Gujarat Main

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો એક લિટીમાં જવાબ, ‘અમારી પાસે પુરાવા નથી’

અમદાવાદ : ગયા રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળ (Secondary Service Selection Board) દ્વારા હેડ કલાર્કની પરીક્ષા (Examination of Head Clerk) લેવામાં આવી હતી. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ફૂટી (Paper leak) ગયા હોવાની માહિતી મળ્યા બાદ સરકારી તંત્ર દોડતું થયું છે. આમ આદમી પાર્ટીના નેતાએ પુરાવા તંત્રને આપ્યા હોવાની જાહેરાત કરી છે તો બીજી તરફ આજે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ એક જ લિટીમાં એવી સ્પષ્ટતા કરી કે અત્યાર સુધી અમને પેપર લીક થયા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. કોઈ ફરિયાદ પણ મળી નથી. ગેરરીતિ હશે અને તેના પુરાવા મળશે તો પગલાં લઈશું. હાલ આન્સર કી આપવાની પ્રક્રિયા સ્થગતિ કરી દેવાઈ છે.

અસિત વોરાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ, તટસ્થ અને પારદર્શી રીતે લેવાય તેવા અમારા પ્રયાસો રહેતા હોય છે. તાજેતરમાં હેડ ક્લાર્કના 186 જેટલી જગ્યા માટે 2 લાખ 41 હજાર 400 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. તે પૈકી અંદાજે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.આ પરીક્ષાઓ 782 પરીક્ષા કેન્દ્રો પરથી સંપૂર્ણ પારદર્શી રીતે પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષા શાંતિપૂર્વક આટોપી લેવાઈ હતી. તેના બીજા દિવસે પેપર લીકનો મુદ્દો ઉઠ્યો હતો. મંડળ પણ આ સમાચાર સાંભળી ચોંકી ઉઠ્યું હતું. આ વિષય પર મંડળના સભ્યોએ ચર્ચા કરી હતી પરંતુ અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. પેપર લીકના કોઈ પુરાવા નથી. તેથી અમે સાબરકાંઠા પોલીસને માહિતી આપી દીધી છે. તેઓ પોતાની રીતે તપાસ કરી રહ્યાં છે. 16 ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે. અત્યાર સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી, તેથી કોઈ કાર્યવાહી કરાઈ નથી. જયારે ફરિયાદ અને પુરાવા મળશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે સવારે ગૃહ રાજ્યમંત્રી સાથે મીટિંગ થઈ, તેમજ આ મામલે પોલીસ તંત્ર સાબદુ છે. કોઈ ગેરરીતિ જણાશે તો તંત્ર પગલા લેશે. ગેરરીતી થઈ હશે તો બક્ષવામાં નહિ આવે. તમામ લેવલે સંપર્ક કરીને પરીક્ષાની સિસ્ટમ અંગે ચકાસણી કરાશે. તેમજ તેમણે કહ્યું કે, અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા આવ્યા નથી. અમારી પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા આવ્યા નથી. ગૃહરાજ્ય મંત્રીએ ખાતરી આપી કે દોષિતોને નહિ છોડાય.

હિમંતનગરના કેતન પટેલની એસયુવીમાં પેપર લઈ જવાયાનો ઘટસ્ફોટ

પેપર લીક કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. જે ગાડીમાં પેપર લઈ જવાયા હતા તેનો નંબર સામે આવ્યો છે. ગાડીનો નંબર GJ 09 BJ 2416 છે. આ ગાડી સાબરકાંઠામાં હિમંતનગરના સરનામે રજિસ્ટર્ડ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તે એક એસયુવી ગાડી છે અને તે કેતન પટેલ નામના શખ્સનું નામ પર રજિસ્ટર્ડ છે.

પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 8 ની અટકાયત કરાઈ

હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ ૮ થી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામને કોલ ડિટેઈલ્સને આધારે પકડ્યા છે. પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પણ અટકાયત કરાઈ છે.

પેપર લીકના દર્શાવેયલા ફાર્મહાઉસનો ફોટો ખોટો

હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે તેવું ડૉ. નીતિન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યા છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્કની પરીક્ષા કુલ 6 સેન્ટરો પર લેવાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતાં. જેમાં 186 જગ્યા માટે કુલ 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી,

Most Popular

To Top