Vadodara

કઠલાલ નજીક ટેન્કર અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત : 5 મોત

નડિયાદ: કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીક ગુરૂવારે મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ વ્યક્તિઓના ઘટના સ્થળે જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે કઠલાલ પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામના જમોડ ગામે રહેતા ભરતભાઇ કશાભાઇ જમાડનો પુત્ર કિરણ તેની પ્રેમિકાને લઇને ભાગી ગયા બાદ કપડવંજ નજીક બાઇકમાં પેટ્રોલ પતી જતાં અને પૈસા ન હોવાથી અટવાયો હતો.

જેથી તેણે મિત્રનો સંપર્ક કરી, જાણ કરતાં કિરણના પિતા ભરતભાઇ તેમના અન્ય સ્વજનો સાથે બે ગાડી લઇને કપડવંજ દોડી આવ્યા હતા.  ભરતભાઇએ પુત્ર કિરણ અને તેની પ્રેમિકાને એક ગાડીમાં બેસાડી પોતે પાછળ બીજી ગાડી લઇને ઘરે જવા નીકળ્યા હતા. પુત્રને લઇ જઇ રહેલી કાર આગળ હતી. તે સમયે ભરતભાઇની કાર કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીકથી પસાર થઇ રહી હતી. આ સમયે બેફામ ગતિએ પસાર થઇ રહેલા ટેન્કર ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલી ભરતભાઇની કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો લોચો વળી ગયો હતો. અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોએ કારમાં ફસાયેલા એક પછી એક માણસોને બહાર કાઢ્યા હતા.

જોકે, ગંભીર ઇજાઓને કારણે ભરતભાઇ કશાભાઇ જમાડ, પ્રભુભાઇ લાખાભાઇ બકુડાયા, સુરેશભાઇ ચિમનભાઇ મેણિયા, વિક્રમભાઇ બાબુભાઇ ભાભરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુનિલભાઇ હરિભાઇ કુમાદરાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે કઠલાલ પોલીસે સ્થળ પર પહોંચી જઇને મૃતદેહોનો કબજો લઇને તેને પી.એમ. માટે મોકલી આપ્યા હતા. આ મામલે કિરણભાઇ ભરતભાઇ જમોડની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુત્ર અને પુત્રવધુને સુરક્ષીત ઘરે પરત લઇ જવા પરિવારજનો દોડી આવ્યા હતા

પુત્ર કિરણ તેની પ્રેમિકા સાથે ભાગી ગયા બાદ પરિવાર ચિંતામાં હતો. જોકે, કિરણે મિત્રનો સંપર્ક કરી પોતે કપડવંજ હોવાની જાણ કરતાંની સાથે જ પરિવારજનો પુત્ર અને પુત્રવધુને સુરક્ષીત ઘરે લઇ આવવા માટે કપડવંજ દોડી આવ્યો હતો. પુત્રવધુને પરિવારમાં આવકારવાની તૈયારીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઇ ગઇ હતી.

અકસ્માત સર્જનાર ટેન્કર આણંદનું

ક્ષણભરમાં એક નહીં પણ પાંચ – પાંચ ઘરનો માળો વિખેરનાર ટેન્કર આણંદનું હોવાનું જાણવા મળી રહ્યું છે. જીજે-૨3 પાસિંગના ટેન્કર ચાલક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગામમાંથી દુર્ઘટના થયાની જાણ થઇ

ભરતભાઇ તેમના ગામમાં રહેતા અશ્વિનભાઇની એક ગાડી અને બીજી એક સ્વિફ્ટ ગાડી લઇને પુત્ર કિરણ અને તેની પ્રેમિકાને લેવા માટે આવ્યા હતા. ભરતભાઇએ પુત્ર અને તેની પ્રેમિકાને અશ્વિનભાઇની ગાડીમાં બેસાડ્યા હતા અને બીજી ગાડીમાં પોતે અન્ય સ્વજનો સાથે બેઠા હતા. અશ્વિનભાઇની ગાડી કઠલાલથી આગળ નીકળી ગઇ હતી તે સમયે ગામમાંથી અશ્વિનભાઇ પર ફોન આવ્યો અને ભરતભાઇ જે ગાડીમાં હતા તે ગાડીને પોરડા પાટિયા નજીક અકસ્માત થયો હોવાની જાણ કરતાં અશ્વિનભાઇએ તુરંત જ ગાડી પાછી વાળી હતી અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં ભરતભાઇ અને અન્યોના મૃતદેહ જોઇને આઘાત પામ્યા હતા. કિરણ પણ સ્વજનોના મૃતદેહ જોઇને ભાંગી પડ્યો હતો.

Most Popular

To Top