ભરૂચ: (Bharuch) સાતપુડા વિસ્તારમાં આવેલા નેત્રંગના નાના જાબુંડા ગામે આદિવાસી ખેડૂત (Farmer) તેના મોતિયા જંગલ વગામાં આવેલા ખેતરમાં (Farm) પત્ની સાથે તુવેર તોડવા ગયા હતા. એ વેળા પાણીની ગટરમાંથી ઓચિંતા દીપડાએ (Panther) હુમલો કરતાં વૃદ્ધ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
નેત્રંગના નાના જાંબુડા ગામે રહેતા રામસિંગ હીરાભાઈ વસાવા મોતિયાએ જંગલમાં તેમની સાડા ચાર એકર જમીનમાં ડાંગર અને તુવેર પાક બનાવ્યો હતો. બપોરે તેમના તુવેરના ખેતરમાં રામસિંગભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન તુવેર તોડવા માટે ગયાં હતાં. તુવેર તોડતી વખતે ખેતરના સેઢા ઉપર કોતરમાં પાણી કાઢવાની ગટરમાંથી અચાનક દીપડાએ રામસિંગભાઈ ઉપર હુમલો કર્યો હતો. આથી બંનેએ બૂમાબૂમ કરતાં દીપડો મોતિયા જંગલમાં નાસી છૂટ્યો હતો. રામસિંગભાઈ દીપડાના હુમલાથી લોહીલુહાણ થતાં તેમના દીકરા તાત્કાલિક નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા બાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની ઘટનાથી ગ્રામજનોએ દીપડાને પકડવા પાંજરું મૂકવાની માંગણી કરી હતી.
નાના જાબુંડામાં ઈજાગ્રસ્તના પુત્ર દિનેશભાઈ રામસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાદ ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇન્જેક્શન એન્ટીબોડી માટે ઉપયોગી છે. ઇન્જેક્શન આપ્યા પછી ઈજાગ્રસ્તને ટાંકા લઇ શકાય છે. આ ઈન્જેક્શન આશરે 5000 રૂપિયાનું મળે છે. જે માત્ર રાજપીપળા કે ભરૂચ સિવિલમાં સરકાર દ્વારા ઉપલબ્ધ છે. ખાસ કરીને નેત્રંગ વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવ વધારે બનતા હોવાથી સીએચસી ખાતે પણ આપવામાં આવે તેવી માંગ છે.