SURAT

વેેન્ચુરા એર કનેક્ટની ફ્લાઈટ જો 3 મિનિટ વહેલી આવી હોત તો સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હોત

સુરત: (Surat) ગત 22 નવેમ્બરે અમરેલીથી સુરત એરપોર્ટ તરફ આવી રહેલી વેન્ચુરા એર કનેક્ટની (Ventura Air Connect) ફ્લાઇટને અકસ્માત નડતો રહી ગયો હતો. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના એક્યુરસી રીપોર્ટ પ્રમાણે 22 નવેમ્બરના રોજ 12:51 કલાકે વેન્ચુરા એર કનેક્ટની નોન શિડ્યુલ ફ્લાઇટ સુરત એરપોર્ટ (Surat Airport) પર લેન્ડિંગ થવાની તૈયારી હતી અને માત્ર સુરત એરપોર્ટના રનવેથી 2.5 નોટીકલ માઇલ દૂર હતી અને માત્ર 800 ફૂટની ઊંચાઇએ લેન્ડિંગ માટે તૈયાર હતી. તે સમયે એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર્સે આ ફ્લાઇટને ઇમરજન્સી મેસેજ મોકલી એરક્રાફ્ટને એકશન મોડ પર ઊંચાઇએ લઇ જવા આદેશ આપ્યો હતો. એટીસીએ પોલીસના અને ફાયરના વાહનો રનવેની (Run Way) નજીક હોવાનો મેસેજ આપ્યો હતો. તેને લીધે પ્લેનને પાયલટે ઊંચાઇએ લઇ જઇ મોટી દૂર્ઘટના ટાળી હતી.

એવિએશન સેક્ટરના નિષ્ણાંતો કહે છે કે જો વિમાનના પાયલટે રનવેનો એપ્રોચ લેન્ડિંગ માટે બનાવી દીધો હોત તો વિમાનમાં સવાર ક્રુ મેમ્બર સહિત 11 પેસેન્જરો અને રનવે નજીક મોકડ્રિલ માટે ઉભેલા સરકારી કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો હોત. માત્ર 3 મિનિટ બિફોર આ ફ્લાઇટ લેન્ડ થઇ હોત તો સુરત એરપોર્ટ પર બફેલો હિત પછી બીજી દુર્ઘટના સર્જાય હોત. વેન્ચુરા એર કનેક્ટના પાયલટે 22 નવેમ્બરના રોજ 13:48 કલાકે વિધિવધ ફરિયાદ નોંધાવી હતી. તેને પગલે ડીજીસીએ દ્વારા તપાસ મુકવામાં આવી છે. પ્રારંભમાં એરપોર્ટ ઓથોરીટીના સ્થાનિક અધિકારીઓ દ્વારા એવી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી કે શહેર પોલીસની 5 જેટલી જીપ અને ફાયર ટેન્ડર્સ એરપોર્ટના અધિકારીઓને જાણ કર્યા વિના રનવે સુધી પહોંચી ગયા હતા. એટીસીને તેની જાણ થતાં રનવે ખાલી કરાવવામાં આવ્યો હતો અને છેક 57 મિનિટની જહેમત પછી ફ્લાઇટ સલામતી પૂર્વક લેન્ડ થઇ હતી.

ડીજીસીએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં ડીજીસીએ દ્વારા એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. અને તેમની પાસે ઘટનાને લગતો રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના એક્યુરસી રીપોર્ટ જુદા જુદા વિભાગમાં જાહેર થઇ ગયા પછી સુરત એરપોર્ટ પર એવી ચર્ચા ચાલી રહી છે કે 22 નવેમ્બરે સુરત એરપોર્ટ પર એરોડ્રામ કમિટી દ્વારા એનટી હાઇજેક મોકડ્રિલ રાખવામાં આવી હતી. પણ કોઇ કારણોસર એરપોર્ટ ડાયરેક્ટર એર ટ્રાફિક કંટ્રોલર્સને આ મોકડ્રિલનો મેસેજ આપવાનું ચૂકી ગયા હતા તેને લીધે સમગ્ર મોકડ્રિલથી સુરત એટીસીનો સ્ટાફ અજાણ હતો. આ મામલામાં સુરત એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીનો ગુજરાતમિત્ર દ્વારા તેમનો પક્ષ જાણવા સંપર્ક કરવામાં આવતા તેઓ પ્રતિક્રિયા માટે ઉપલબ્ધ ન હતા. આ ઘટના પછી એવી ચર્ચા ચાલી રહી છે કે એરપોર્ટ ડાયરેક્ટર અને એટીસીના અધિકારીઓ વચ્ચેનું મનદુખ એરપોર્ટ પર મોટી દુર્ઘટના નોતરશે.

