આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં મંગળવારથી એકાએક પલટાયેલા વાતાવરણમાં બુધવાર વ્હેલી સવારે કમોસમી વરસાદ પડવાનો ચાલુ થયો હતો. જિલ્લામાં વ્હેલી સવારે જ વરસાદના જોરદાર ઝાપટાંથી ચોતરફ પાણી ભરાયાં હતાં.જ્યારે બીજી તરફ આ કમોસમી વરસાદમાં ઠંડીનું જોર પણ વધ્યું હતું. છેલ્લા 24 કલાકથી સુર્યદેવના દર્શન કરવા મળ્યા નથી. કમોસમી વરસાદ સાથે ઝપાટભેર પવનના કારણે લોકોએ ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત વહેલી સવારે ધુમસ્સ છાયું વાતાવરણ અને અધંકાર રહેતા લોકોને રસ્તા પર મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો. આણંદ જિલ્લામાં બે દિવસથી પલટાયેલા વાતાવરણના પગલે બુધવાર વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું. વાદળછાયાં માહોલ બાદ ભરશિયાળે વરસાદ આવતા રાહદારીઓ અને શહેરીજનો રેનકોર્ટ પહેરવા પર મજબુર બન્યા હતા.
અરબ સાગરમાં લો પ્રેશર સરક્યુંલેશન સર્જાતા સોમવારથી જિલ્લામાં વરસાદી વાતાવરણ ઉભું થયું હતું. જેના પગલે સવારથી ઝરમર ઝરમર વરસાદની હેલી ચાલું થઈ હતી. આ ઉપરાંત ક્યાક ઝરમર ઝરમર તો ક્યાક જોશથી આવેલા વરસાદના કારણે ખેડુતો ચિંતામાં પડી ગયા હતા. હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આવું વરસાદી વાતાવરણ વધું એક દિવસ રહેશ. બાદમાં ધીમે ધીમે વાતાવરણમાં સુધારો જોવા મળશે. જેમાંથી આણંદ શહેર અને ઉમરેઠમાં સૌથી વધુ 9 મિમી નોંધાયો હતો. ફક્ત ખંભાતમાં કમોસમી વરસાદ નોંધાયો ન હતો. આ ઉપરાંત ખેડુતો દ્વારા પણ વરસાદથી પાકને નુકશાન ન થાય તે માટેના પગલા લેવામાં આવી ગયા હતા.
કેળના પાક ઉતારવાની અવસ્થાએ છોડ નમી ન જાય તે માટે ટેકો મુકવા
આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને ફુંકાતા ઠંડા પવનના કારણે ખેતીના પાકને પણ અસર પહોંચી છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, કેળના ખેતરમાં વરસાદના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, કેળના પાકમાં વરાપ થયે આંતરખેડ તથા નિંદામણ કરવું, કેળ પાકના જૂના વાવેતરમાં ફળો ઉતારવાની અવસ્થાએ કેળના છોડ નમીને પડી ન જાય એટલા માટે મજબૂત ટેકા આપવા અને કેળના મુખ્ય છોડની ફરતે પીલા દુર કરવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલની ભેજવાળા હવામાન પરિસ્થિતિમાં સીગાટોકા (પાનના ત્રાકીયા) રોગનો ઉપદ્રવ થવાની શક્યતા હોવાથી તેના નિયંત્રણ માટે જરૂરી દવા છંટકાવ જરૂરી છે. જોકે, હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવા ભલામણ કરવામાં આવી છે.
પવનની ઝડપ સાડા પાંચ કલાક કિલોમીટરની નોંધાઇ
આણંદમાં બે દિવસથી પલટાયેલા વાતાવરણના કારણે જનજીવન પર અસર પહોંચી છે. આ કમોસમી વરસાદમાં પવનની ઝડપ સાથે કડકડતી ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મહત્તમ તાપમાન 21 ડિગ્રી, લઘુત્તમ 16.2 ડિગ્રી નોંધાયો છે. ઉત્તર પૂર્વ તરફથી ફુંકાતા પવનની ઝડપ સાડા પાંચ પ્રતિ કિલોમીટર કલાકની નોંધાઇ છે.