SURAT

ખેતમજૂરી કરતી ઝારખંડની અહિલ્યા દેવીની 50 હજારની આ વસ્તુઓ સુરતીઓએ 2 દિવસમાં ખરીદી લીધી

સુરત: (Surat) વિખ્યાત અભિનેતા અને ગાયક કિશોરકુમારના પુત્ર અને લવ સ્ટોરી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયેલા બોલિવુડના પ્લેબેક સિંગર અમિતકુમારને (Amit Kumar) સાંભળવા વનિતા વિશ્રામ ખાતે ચાલી રહેલા હુનર હાટમાં (Hoonar Haat) મોટી સંખ્યામાં તેમના ચાહકો ઊમટી પડયા હતાં. વર્ષો પછી અમિતકુમાર સુરતમાં કાર્યક્રમ આપવા આવ્યા હતા. છેલ્લે તેમણે 10 વર્ષ અગાઉ ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ આપ્યો હતો. અમિતકુમારે લોકપ્રિય ગીતો રજૂ કરી મંગળવારની રાતે માહોલ જમાવી દીધો હતો. અમિતકુમારે કાર્યક્રમની શરૂઆત ‘બડે અચ્છે લગતે હો’ ગીતથી કરી હતી. તે પછી લવસ્ટોરી ફિલ્મનું ‘યાદ આ રહી હે’ અને તેજાબ ફિલ્મનું ‘કેહદો કે તુમ મેરી વરના, એક દો તીન, નીલે નીલે અંબર પે, દેખાના હાયરે સોચાના હાયરે જેવા લોકપ્રિય ગીતો ગાઇ લોકોને ઝૂમતા કરી દીધા હતાં. અમિતકુમારે કિશોરકુમારના અમર ગીતો ‘એક અજનબી હસીના સે, મેરે સપનોકી રાની, પલ પલ દિલ કે પાસ ગીતો ગાઇને સમા બાંધી દીધો હતો. આવતી કાલે 15 ડિસેમ્બરે બુધવારે બોલીવુડના જાણીતા ગાયક સુરેશ વાડકર લોકપ્રિય ગીતો રજૂ કરશે.

100 રૂપિયા રોજ પર ખેતરમાં મજૂરી કામ કરતી ઝારખંડની અહિલ્યા દેવીની 50 હજારની વસ્તુઓ 2 દિવસમાં વેચાઇ જતા ગદગદિત થઇ
ઝારખંડના એક નાનકડા ગામ પત્રાતુની અહિલ્યા દેવી 100 રૂપિયાના રોજના વેતન પર ખેત મજૂર તરીકે કામ કરતી હતી. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયે તેમને હુનર હાટમાં વિના મૂલ્યે એક સ્ટોલ આપ્યો હતો. સુરતના હુનર હાટમાં માત્ર 2 દિવસમાં તેણીના પરિવારે બનાવેલી 50 હજાર રૂપિયાની કિંમતની વસ્તુઓ વેચાઇ જતા અહિલ્યા દેવી ગદગદિત થઇ હતી. તેણીએ કહ્યું હતું કે કલાના સાચા કદરદાન સુરતમાં રહે છે. હુનર હાટના 70 નંબરના સ્ટોલમાં અહિલ્યા દેવી અને તેની ભાભી સંગીતાદેવી શેરડી અને વાંસમાંથી ઘરવખરીનો સામાન બનાવે છે. અહિલ્યાનો પતિ ગામના સાપ્તાહિક હાટ બજારમાં વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

પ્રથમવાર સુરતમાં હુનર હાટમાં આવેલી મહારાષ્ટ્રના થાણેની શાલિની શાહુની મોટાભાગની વસ્તુ વેચાઇ ગઇ
શાલિની શાહુની કહાની પણ આવી જ છે. મહારાષ્ટ્રના થાણેથી સુરતના હુનર હાટમાં આવેલી શાલિની કાગળ અને માટીમાંથી નાની વસ્તુઓ બનાવે છે. છેલ્લા 5 વર્ષથી તે રોજબરોજના ઉપયોગથી લઈને રાચરચિલું બનાવવાનું કામ કરી રહી છે. તે તેના 5 કારીગરો સાથે ઉત્પાદનનું કામ જાતે કરે છે જ્યારે તેના પતિ વેચાણનું કામ કરે છે. પહેલીવાર હુનર હાટે તેમને એક તક આપી છે જ્યાં શાલિની સાહુ સારી આવકથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. સુરતમાં શાલિનીની ટીમે બનાવેલી મોટાભાગની વસ્તુઓ વેચાઇ જતા સારી વસ્તુઓના ખરીદદાર હજી રહ્યા છે તેઓ સુર તેણીએ વ્યકત કર્યો હતો.

સુરત જેવો પ્રતિસાદ ક્યાંય મળ્યો નથી: એચ.બી. જાન
સુરતના હુનર હાટમાં જે કર્ણાટકના ચાનાપટનાના રહેવાસી એચ.બી. જાન, કહે છે કે છેલ્લા 40 વર્ષથી તેના પરિવાર સાથે લાકડાના રમકડા બનાવે છે. આ ત્રીજી વખત છે જ્યારે તેને હુનર હાટમાં સ્ટોલ મળ્યો છે. પરંતુ સુરત જેવો પ્રતિસાદ ક્યાંય મળ્યો નથી. તે તેના પુત્ર કે. તબરકુલ્લા સાથે સ્ટોલ નંબર 62 પર રમકડાં વેચે છે. આ કામથી તે માત્ર તેના પરિવારની જ દેખભાળ નથી કરી રહી, પરંતુ તે તમામ કારીગરો અને તેમના પરિવારને આર્થિક મદદ પણ કરી રહી છે.

Most Popular

To Top