એક ધનાઢ્ય વિદ્યાર્થી ચિત્રકાર પાસે ચિત્રકલા શીખવા આવ્યો. ચિત્રકારની એકદમ નાનકડી પણ સરસ કાર્યશાળા હતી અને બહુ નહિ માત્ર આઠ થી દસ વિદ્યાર્થીઓને અહીં ચિત્રકળા શીખવવામાં આવતી.અને તેમને રહેવા માટે પણ એક અલાયદી રૂમ આપવામાં આવતી જેથી વહેલી સવારે કે મોડી રાતે પોતાની ઈચ્છા પ્રમાણે તેઓ ચિત્ર દોરી શકે.ધનાઢ્ય વિદ્યાર્થી ચિત્રકામ સરસ કરતો હતો પણ હંમેશા નોકરોની વચ્ચે રહ્યો હોવાથી તેને પોતાનું કોઈપણ કામ જાતે કરવાની ટેવ ન હતી.તેના રૂમમાં તેના કપડા …બીજો સમાન …ચિત્રકામની પીંછી અને તેના રંગો ચારેબાજુ ફેલાયેલા રહેતા.અને ચાર દિવસની અંદર તો તેનો રૂમ રહેવાલાયક ન ગણાય તેટલો અવ્યવસ્થિત થઇ ગયો.
એક સાંજે ચિત્રકાર બધા વિદ્યાર્થીઓને સૂર્યાસ્તનું ચિત્ર દોરવાનું કામ આપી કાર્યશાળામાં આંટો મારવા નીકળ્યા.જોયું તો હજી ચાર દિવસ પહેલા આવેલા શ્રીમંત વિદ્યાર્થીની રૂમમાં બધું એકદમ અસ્તવ્યસ્ત પડ્યું હતું.ચિત્રકાર પોતે અંદર ગયા.રંગો અને પીંછીઓ વ્યવસ્થિત ગોઠવ્યા.ફેયાલેયા કપડાં ગડી વાળી મુક્યા. રૂમમાં ઝાડું પોતા કરી રૂમ સાફ કર્યો બધું વ્યવસ્થિત ગોઠવી તેઓ ત્યાંથી આગળ વધી ગયા.
શ્રીમંત વિદ્યાર્થી રૂમમાં આવ્યો અને રૂમમાં બધું વ્યવસ્થિત જોઇને તેને નવાઈ લાગી.તેણે તપાસ કરી કે શાળાના ક્યાં નોકરે મારી રૂમ સાફ કરી તો જાણવા મળ્યું કે શાળામાં બધા પોતાની રૂમ પોતે જ સાફ કરે છે તે માટે કોઈ નોકર નથી.એટલે તેને મુંઝવણ વધી કે મારી રૂમ કોણે સાફ કરી હશે ?? બીજા વિદ્યાર્થીઓને પૂછ્યું તો બધાએ કહ્યું અમને ખબર નથી. વિદ્યાર્થી કોને રૂમ સાફ કરી તે વિષે વિચારતો રહ્યો અને વળી ત્રણ દિવસમાં રૂમ અવ્યવસ્થિત થી ગઈ કારણ કે તે પોતે કોઈ કામ કરતો ન હતો.
ચોથા દિવસે ચિત્રકારે વળી તેની રૂમ અવ્યવસ્થિત જોઈ અને તરત બરાબર ગોઠવવા લાગ્યા.ચિત્રકાર રૂમ વ્યવસ્થિત કરતા હતા બરાબર તે જ સમયે તે વિદ્યાર્થી પોતાની રૂમમાં કૈંક લેવા આવ્યો અને જોયું કે પોતાના શિક્ષક તેની રૂમ સાફ કરી રહ્યા છે તે ભોંઠો પડી ગયો કે મારા શિક્ષક મારા રૂમની સાફ સફાઈ કરે તે કેવું કહેવાય ?? તે માફી માંગવા લાગ્યો. ચિત્રકાર બોલ્યા, ‘ચિત્રકળા એક સાધના છે.કોઈપણ કલાસાધના અવ્યવસ્થિત અને અગવડભરેલા વાતાવરણમાં શક્ય નથી.તને કામ કરવાની ટેવ નથી એટલે તું કોઈ કામ કરતો નથી.પરંતુ મારો વિદ્યાર્થી ચિત્ત દઈને પોતાની કલા શીખી શકે તેવું વાતાવરણ આપવું મારી જવાબદારી છે એટલે તારો રૂમ સાફ કરવાની જવાબદારી પણ મારી થઇ.અને હા, એક શિક્ષક તરીકે તને જે ન આવડતું હોય તે શીખવવાની જવાબદારી પણ મારી જ છે એટલે આજથી જ હું તને સાફસફાઈના અને તારા પોતાના કામ જાતે કરતા શીખવીશ એટલે થોડા દિવસમાં તને બધું આવડી જશે અને તું તારા બધા કામ જાતે કરી શકીશ.’ વિદ્યાર્થી સાચા શિક્ષકના ચરણોમાં નમ્યો અને તે દિવસથી જાતે કામ કરતા શીખવા લાગ્યો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.