વડોદરા :વડોદરા શહેરના માંજલપુરના રામદેવ નગરની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીનમાં રહેતા ગરીબોના કાચા ઝુંપડા હટાવવાની હલચલ થતાં જ ઉશ્કેરાયેલાં રહીશોનો મોરચો કલેકટર કચેરીએ ધસી આવ્યો હતો અને બિલ્ડર ત્રિપુટી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા આવેદનપત્ર રજૂ કર્યું હતું. વડોદરા શહેરના પોશ ગણાતા વિસ્તાર પૈકીના માંજલપુર વિસ્તારમાં રામદેવ નગરની જમીન ઉપર ભૂમાફિયાઓનો ડોળો પડતા તેને હડપ કરવાનો કારસો રચાયો હોવાનો આક્રોશ સ્થાનિક રહીશોએ ઠાલવ્યો છે.બે દિવસ પૂર્વે રામદેવનગરના રહીશોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર માંજલપુરની સીમમાં આવેલી સર્વે નંબર 268 ની ત્રણ હજાર ચોરસ મીટર કાચા-પાકા મકાનો વાળી જમીનમાં બિલ્ડર વિરૂધ્ધ લેન્ડગ્રેબિંગ નો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાની ઉગ્ર સ્વરે માંગ કરી હતી. સન 2020માં કોવિડ-19 ની મહામારી દરમિયાન બીજા દ્વારા જમીન વેચાણ લેવામાં આવી હતી.
1989માં બબુ બેન મોતીભાઈએ જમીનદાર હોવાનું વીલ દ્વારા ઠરાવતા કિરીટ સરવૈયાએ બાનાખત કરીને કબજો મેળવ્યો હતો. કિરીટભાઈએ 1993માં રામચંદ્ર લીમ્બાચીયાને કુલમુખત્યારનામું આપ્યું હતું.તેના આધારે પ્લોટ પાડીને 1994 માં વેચાણ કરવામાં આવ્યું હતું.તે પ્લોટોમાં સેંકડો લોકોએ કાચા-પાકા મકાનો બાંધતા પાલિકા લાઈટ બિલ વેરાની પણ વસૂલાત કરે છે. ભૂમાફિયાઓ એ કારસો રચતા મોતીભાઈ સોલંકી ના વારસદારો હયાત હોવા છતાં 4-6-2020 માં ત્રણ બિલ્ડરોના નામે વેચાણ દસ્તાવેજ થયો છે.સ્થળ પર ખુલ્લી જગ્યા જ ન હોવા છતાં બિલ્ડર પિયુષ છીતુંભાઈ પટેલ, કેતન મગનભાઈ પટેલ, યોગેન્દ્રસિંહ નિર્મળસિંહ સોલંકી કબજો જમાવવા રહીશોને ધાકધમકી આપીને ખાલી કરાવે છે.જેથી બિલ્ડરો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધીને સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને દસ્તાવેજ રદ કરવાની માંગ સ્થાનિક રહીશોએ કરી હતી.