વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં સમાવિષ્ટ ઉંડેરા ગામના તળાવથી ગોત્રી તરફ ખુલ્લી વરસાદી કાંસ આવેલી છે.હાલ આ કાંસ લોકો માટે જીવના જોખમરૂપ પુરવાર થઇ રહી છે.વધુ એક વાહન ચાલક ખાબકતા તેને ઈજાઓ પહોંચી હતી તત્કાલ સ્થાનિક ગ્રામજનો દોડી આવી મહામુસીબતે ઈજાગ્રસ્તને કાંસમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલ ઉંડેરા ગામમાં તળાવથી ગોત્રી તરફ જતી ખુલ્લી કાંસમાં એક સ્કુટી ચાલક પડી જતા ગામ લોકોએ તેને મહામુસીબતે બહાર કાઢ્યો હતો.
આ કાંસ વર્ષોથી આ રીતે ખુલ્લી છે.અને વારંવારની રજૂઆત છતાં આની ઉપર કોઈપણ જાતની સ્વરક્ષણ દિવાલ કે આડસ બનાવવામાં આવી નથી.આ ખુલ્લી કાંસ બંધ કરવા માટે સામાજિક કાર્યકર જોગેશ્વરી મહારાઉલ દ્વારા અગાઉ પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ સત્તાધીશો દ્વારા કોઈજ કામગીરી કરવામાં નહીં આવતા અહીં વારંવાર અકસ્માતો થાય છે.અને ગામના રહીશોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે.
આ ખુલ્લી કાંસ માં પડી જવાથી કોઈ નાગરિકનો જીવ જશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા સવાલો સાથે સામાજીક કાર્યકર જોગેશ્વરી મહારાઉલજીએ જણાવ્યું હતું કે આ ખુલ્લી કેનાલમાં ગંદા પાણી સાથે ઉકરડાની જેમ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય, મચ્છરોનો પણ ખૂબ જ ઉપદ્રવ થતા સમગ્ર ઉંડેરા ગામમાં રોગચાળાની દહેશત રહે છે.તેમજ બારે માસ ભયંકર દુર્ગંધ મારે છે.ઉંડેરા ગામ ને કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયો છે.એ વાતને પણ ઘણો સમય થઈ ગયો હોવા છતાં તમામ સત્તાધિશોને આ મામલે વારંવારની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જોકે આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. માટે આ સત્તાધીશો પોતાના પેટનું પાણી હલાવે. ઉંડેરાના ગ્રામજનોની માંગણી છે એ ટૂંક સમયની અંદર કામગીરી પુરી કરવામાં આવે. ઉંડેરાથી ગોત્રી તરફ વરસાદી કાંસની ફરતે ફેન્સીંગ કરવામાં આવે કાંતો એક દિવાલ કરવામાં આવે.જેથી વારંવાર જે ગંભીર અકસ્માતનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે તે ન બને. શું સત્તાધીશો કોઈનો ભોગ લેવાની રાહ જોઈ રહ્યા છે.જો આગામી દિવસની અંદર અને તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા સત્તાધિશો અને અધિકારીઓ ની રહેશે તેમ જોગેશ્વરી મહારાઉલજી એ જણાવ્યું હતું.