વ્યારા: (Vyara) સોનગઢમાં બુટલેગર (Bootlegger) પોલીસની (Police) ખાનગી ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યા બાદ પીછો કરતી પોલીસને જોઈ ગાડીઓ રસ્તે મૂકી ગયા હતા. બે ગાડીમાં પોલીસે ૪ લાખનો દારૂ (Alcohol) સાથે બે ગાડીઓ કબજે કરી હતી. આ દારૂની હેરાફેરી પ્રકરણમાં એકની અટક, જ્યારે નવ બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા છે.
- પકડાયેલી બે ગાડીમાં ૪ લાખનો દારૂ ઝડપાયો, એક બુટલેગર ઝડપાયો, નવ વોન્ટેડ
- પોલીસકર્મીને જાનથી મારી નાંખવાના ઇરાદે પોતાની ગાડી સામેથી પૂરઝડપે હંકારી શરીરે ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી હોવાથી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં બુટલેગરોની પ્રવૃત્તિ ડામવા જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારના કડક સૂચનથી એલસીબીએ સોનગઢમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, સોનગઢ તાલુકાના સીસોર ગામની સીમમાં ભાણપુરથી કણજા જતા રોડ પરથી દારૂ પસાર થઈ રહ્યો છે. નાકાબંધી કરતા દારૂની આ હેરાફેરી કરતી ગાડીઓ ઝડપાઇ ગઇ હતી. જેમાં સોનગઢથી ગાડી નં.(MH 43 X 2820)નો ડ્રાઇવર લાખાભાઇ મકાભાઇ ભરવાડ (ઉં.વ.૩૦) (રહે.,ગોપાલનગર, ભૂરીવેલ, ઉકાઇ, તા.સોનગઢ, જિ.તાપી)નો પોતાના કબજાની ટોયોટા કોરોલા ઇટીઓસ ગાડીમાં તથા નાસી જનાર ચાલક, ક્લીનરના કબજાની હુન્ડાઇ સેન્ટાફે ગાડી નં.(GJ 06 EQ 8551)માં વિદેશી દારૂ કિંમત રૂ.૪,૩૪,૪૦૦નો પ્રોહિ.ના મુદ્દામાલ તથા બે ફોર વ્હિલ ગાડી કિંમત કુલ રૂ.૬ લાખ મળી કુલ રૂ.૧૦,૩૪,૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
બુટલેગરે ટોયોટા કોરોલા ઇટીઓસ ગાડી નં.(MH 43 X 2820)ને પૂરઝડપે રિવર્સમાં લઇ પોલીસકર્મી વિનોદભાઈ પ્રતાપભાઈની ખાનગી સ્વિફ્ટ ડિઝાયર ગાડી નં.(GJ 26 A 2783)ને ટક્કર મારી ગાડીમાં આશરે રૂ.૫૦ હજારનું નુકસાન કરી પોલીસકર્મીને જાનથી મારી નાંખવાના ઇરાદે પોતાની ગાડી સામેથી પૂરઝડપે હંકારી શરીરે ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. નાસી જનાર હુન્ડાઇ કારનો ડ્રાઇવર-ક્લીનર તેમજ કોરોલા ઇટીઓસ કારનો ક્લીનર તથા અન્ય છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
પલસાણાના કરણ હાઇવે ઉપરથી ત્રણ લાખના દારૂ સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
પલસાણા: પલસાણાના કરણ ગામની સીમમાં ને.હા-48 ઉપરથી પલસાણા પોલીસે એક આઇસર ટેમ્પો અટકાવી તેમાંથી ત્રણ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મંગાવનાર તથા ભરાવનાર સહિત ત્રણ વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
નવસારી તરફથી એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કડોદરા તરફ જનાર છે, એવી બાતમીના આધારે પલસાણા પોલીસે કરણ ગામની સીમમાં ને.હા.48 ઉપર વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબનો આઇસર ટેમ્પો આવતાં તેને અટકાવ્યો હતો અને ટેમ્પોના ચાલક ઝુબેરખાન ઝાહીદઅલી ખાન (રહે., અરજાન બિલ્ડિંગ, મદીના મસ્જિદની બાજુમાં, સદભાવના સોસાયટી, કડોદરા, મૂળ રહે., યુ.પી.)ને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પોની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં સફેદ કલરની ગુણોમાં વેસ્ટેજ કોટનની આડમાં છુપાવેલા વિદેશી દારૂની કુલ 2784 નંગ બોટલ કિંમત રૂ.3 લાખ તેમજ આઇસર ટેમ્પો મળી કુલ 9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મહોમદ મુકીમ ઉર્ફે નનકૌઉ યાહયા ખાન (રહે., મદીના મસ્જિદ બાજુમાં, સદભાવના સોસાયટી, કડોદરા, મૂળ રહે., યુ.પી.) તથા રાધે (રહે., દમણ) તથા ટેમ્પોમાં આવેલા એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.