખાતર પાછળ આંધળી દોટ મૂકી હતી. આવા રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડી છે. આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવો ઓડકાર આપણી થાળીમાં જે અન્ન આવે છે તે રાસાયણિક ખાતરથી પકવેલું હોય તો ધીમા પગલે શરીરમાં રોગ-બિમારીનો પેસારો પણ કરાવે છે. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ બધી પરિસ્થિતિ સામે લડવા તેમજ જળ-જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે હવે ‘બેક ટુ નેચર’- પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે – આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદમાં યોજાયેલી એગ્રિ પ્રિ-વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૧ના સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પરિણામથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે.
એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે. જેમાં ઉપયોગી દેશી ગાયના છાણ-ગૌમૂત્ર સાથે બેસન-ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતને અસરકારક કલ્ચર ગણાવતા રાજ્યપાલએ જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવાથી લઈને આચ્છાદનના મહત્વને સમજાવ્યું હતું. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં મિત્ર જીવોનો ક્ષય થાય છે જ્યારે જીવામૃત-ઘનજિવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે. વાતાવરણમાં નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે રાજ્યપાલે કહયું હતું કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે બે લાખ ખેડૂતો જોડાયા હોવાનું અને ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે