બબ્બરને હવે એ તો સમજાય ગયું છે કે તે મોટો સ્ટાર બની શકે તેમ નથી. સ્ટાર બનવા જેટલો તે હેન્ડસમ પણ નથી અને તેના એવા પ્રયત્ન પણ નથી. અભિનેતા તરીકે તે ગંભીર છે પણ તેણે પોતાને સહાયક અભિનેતાની કેટેગરીમાં નાંખ્યો નથી. તેના જેવું જ શરમન જોશીનું છે પણ શરમન વધારે લક્ષય સાથે કામ કરે છે ને ફિલ્મો મેળવતો રહે છે. પ્રતિકના એટિટયૂડ એકદમ પ્રોફેશનલ એકટરનાં નથી. કામ કરે ત્યારે અલબત્ત ગંભીર રહીને જ કરે છે પણ કામ મેળવવાનું ઝનૂન ઓછું છે. વધારે જાણીતા થવા એકાદ બે સેન્સેશનલ કેરેકટર પોતાના નામે ચડવા જોઇએ તેવું હતું તેના વિશે નથી થયું. હવે તો તે વેબસિરીઝ પણ કરે છે. ‘સ્કાયફાયર’નો ચન્દ્રશેખર, ફોર મોર શોટ્સ પ્લિઝ’નો જેહ વાડિયાઅને હમણાં ‘વીરકર’નો વીરકર એવા પ્રતિક બબ્બરને કોઇ સારો દિગ્દર્શક ખોળે લે તેની જરૂર છે. રામ ગોપાલ વર્માએ મનોજ વાજપેયીનું રાકેશ ઓપપ્રકાશ મહેરાએ શરમન જોશીનું એકટર તરીકેનું સ્ટેટસ બદલી નાંખેલું એવું પ્રતિક બાબતે ય બને તો વાત પલટાઇ શકે.
આ ત્રીજી તારીખે તેની ‘કોબાલ્ટ બ્લ્યુ’ નામની ફિલ્મ રજૂ થઇ રહી છે. આ નામની નવલકથા અંગ્રેજી વાચકોમાં લોકપ્રિય બની હતી હવે એજ નવલકથાના લેખક સચીન કુદાલકરે દિગ્દર્શક તરીકે આ ફિલ્મ બનાવી છે. ભાઇ અને બહેન એક જ યુવાનના પ્રેમમાં પડે છે અને કુટુંબ વિખરાવા માંડે એવી વાર્તા છે. વિષય ચર્ચાસ્પદ છે પણ લોકપ્રિય ફિલ્મનો મસાલો નથી એવું જરૂર કહેવાશે. શિશીર શર્મા અને ગીતાંજલી કુલકર્ણી ભાઇ-બહેન છે જે પ્રતિકના પ્રેમમાં પડે છે. ફિલ્મને રોમાન્સની કેટેગરીથી ઓળખાવવામાં આવી છે પણ તેને રોમેન્ટિક નહીં કહી શકાય. પ્રતિક બબ્બરે લોકપ્રિય બને એવા વિષયમાં કામ કરવું જોઇએ પરંતુ એવું તે કયારેક જ કરે છે. તેની મમ્મી સ્મિતા પાટિલ ગંભીર ફિલ્મોમાંથી મનોરંજક ફિલ્મો તરફ વળેલી પણ પ્રતિક હજુ એવું કરવા એકદમ તૈયાર નથી. અલબત્ત સંજય ગુપ્તાની ‘મુંબઇ સાગા’માં તે હતો પણ ઘણા સ્ટાર્સ વચ્ચે ઓળખવો મુશ્કેલ હતો. તેમાં તેણે અશ્વિન નાઇકની ભૂમિકા ભજવી હતી.
પણ હવે તે ‘બ્રહ્માસ્ત્ર’માં આવી રહ્યો છે. અયાન મુખરજીની ખૂબ જ મહત્વાકાંક્ષી સુપર હીરો ફિલ્મ છે અને તેમાં તેણે અમિતાભ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા જેવા ધાંસુ સ્ટાર્સ વચ્ચે દેખાવાનું છે. આ ફિલ્મ પાંચ ભાષામાં રજૂ થવાની છે એટલે પ્રતિકને ઘણી આશા છે પણ તે કેટલી ફળશે તે ખબર નથી. પરંતુ બીજી ફિલ્મ સાજિદ નડિયાદવાલાની ‘બચ્ચન પાંડે’ છે. તેમાં પણ તે અક્ષયકુમાર, ક્રિતી સેનોન, જેકલીન ફર્નાન્ડિસ, અર્શન વારસી વચ્ચે સ્ક્રિન પર કુલ કેટલી મિનીટ્સ માટે હશે તે સવાલ રહેશે પણ ‘બ્રાહ્માસ્ત્ર’ પછી ‘બચ્ચન પાંડે’ પણ મનોરંજન ઝંખનારા પ્રેક્ષકો માટે ખાસ બને તેવી છે. પણ મધુર ભંડારકરે લાંબા સમય પછી ‘ઇન્ડિયા લોકડાઉન’ બનાવી છે. જેમાં પ્રતિકની ભૂમિકા કેન્દ્રમાં છે અને સાથે સાઇ તામ્હણકર ને શ્વેતા પ્રસાદ અને અહાના કુમરા છે. લોકડાઉનના અનુભવ પરથી ફિલ્મ બની છે એટલે પ્રેક્ષકો તેની સાથે જોડાશે તો પ્રતિકને ફાયદો થશે.