Charchapatra

એ મહિલાને ધન્યવાદ આપી શકો

નવસારીમાં એક ગુંડાને સામાન્ય મહિલાઓએ પતાવી દીધાના સમાચાર તા. ૨૦-૧૧-૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં પ્રગટ થયા છે. આ તો નવીન ઘટના બની ગઇ! જે કામ પુરુષોએ અથવા પોલીસ ખાતાએ કરવું જોઇએ તે મહિલાઓએ કરી નાંખ્યું. ઘણીવાર ન ગમતી ઘટના બને છે, ત્યારે તેમાં મુખ્ય પાત્રની ભૂતકાળની કહાણી લોકમાનસમાં ઉભરાઇ આવતી હોય છે. અને ન માનવામાં આવે એવી ઘટના બની જતી હોય છે.  (૨) ગુંડાઓની તરકીબ એવી હોય છે કે પ્રથમ માખણ જેવું નિશાન પસંદ કરે, તેને સોફટ ટારગેટ કહે છે.

તેની પર હાથ અજમાવી જનમાનસ પર તેની કેવી અસર પડી તેનો અભ્યાસ કરે, પછી બીજો, ત્રીજો, ચોથો માણસ માર ખાવા પસંદ કરે, એટલે તેને ગુંડાનો મોભ્ભો મળી જાય. પછી તો તેને માટે બધા દ્વાર ખુલી જાય, ફળિયા અને વોર્ડમાં તે મોટા-ભા તરીકે માન પામવા લાગે, એવી માખણીયા જ્ઞાતિમાં આવા ગુંડાઓને સામાજીક પ્રસંગોએ વચ્ચે બેસી ન્યાતનો વહિવટ કરતા મેં જોયા છે. શિક્ષીતો, પ્રોફેસર, શિક્ષક, અમલદાર ખાસડા પડયા હોય, ત્યાં બેસે અને ગુંડા કેન્દ્રસ્થાને બિરાજે. આવી જ્ઞાતિઓ હંમેશા પછાત રહી જતી હોય છે, કારણ નવી પેઢીને સંસ્કાર આપે એવા અનુકરણ કરવા યોગ્ય વ્યકિતઓને ચાલુ પેઢી માનસન્માન આપતી નથી અને ગુંડાતત્વોને આપે છે, જે બાળકો પર ખરાબ દાખલો બેસાડે છે. (

૩) ગુંડાઓને પ્રોત્સાહન આપનારા રાજકારણીઓ હોય છે. તેની ચુલી શરૂઆત કમનસીબે કોંગ્રેસે કરી હતી. ભાજપે તો તેનું મોટાપાયે અનુકરણ જ કર્યું હતું! (૪) એકવાર એવું બન્યું કે હું મારી જ્ઞાતિમાં આવા ‘સારા’ તત્વો વિરુધ્ધ લોક માનસ કેળવતો હતો. હું એ વખતે નવસારી બજારમાં જ રહેતો હતો. હવે જે વ્યકિત ગુંડાઓને આગળ કરી પોતાની રાજકીય અને ધંધાકીય (ઓકટ્રોય તોડ – વિદ્યા વિ.) કારકિર્દી બનાવતો હતો, તેણે મને ડરાવવા તેના જમણા હાથને મો ઘેર મોકલ્યો. પેલો તો મારું નામ પુછતો પુછતો મહોલ્લામાં આવ્યો, એટલે કંઇક નવાજુની થવાની બીકે લોકો ગભરાઇ ગયા. હું ઘરે ન હતો, મારા વાઇફ બહાર નીકળ્યા તો દેવલો તો તેમને પગે લાગ્યો અને ચાલ્યો ગયો! પછી મારા વાઇફ લગભગ અર્ધો કિલોમીટર ચાલતા આવી મને જાણ કરી, મહોલ્લાવાળા કરતા વાઇફની હિંમત જબરદસ્ત હતી.

આવું પણ બને છે. સ્ત્રીઓમાં નૈતિક શકિત વધુ હોય છે. (૫) ઘણાં ખૂનીઓ એટલા હોશિયાર કે કોઇ પુરાવા છોડે નહીં. એવા ખૂનીઓને હું વર્ષ-બે વર્ષ જેલમાં પુરી રાખતો, કોર્ટમાં તો છુટી જવાના અને પાછા ગુંડાગીરી ચાલુ કરી દીયે. નમાલા જજોને કારણે ગુંડાઓની સંખ્યા વધી છે. નવસારીવાળા કેસમાં કોઇપણ મહિલાની ધરપકડ થવી જોઇએ નહીં, એ કેસ ફાઇલ થવો જોઇએ. ગુજરાતમાં પોલીસે અનેક ખૂનીઓને બચાવી લીધા છે. અને તે પ્રધાનો બન્યાના દાખલા છે, તો આ મહિલાઓએ તો પરમાર્થનું કામ કર્યું છે.
સુરત       – ભરતભાઇ પંડયા  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top