Dakshin Gujarat

ચલથાણ સુગરના 40 મજૂરને ઝાડા-ઊલટી, 7 ગંભીર

પલસાણા, બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના અંચેલી અને પથરાડિયા ગામે પડાવમાં રહેતા શેરડી કાપતા મજૂરોમાં (Labor) ઝાડા-ઊલટીનો વાવર ફેલાતાં આરોગ્ય તંત્ર અને સુગર ફેક્ટરી (Sugar factory) સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. બીમાર મજૂરોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને ચલથાણની સંજીવીની હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. અંચેલીના મજૂરો પથરોણ શેરડી કાપવા માટે ગયા હતા. જ્યાં દૂષિત પાણી પીવાથી ઝાડા-ઊલટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.

  • અંચેલી અને પથરાડિયા ગામે પડાવમાં રહેતા મજૂરોમાં ઝાડા-ઊલટીનો વાવર ફેલાતાં આરોગ્ય તંત્ર અને સુગર સંચાલકોમાં દોડધામ
  • પાણીની પાઇપ લાઇનમાં લીકેજ હોવાથી દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાથી સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન

ચલથાણ સુગર ફેક્ટરીના શેરડી કાપતા મજૂરોનો પડાવ બારડોલી તાલુકાના અંચેલી ખાતે આવેલો છે. આ પડાવમાં રહેતા મજૂરો બે દિવસ પૂર્વે નજીકના મહુવા તાલુકાના પથરોણ ગામે શેરડી કાપવા માટે ગયા હતા. જ્યાં બાળકો સહિત 40 જેટલા મજૂરોને ઝાડા-ઊલટી થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તમામ મજૂરોને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ, બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી સરવે કામગીરી શરૂ કરી હતી. જેમાં દૂષિત પાણી પીવાથી ઝાડા-ઊલટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન આરોગ્ય વિભાગે લગાવ્યું હતું. આ દર્દીઓમાં 9 બાળકનો પણ સમાવેશ થાય છે. 7 મજૂરની હાલત નાજૂક હોવાથી સંજીવની હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હોવાની માહિતી મળી રહી છે. પાણીની પાઇપ લાઇનમાં લીકેજ હોવાથી દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું આરોગ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

પથરાડિયામાં મઢી સુગર ફેક્ટરીના 9 મજૂર ઝાડા-ઊલટીની ચપેટે
અન્ય એક બનાવમાં બારડોલી તાલુકાના પથરાડિયા ગામમાં પણ મઢી સુગર ફેક્ટરીના મજૂરો ઝાડા-ઊલટીનો શિકાર બન્યા છે. બારડોલીના તાલુકા આરોગ્ય અધિકારી પંકજભાઈના જણાવ્યા અનુસાર પથરરાડિયામાં મજૂરોને ઝાડા-ઊલટી થયા હોવાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને સરવે કામગીરી શરૂ કરી હતી. બે જગ્યાએ પાણીની લાઇનમાં લીકેજ મળ્યાં હતાં. આથી દૂષિત પાણી પીવાથી ઝાડા-ઊલટી થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ મઢી સુગર ફેક્ટરીના 9 જેટલા મજૂર સારવાર લઈ રહ્યા છે.

Most Popular

To Top