SURAT

સુરત-હોંગકોંગ હવાલા કૌભાંડ: 16 કરોડની કિંમતના ઇમ્પોર્ટ થયેલા હીરાના 6 બોક્સ ગાયબ

સુરત: ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરત રીજ્યનના ઇન્ટેલિજન્સ ઓફિસર વિક્રાંતકુમારને મળેલી બાતમીના આધારે સુરતથી હોંગકોંગ સુધી ફેલાયેલા હવાલા કૌભાંડનો (Hawala scam) પર્દાફાશ થયો છે. સુરત DRIએ સચિન જીઆઇડીસી પાસે આવેલા સુરત સેઝમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવનાર કરોલિના ટ્રેડિંગ ઇન્ડિયા પ્રા.લિ.ના ત્રણે આરોપી એવા ડિરેક્ટરો રાકેશ ભીખમચંદ રામપુરિયા, સાગર બિપીનચંદ્ર શાહ અને વિકાસ વિજયચંદ ચોપડાની રિમાન્ડ દરમિયાન પૂછપરછ શરૂ કરી છે DRIની ટીમ આજે સચિન સેઝમાં આવેલા ત્રણેના યુનિટમાં પણ પહોંચી હતી. DRIએ જે દસ્તાવેજો જપ્ત કર્યા છે તે પ્રમાણે ત્રણે કહેવાતા હીરા ઉદ્યોગકારોએ (Diamond Industrialist) 1016 કરોડના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ એટલે કે અસલ નેચરલ ડાયમંડ ઇમ્પોર્ટ કર્યાનું ડોક્યુમેન્ટમાં દર્શાવ્યું છે. DRIના દરોડા દરમિયાન 1.34 કરોડની કિંમતનું હીરાનું એક કન્સાઇનમેન્ટ મળી આવ્યું છે. DRI અત્યારે 16 કરોડની કિંમતના ઇમ્પોર્ટ થયેલા હીરાના 6 બોક્સ શોધી રહી છે.

આ હીરા ગાયબ હોવાથી 7.5 ટકા ઇમ્પોર્ટ ડયૂટી લેખે આરોપીઓને 1.23 કરોડનો ટેક્સ પણ ભરવાનો આવશે. DRIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ આર્ટિફિશ્યલ ફેક ડાયમંડ એટલે કે મોઝેરેટ ડાયમંડ ઇમ્પોર્ટ કરતાં હતાં. ત્રણેય આરોપીઓ દુબઇ અને હોંગકોંગથી નકલી હીરાના લોટમાં 10 ટકા રિયલ ડાયમંડ ઇમ્પોર્ટ કરતા હતા. 10 ટકા અસલી હીરા લોકલ માર્કેટમાં વેચી દેતા હતા અને એ રીતે ડોમેસ્ટિક માર્કેટમાં સેઝમાં ઇમ્પોર્ટ થયેલા હીરા એક્સપોર્ટ કરવાને બદલે વેચી દેવાનો ગુનો પણ આચરતા હતાં. આ સમગ્ર મામલામાં 650 કરોડ રૂપિયા સુરતથી હવાલા મારફત હોંગકોંગ મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

નકલી હીરા એટલે કે મોઝેનાઇટ ડાયમંડને સિલ્વર જ્વેલરીમાં ફિટ કરી રીયલ ડાયમંડની સ્ટડેડ જ્વેલરી તરીકે એક્સપોર્ટ કરવાનો મામલો પણ બહાર આવ્યો
કરોલિના ટ્રેડિંગ ઇન્ડિયા પ્રા.લિ.ના ત્રણે પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડિ જોઇ DRIના અધિકારીઓ પણ ચોંકી ઊઠયા હતા. નકલી હીરા એટલે કે મોઝેનાઇટ ડાયમંડને સિલ્વર જ્વેલરીમાં ફિટ કરી રીયલ ડાયમંડની સ્ટડેડ જ્વેલરી તરીકે એક્સપોર્ટ પણ કરતા હતા. જેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટને શંકા ન જાય આ મામલામાં એક્સપોર્ટનો આંકડો ખૂબ ઊંચો એટલા માટે જણાય છે કે સિલ્વર જ્વેલરીમાં નકલી હીરાનો ઉપયોગ કરી એક્સપોર્ટના ડોક્યુમેન્ટ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરીના બનાવવામાં આવતા હતા. જો કે અત્યારે DRIએ સેઝમાં કેટલા કરોડના હીરા આવ્યા અને તે પેટે કેટલી રકમ વિદેશ ગઇ તે દિશામાં તપાસ શરૂ કરી છે. હીરાની હેર-ફેર માટે તથા રોકડ મોકલવા માટે સુરતની આંગડિયા પેઢીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

હવાલાથી 675 કરોડ હોંગકોંગ મોકલાયા, આરોપીઓના વ્હોટસએપ ગ્રુપનો ડેટા પણ DRIએ મેળવ્યો
સુરતથી હવાલા થકી 675 કરોડ હોંગકોંગ મોકલાયાની વિગતો DRI દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેને આધારે કોર્ટે ત્રણે આરોપીઓને બે દિવસના રિમાન્ડ પણ આપ્યા છે. દરોડા વખતે DRI દ્વારા આરોપીઓના વ્હોટસએપ ચેક કરતા હવાલા માટે હોંગકોંગનું એક ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. તેમાં મેસેજની આપલે કરવામાં આવતી હતી. આરોપીઓ સુરતમાં નેચરલ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ કોને વેચતા હતા. સુરતથી હોંગકોંગમાં 675 કરોડ કઇ પાર્ટીઓને મોકલવામાં આવ્યા છે. મોઝેનાઇટ ડાયમંડ કોની પાસેથી મંગાવતા હતા, આંગડિયાઓની ભૂમિકા શું છે તેનું પગેરુ DRI શોધી રહી છે. આ મામલામાં આવતી કાલે આરોપીઓના રિમાન્ડ પુરા થતા ત્રણેની અન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે. DRIને આશંકા છે કે સેઝમાં સાચો વેપાર થયો નથી ત્યારે 675 કરોડ રૂપિયા હીરા ઉદ્યોગના કયા લોકોના મોકલવામાં આવ્યા છે તે પણ તપાસમાં બહાર આવી શકે છે.

Most Popular

To Top