માહિતી આપવા માટે હું અધિકૃત વ્યકિત નથી
આપ જે માહિતી જાણવા કે મેળવવા માંગો છો તે માટે હું અધિકૃત વ્યકિત નથી તમે જે માહિતી જાણવા માંગો છો તે માટે એરપોર્ટ ડાયરેક્ટરનો સંપર્ક કરી શકો છો માહિતી આપવા માટે તેઓ યોગ્ય વ્યકિત છે. ઝીલ શાહ ચીફ એટીસી સુરત એરપોર્ટ

નિર્ધારીત સમય અને નક્કી કર્યા મુજબની મોકડ્રિલ હતી પોલીસને બોલાવવામાં આવી હતી: અજય તોમર
શહેર પોલીસ કમિશ્નર અજય તોમરે 22 નવેમ્બરે સુરત એરપોર્ટ પર બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કે તે દિવસે એરોડ્રામ કમિટી દ્વારા નિર્ધારીત સમયે નક્કી કર્યા મુજબની એન્ટી હાઇજેક મોકડ્રિલ રાખવામાં આવી હતી. આ મોકડ્રિલ માટે એરોડ્રામ કમિટી દ્વારા સુરત પોલીસે આમંત્રણ આપીને તેડાવવામાં આવી હતી. પોલીસ સામેથી વાહનો લઇને એરપોર્ટ રનવે સુધી પહોંચી હોવાની વાત સદંતર ખોટી છે. જે વાહનો એરપોર્ટ પર મોકડ્રિલમાં ગયા અને ત્યાંથી જે સંજોગોમાં પરત આવ્યા તેનું સંપૂર્ણ વિવરણ કંટ્રોલરૂમમાં રેકોર્ડ પર લેવામાં આવ્યું છે. મોકડ્રિલમાં તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. પોલીસ માત્ર મોકડ્રિલનું એક ભાગ હતી. તેને કોઇ માહિતી આપવામાં આવી ન હતી કે મોકડ્રિલ સમયે કોઇ વિમાન આવવાનું છે એરપોર્ટના અધિકારીઓ જ પોલીસના વાહનોને અંદર લઇ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક કંટ્રોલર ડે ના દિવસે એરપોર્ટ ડાયરેક્ટરે એટીસીના અધિકારીઓ સાથે દૂર્વ્યવહાર કર્યાની તપાસ પણ ચાલી રહી છે
સુરત એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની અને એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર વિભાગના અધિકારીઓના સંબંધ તનાવ ભર્યા છે. આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક કંટ્રોલર ડે ના દિવસે એરપોર્ટ ડાયરેક્ટરે એટીસીના અધિકારીઓ સાથે દૂર્વ્યવહાર કર્યાની ફરિયાદ એટીસીના યુનિયને એરપોર્ટ ઓથોરીટીના વેસ્ટર્ન રીજીયનને કરતા આ મામલામાં એરપોર્ટ ઓથોરીટીના રીજનલ એક્ઝિકયુટીવ ડાયરેક્ટર જે.ટી. રાધાકૃષ્ણાને તપાસ સોંપવામાં આવી હતી. ઓક્ટોબર મહિનામાં આ ઘટના બની હતી. જ્યારે એટીસીએ કરેલા આક્ષેપ પ્રમાણે એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીએ એટીસી ટાવરમાં પહોંચી ‘એટીસી પર શરમ કરો’ના સૂત્રો પોકારી બુમબરાડા પાડયા હતા. આ મામલે એર ટ્રાફિક કંટ્રોલર્સ ગિલ્ડને એટીસી કર્મચારીઓનું પ્રતિનિધ્તવ કરતા યુનિયને ફરિયાદ કરી હતી આ મામલામાં તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top